સુરત: નવી દિલ્હીમાં લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આયોજિત રાષ્ટ્રીય ‘ટેક્સટાઇલ કોન્કલેવ-2026’માં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના પ્રમુખ અશોક જીરાવાલાએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કોન્કલેવના મંચ પર તેમનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહના હસ્તે કરવામાં આવ્યું હતું.
કોન્કલેવ દરમિયાન અશોક જીરાવાલાએ કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં સુરતના ટેક્સટાઇલ ક્ષેત્રના વર્તમાન પ્રવાહો, ઉત્પાદન ક્ષમતા અને મશીનરીના આધુનિકીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ યાર્ન અને ફેબ્રિકને લગતા નીતિગત પ્રશ્નો તેમજ સ્થાનિક ટેક્સટાઇલ ઉદ્યોગકારો સામેના વ્યવહારુ પડકારો અંગે પણ વાતચીત થઈ હતી.
સુરતના કાર્યક્રમ માટે આમંત્રણ
અશોક જીરાવાલાએ કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહને આગામી દિવસોમાં સુરતમાં યોજાનારા ચેમ્બરના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા વિધિવત આમંત્રણ આપ્યું હતું, જેને મંત્રીએ સ્વીકાર્યું હતું.
નિકાસ વધારવા સરકારનો ફાઇનાન્સિયલ સપોર્ટ પર ભાર
કોન્કલેવના ઉદ્ઘાટન સંબોધનમાં કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે ટેક્સટાઇલ MSME એકમોને મજબૂત બનાવવા, સરળ ધિરાણ ઉપલબ્ધ કરાવવા અને વિદેશી બજારોમાં એક્સપોર્ટ ફેસિલિટેશન સેન્ટર્સ શરૂ કરવા સરકાર પ્રાથમિકતા આપી રહી છે. આ માધ્યમથી ભારતની કાપડ નિકાસ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
ક્રેડિટ ફ્લો માટે બેન્કર્સ સાથે ચર્ચા
ટેક્સટાઇલ એકમોની નાણાકીય મુશ્કેલીઓ દૂર કરવા ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ (DFS) અને બેન્કર્સ સાથે મંત્રણા કરવામાં આવી હોવાનું ગિરિરાજ સિંહે જણાવ્યું.
મંત્રીના જણાવ્યા મુજબ, કૃષિ પછી સૌથી વધુ રોજગારી આપતા ટેક્સટાઇલ ક્ષેત્રમાં વર્તમાન સરકારના કાર્યકાળ દરમિયાન અંદાજે 5 કરોડ લોકોને રોજગારી મળી છે. તેમણે નવા, ખાસ કરીને સસ્ટેનેબલ ફાઈબર્સના ક્ષેત્રમાં લઘુ ઉદ્યોગ ભારતીને મોટી ભૂમિકા ભજવવા પણ આહ્વાન કર્યું હતું.
400થી વધુ ઉદ્યોગકારોની હાજરી
રાષ્ટ્રીય કોન્કલેવમાં દેશભરમાંથી 400થી વધુ સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગકારો જોડાયા હતા. ટેક્સટાઇલ ક્ષેત્રમાં આવી રહેલી અદ્યતન ટેક્નોલોજી અને ભવિષ્યના રોડમેપ અંગે નિષ્ણાતો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.