અમદાવાદ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિત્તે અમદાવાદના સાબરમતી આશ્રમ રિસ્ટોરેશન પ્રોજેક્ટની નવી તસવીર સામે આવી છે. ગાંધીજીએ 1915માં કોચરબ ખાતે અને ત્યારબાદ 1917માં સાબરમતી નદીના કિનારે આશ્રમની સ્થાપના કરી હતી. 1930 સુધી આ આશ્રમ દેશના સ્વતંત્રતા સંગ્રામનું મુખ્ય કેન્દ્ર રહ્યો હતો. ‘ગાંધી આશ્રમ મેમોરિયલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ’ હેઠળ મૂળ 5 એકરના આશ્રમનો વિસ્તાર વધારીને 55 એકર કરવામાં આવ્યો છે. આશ્રમની ઐતિહાસિક ઈમારતોના રિસ્ટોરેશનનું 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે પેવર બ્લોક અને કન્સ્ટ્રક્શનની બાકી કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે.
55 એકરનો નવો વિસ્તાર
મૂળ 5 એકરનો આશ્રમ હવે 55 એકરમાં વિસ્તર્યો છે.
36 મૂળ ઈમારતોનું હેરિટેજ રિસ્ટોરેશન
ગૌશાળા, કેરલા પુણી કેન્દ્ર, સરદાર કુટીર, રંગશાળા, ઉદ્યોગ મંદિર અને યંગ ઈન્ડિયા સહિત કુલ 36 ઐતિહાસિક ઈમારતોનું તેમની મૂળ શૈલીમાં રિસ્ટોરેશન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત સમગ્ર કેમ્પસને હરિયાળું બનાવવા માટે અત્યાર સુધીમાં 6,998 ઝાડ, 63,986 શ્રબ્સ અને 1,03,178 ગ્રાઉન્ડ કવર પ્લાન્ટ્સનું વાવેતર કરવામાં આવ્યું છે. બહારનો અવાજ અંદર ન આવે તે માટે પેરીફેરી બફર ડેન્સ એટલે કે ‘વન કવચ’ પ્લાન્ટેશન પણ કરવામાં આવ્યું છે.
1.78 લાખથી વધુ વાવેતર
ઝાડ, શ્રબ્સ અને ગ્રાઉન્ડ કવર મળીને કુલ 1,74,162 છોડનું વાવેતર થયું છે.
‘મોહન ટુ મહાત્મા’ ગાર્ડન બન્યું આકર્ષણ
કેમ્પસમાં 10 અલગ-અલગ થીમ આધારિત ‘મોહન ટુ મહાત્મા’ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. આ ગાર્ડન ગાંધીજીના પ્રારંભિક વર્ષોથી લઈને મહાત્મા બનવા સુધીની જીવનયાત્રા રજૂ કરે છે.
આ યાત્રાના રૂટના અંતે એક તળાવ અને ગાંધીજીની પ્રતિકૃતિ દર્શાવતો હર્બલ ગાર્ડન પણ તૈયાર કરવામાં આવ્યો છે.
જીવનયાત્રા એક જ રૂટમાં
‘મોહન ટુ મહાત્મા’ ગાર્ડનમાં ગાંધીજીની જીવનયાત્રા રજૂ કરાશે.
22 બિલ્ડિંગમાં અદ્યતન ડિજિટલ મ્યુઝિયમ
કેમ્પસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. કન્ટેન્ટ એપ્રુવલ બાદ આગામી 3 મહિનામાં 22 બિલ્ડિંગમાં ગાંધીજીના વિચારો અને મૂલ્યો દર્શાવતું મ્યુઝિયમ-એક્ઝિબિશન તૈયાર થશે.
પાર્કિંગથી રેઈન ફોરેસ્ટ સુધીની સુવિધા
ટુરિસ્ટ્સ માટે કલેક્ટર ઓફિસ તરફથી મુખ્ય એન્ટ્રન્સ રાખવામાં આવ્યો છે. અહીં 250 ચાર-વ્હીલર અને 25 બસો પાર્ક થઈ શકશે. સિક્યુરિટી ચેક બાદ વિઝિટર્સ ઓરિએન્ટેશન સેન્ટર, ખાદી ભંડાર અને ફૂડ કોર્ટની મુલાકાત લઈ શકશે.
કેમ્પસમાં તાપમાન જાળવી રાખવા માટે ખાસ ‘રેઈન ફોરેસ્ટ’ અને નર્સરી પણ વિકસાવવામાં આવી છે.
મુલાકાત માટે 4થી 5 કલાક
સમગ્ર કેમ્પસ અને 22 બિલ્ડિંગનું મ્યુઝિયમ જોવા પ્રવાસીઓને 4થી 5 કલાકનો સમય લાગી શકે છે.
આશ્રમમાં પ્રવેશ માટે કોઈ ચાર્જ રાખવો કે નહીં તે અંગે હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી.