સુરત: સુરતમાં વર્ષ 2028ની શરૂઆત આધ્યાત્મિકતા, ભક્તિ અને સેવાભાવના અનોખા સંગમ સાથે થવા જઈ રહી છે. કાળીબા ગોટી ટ્રસ્ટના ઉપક્રમે પૂજ્ય મોરારીબાપુની રામકથા તા. 1થી 9 જાન્યુઆરી, 2028 દરમિયાન યોજાશે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ લવજીભાઈ બાદશાહની પસંદગીથી મોરારીબાપુ રામકથાના યજમાન તરીકે જોડાયા છે. 351 સરસ્વતીધામના સંકલ્પને આગળ વધારીને હવે દેશના અંતરિયાળ, દુર્ગમ, પહાડી, સરહદી અને ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 1008 સરસ્વતીધામ ઊભા કરવાના જનસંકલ્પ સાથે શિક્ષણયજ્ઞને વધુ વિસ્તૃત કરવાનો નિર્ણય લેવાયો છે.

1થી 9 જાન્યુઆરી દરમિયાન રામકથા
સુરતમાં મોરારીબાપુની રામકથા તા. 1થી 9 જાન્યુઆરી, 2028 દરમિયાન યોજાશે. રામકથાના યજમાન તરીકે લવજીભાઈ બાદશાહ જોડાયા છે.

ટ્રસ્ટના કેશુભાઈ ગોટીયે જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષથી શિક્ષણક્ષેત્રે કાર્યરત રહી અત્યાર સુધીમાં 265 સરસ્વતીધામનું નિર્માણ પૂર્ણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે વધુ 35 ધામનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે અને 16 માટે પેપરવર્ક ચાલી રહ્યું છે.

ગુજરાત ઉપરાંત આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, બિહાર, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાન સહિત 18 રાજ્યોમાં આ સેવા પ્રવૃત્તિ પહોંચી છે. આ મહાઅભિયાન સાથે 344 સહયોગી દાતાઓ પણ જોડાયેલા હોવાનું જણાવાયું હતું.

265 સરસ્વતીધામનું નિર્માણ પૂર્ણ
અત્યાર સુધીમાં 265 સરસ્વતીધામ તૈયાર કરીને લોકાર્પણ કરાયા છે. 35 ધામનું કામ પ્રગતિમાં છે, જ્યારે 16 માટે પેપરવર્ક ચાલી રહ્યું છે.

શિક્ષણ સાથે સેવા અને સંસ્કારનું કાર્ય

દરેક સરસ્વતીધામમાં ભોજનાલય, પ્રાર્થનાખંડ, લાઇબ્રેરી, ટોયલેટ-બાથરૂમ બ્લોક, નાના ભવન તથા રિનોવેશન સહિત 1331થી વધુ સેવા કાર્યો કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. છેલ્લા ત્રણ વર્ષથી રોજ સવારે 7 વાગ્યે 40થી વધુ આદિવાસી અને વંચિત બાળકોને સેવાકાર્યકર્તાઓ દ્વારા પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવે છે. આ ઉપરાંત રાષ્ટ્રધર્મ, ભારતીય સંસ્કૃતિ, કર્તવ્યબોધ અને જીવનમૂલ્યો અંગે 130થી વધુ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સરસ્વતીધામના નિર્માણમાં અત્યાર સુધી દરેક ધામના ખર્ચમાં 50 ટકા યોગદાન ટ્રસ્ટ તરફથી અને 50 ટકા સહયોગી દાતાઓ તરફથી આપવામાં આવતો હતો. હવે 352થી 1008 સુધીના ધામ માટેની સમગ્ર આર્થિક જવાબદારી દાતાઓ દ્વારા નિભાવવાનો નિર્ણય લેવાયો છે.

352થી 1008 સુધી દાતાઓની જવાબદારી
આગામી સરસ્વતીધામના નિર્માણ માટે દાતાઓ દ્વારા આર્થિક જવાબદારી નિભાવવામાં આવશે. આ પરિવર્તનને શિક્ષણ અને સંસ્કારનો સંદેશ વધુ અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચાડવાના પ્રયાસ તરીકે રજૂ કરવામાં આવ્યું છે.

નવા વર્ષના પ્રારંભે યોજાનારી રામકથા દ્વારા ભક્તિ સાથે શિક્ષણ અને સેવાના સંકલ્પને વધુ વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. આ સાથે 1008 સરસ્વતીધામ ઊભા કરવાના જનસંકલ્પને આગળ વધારી શિક્ષણ અને સેવાકાર્યને વધુ વિસ્તારો સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય વ્યક્ત કરવામાં આવ્યો છે.