સુરત : સુરતના કાપડ ઉદ્યોગમાં યાર્નના ભાવને લઈને વીવર્સની મુશ્કેલી અંગે સચિન વીવર્સ વેલફેર એસોસિએશન રિંગ (SWWAAR) દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કાપડ અને રસાયણ-ખાતર મંત્રાલયના સચિવોને પત્ર મોકલી મુઠ્ઠીભર સ્પિનર્સ દ્વારા યાર્નના ભાવમાં કથિત રીતે કરવામાં આવતા વધારાની તપાસ કરવા અને વીવર્સને આંતરરાષ્ટ્રીય ભાવની નજીક યાર્ન ઉપલબ્ધ કરાવવા સરકારની મધ્યસ્થીની માંગ કરી છે.
વીવર્સની મુખ્ય માંગ
સ્થાનિક પોલીએસ્ટર FDY યાર્નના ભાવમાં થયેલા વધારાની તપાસ કરી આંતરરાષ્ટ્રીય FOB ભાવ સાથે તેની સરખામણી કરવામાં આવે અને વીવર્સને યોગ્ય ભાવે યાર્ન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે.
સુરતના કાપડ ઉદ્યોગમાં યાર્નનો મોટો વપરાશ
એસોસિએશનના જણાવ્યા મુજબ સુરત ટેક્સટાઇલ સિટી અને MMF હબ તરીકે દેશ-વિદેશમાં જાણીતું છે. શહેરમાં દરરોજ આશરે 6 કરોડ મીટર જેટલું ગ્રે કાપડ તૈયાર થાય છે. આ ઉત્પાદન માટે દર મહિને આશરે 1.51 લાખ મેટ્રિક ટન પોલીએસ્ટર યાર્નનો વપરાશ થાય છે. તેમાં આશરે 60 ટકા હિસ્સો DTY યાર્નનો હોવાનું એસોસિએશને જણાવ્યું છે.
SWWAARના જણાવ્યા મુજબ જૂન 2026 બાદ પોલીએસ્ટર યાર્નના ભાવમાં આશરે 35થી 40 ટકાનો વધારો થયો છે. એસોસિએશનનો આક્ષેપ છે કે ભાવ વધારાને કારણે સુરતના વીવર્સ માટે ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે અને તેની સીધી અસર કાપડ ઉદ્યોગ પર પડી રહી છે.
35થી 40 ટકાનો ભાવ વધારો
એસોસિએશનના જણાવ્યા મુજબ જૂન 2026 બાદ પોલીએસ્ટર યાર્નના ભાવમાં આશરે 35થી 40 ટકાનો વધારો થયો છે.
આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ભાવ વચ્ચે તફાવતનો મુદ્દો
એસોસિએશને પત્રમાં જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં યાર્નના FOB ભાવ અને સુરતના સ્થાનિક બજારમાં મળતા ભાવ વચ્ચે તફાવત જોવા મળી રહ્યો છે. પત્ર મુજબ આંતરરાષ્ટ્રીય FOB રેટ આશરે રૂ.141 પ્રતિ કિલો છે, જ્યારે સુરતમાં સ્પિનર્સ તરફથી આશરે રૂ.152 પ્રતિ કિલોનો ભાવ જણાવવામાં આવી રહ્યો છે.
એસોસિએશનનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે યાર્ન મેળવવામાં વધેલા ફ્રેઇટ અને અન્ય ખર્ચને ધ્યાનમાં લેતા પણ સ્થાનિક ભાવની રચનાની તપાસ જરૂરી છે. સંગઠને સરકારને સ્થાનિક યાર્નના ભાવ, આંતરરાષ્ટ્રીય FOB ભાવ, લેન્ડેડ કોસ્ટ અને અન્ય ઇનપુટ ખર્ચની તુલના કરીને સમગ્ર મામલાની તપાસ કરવાની માંગ કરી છે.
વીવર્સને રાહત મળે તેવી સરકાર પાસે માંગ
પત્રમાં એસોસિએશને સરકાર સમક્ષ બે મુખ્ય માંગણીઓ મૂકી છે. પ્રથમ, કોટેલાઇઝેશનથી સ્થાનિક પોલીએસ્ટર FDY યાર્નના ભાવમાં થયેલા વધારાની તપાસ કરી આંતરરાષ્ટ્રીય FOB ભાવ અને અન્ય ખર્ચ સાથે તેની સરખામણી કરવામાં આવે. બીજી તરફ, વધતા આંતરરાષ્ટ્રીય ફ્રેઇટ ખર્ચ અને ઘટતી આયાતી સ્પર્ધાના લાભનો ઉપયોગ કરીને સ્થાનિક ઉત્પાદકો દ્વારા અયોગ્ય રીતે ઊંચા ભાવ વસૂલવામાં આવે છે કે કેમ તેની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
એસોસિએશને જણાવ્યું છે કે જો સ્થાનિક યાર્નના ભાવ આંતરરાષ્ટ્રીય બજારની તુલનામાં વધુ રહેશે તો સુરતના વીવર્સ માટે ઉત્પાદન ખર્ચ વધશે અને દેશના કાપડ ઉદ્યોગની સ્પર્ધાત્મકતા પર અસર પડી શકે છે. આથી વીવર્સને આંતરરાષ્ટ્રીય ભાવની નજીક યાર્ન ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્ર સરકાર તાત્કાલિક યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે.