સુરત: આગામી તહેવારો દરમિયાન નાગરિકો અને વેપારીઓમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ વધે તે હેતુથી ધી વરાછા કો-ઓપ. બેંક લિ. અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો હતો. બેંકને પ્રતિષ્ઠિત શિડ્યુલ્ડ બેંકનો દરજ્જો પ્રાપ્ત થયો તેની ઉજવણીના ભાગરૂપે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેંકના સહકાર ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં I/C પોલીસ કમિશનર, સુરત શહેર શ્રી વાબાંગ જામીર IPS અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે એડિ. પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા IPS, એડિ. પોલીસ કમિશનર શ્રી બલરામ મીણા IPS, એડિ. પોલીસ કમિશનર ક્રાઈમ ડો. કરણરાજ વાઘેલા IPS, DCP ઝોન-1 શ્રી આલોક કુમાર IPS તથા DCP સાયબર સેલ શ્રીમતી બિશાખા જૈન IPS સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.
વરાછા કો-ઓપ. બેંકના જનરલ મેનેજર શ્રી વિઠ્ઠલભાઈ ધાનાણી અને સુરત જ્વેલરી એસોસિએશનના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ જીરાએ મંચસ્થ મહાનુભાવો અને આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
તહેવારોમાં વધતી સતર્કતા જરૂરી
ઓનલાઈન ખરીદી અને ડિજિટલ પેમેન્ટ વધતા સાયબર સુરક્ષા અંગે ખાસ જાગૃતિ.
OTPથી UPI ફ્રોડ સુધી, છેતરપિંડીથી બચવાની સમજ
સેમિનારમાં સાયબર ક્રાઈમના વધતા બનાવો અને ઓનલાઈન બેંકિંગ દરમિયાન રાખવાની સાવચેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. OTP, PIN, CVV, પાસવર્ડ તેમજ બેંકિંગની ગુપ્ત માહિતી કોઈની સાથે શેર ન કરવા ખાસ સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત ફિશિંગ લિંક, ફેક કોલ, ડિજિટલ અરેસ્ટ, UPI ફ્રોડ, સોશિયલ મીડિયા ફ્રોડ તથા અન્ય ઓનલાઈન છેતરપિંડીથી બચવાના ઉપાયો અંગે પણ માહિતી આપવામાં આવી હતી. તહેવારોના દિવસોમાં ઓનલાઈન ખરીદી, ડિજિટલ પેમેન્ટ અને બેંકિંગ વ્યવહારોમાં વધારો થતો હોવાથી વેપારીઓ તથા નાગરિકોને વધુ સતર્ક રહેવા અપીલ કરવામાં આવી હતી.
ગુપ્ત માહિતી, ગુપ્ત જ રાખો
OTP, PIN, CVV અને પાસવર્ડ કોઈની સાથે શેર ન કરવા અપીલ.
શંકાસ્પદ વ્યવહાર અથવા સાયબર છેતરપિંડીનો ભોગ બનવાના કિસ્સામાં તાત્કાલિક કાર્યવાહી કરવા તેમજ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930નો ઉપયોગ કરવા અંગે પણ જાગૃતિ આપવામાં આવી હતી.
પોલીસ કમિશનર સહિતના અધિકારીઓનું માર્ગદર્શન
I/C પોલીસ કમિશનર, સુરત શહેર શ્રી વાબાંગ જામીર IPS દ્વારા નાગરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા તથા સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તહેવારો દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે પણ તેમણે વાત કરી હતી.
સુરત જ્વેલરી એસોસિએશનના સભ્યો અને વિવિધ વેપારીઓ માટે યોજાયેલા સેમિનારમાં સાયબર સુરક્ષા અંગે ઉપયોગી માહિતી અને વ્યવહારુ માર્ગદર્શન મળવા બદલ આયોજકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
સાયબર ફ્રોડ થાય તો 1930
છેતરપિંડીના કિસ્સામાં તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈનનો ઉપયોગ કરવા અપીલ.
ડિજિટલ બેંકિંગ સાથે સુરક્ષા પણ જરૂરી
વરાછા કો-ઓપ. બેંકના ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ કુકડીયાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે બેંકિંગ ક્ષેત્રમાં ડિજિટલ સેવાઓનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ગ્રાહકોની નાણાકીય સુરક્ષા અને સાયબર જાગૃતિ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. બેંક દ્વારા ગ્રાહકોને સુરક્ષિત અને વિશ્વસનીય ડિજિટલ બેંકિંગ સેવા પૂરી પાડવાની સાથે સાયબર સુરક્ષા અંગે સતત જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
કાર્યક્રમના અંતે સુરત જ્વેલરી એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી નિલેશભાઈ લંગાળિયાએ ઉપસ્થિત મહાનુભાવો, પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, વેપારી મિત્રો, સભ્યો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.