સુરત : દક્ષિણ ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની રેલ કનેક્ટિવિટીને વધુ સરળ બનાવતી સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસની શરૂઆત થવા જઈ રહી છે. ગાંધી જયંતિના દિવસે એટલે કે 2 ઓક્ટોબરે સુરતથી સવારે 10 વાગ્યે ઉદ્ઘાટનાત્મક સ્પેશિયલ ટ્રેન રવાના થશે અને સાંજે 5:40 વાગ્યે ઉદયપુર પહોંચશે. ત્યારબાદ ઉદયપુરથી સુરતની નિયમિત સેવા 3 ઓક્ટોબરથી અને સુરતથી ઉદયપુરની નિયમિત સેવા 4 ઓક્ટોબરથી શરૂ થશે. આ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડશે.

ઉદ્ઘાટન અને નિયમિત સેવા
2 ઓક્ટોબર : સુરતથી ઉદ્ઘાટનાત્મક સ્પેશિયલ ટ્રેન
3 ઓક્ટોબર : ઉદયપુરથી નિયમિત સેવા
4 ઓક્ટોબર : સુરતથી નિયમિત સેવા

સુરતથી 6:10 વાગ્યે ઉપડી ઉદયપુર 1:40 વાગ્યે પહોંચશે

નિયમિત સેવા શરૂ થયા બાદ ટ્રેન નંબર 26903 સુરતથી સવારે 6:10 વાગ્યે ઉપડશે અને બપોરે 1:40 વાગ્યે ઉદયપુર સિટી પહોંચશે. પરત દિશામાં ટ્રેન નંબર 26904 ઉદયપુર સિટીથી બપોરે 3:35 વાગ્યે રવાના થઈ રાત્રે 11 વાગ્યે સુરત પહોંચશે. સુરત-ઉદયપુર વચ્ચે આશરે 690 કિલોમીટરનું અંતર 7 કલાક 30 મિનિટમાં કાપશે.

સમયપત્રક
સુરતથી ઉદયપુર : સવારે 6:10થી બપોરે 1:40 સુધી
ઉદયપુરથી સુરત : બપોરે 3:35થી રાત્રે 11 વાગ્યા સુધી
સેવા : મંગળવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ

ભરૂચથી ડુંગરપુર સુધી 9 સ્ટોપેજ

સુરતથી ઉદયપુરના માર્ગમાં વંદે ભારતને ભરૂચ, વડોદરા, આણંદ, મણિનગર, આસારવા, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર અને ઝાવર ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યા છે. આ કારણે દક્ષિણ ગુજરાત ઉપરાંત વડોદરા, આણંદ અને અમદાવાદ વિસ્તારના મુસાફરોને પણ ઉદયપુર તરફ સીધી રેલ સેવા મળશે.

9 મુખ્ય સ્ટોપેજ
ભરૂચ, વડોદરા, આણંદ, મણિનગર, આસારવા, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર અને ઝાવર

8 કોચની વંદે ભારત, ચેર કારની સુવિધા

સુરત-ઉદયપુર વંદે ભારત 8 કોચ સાથે દોડશે. તેમાં એક્ઝિક્યુટિવ ચેર કાર અને એસી ચેર કારની સુવિધા રહેશે. નવી સેવા શરૂ થતાં સુરત અને રાજસ્થાન વચ્ચે મુસાફરી કરતા વેપારીઓ, નોકરી-ધંધા માટે જતા લોકો તેમજ પ્રવાસીઓને સીધી રેલ કનેક્ટિવિટી મળશે.

નવી સેવા શરૂ થતાં સુરત અને ઉદયપુર વચ્ચે સીધી વંદે ભારત કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. ઉલ્લેખનીય છે કે ઉદયપુર-આસારવા વંદે ભારત સેવા 2 ઓક્ટોબરથી બંધ કરવામાં આવી રહી છે, જેના સ્થાને ઉદયપુર-સુરત સેવા શરૂ થશે.