સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ
સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા 'ગુજરાત ભાડા વિધેયક' સામે સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનની કાઉન્સિલ સભ્યોની મળેલી બેઠકમાં આ નવા કાયદાને લઈને વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી. આ વિધેયક અંતર્ગત અમલમાં આવનારા નવા કાયદાના કારણે ગુજરાત રાજ્યની તમામ પ્રજા તેમજ વકીલઓને ખૂબ જ મોટી મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. વકીલો અને પક્ષકારોના હિતને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા સમગ્ર રાજ્યના વકીલોના સમર્થનમાં ત્રણ દિવસ સુધી કોર્ટ કામકાજથી અળગા રહેવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશતા અસીલો અને અરજદારોને વકીલો દ્વારા અટકાવવામાં આવતા હોબાળો મચ્યો હતો. આ દરમિયાન વકીલો અને અરજદારો વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા જારી કરવામાં આવેલી માહિતી અનુસાર, ગુજરાત ભાડા વિધેયકના વિરોધ સ્વરૂપે 30 સપ્ટેમ્બર એટલે કે આજે અને 3 ઓક્ટોબર દરમિયાન તમામ વકીલઓ સ્વેચ્છાએ કોર્ટ કામથી અળગા રહેશે. આ વિરોધ એલાનને ધ્યાનમાં રાખીને પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ સાહેબને તથા તાબાની તમામ અદાલતોને યોગ્ય સૂચના આપવામાં આવી છે. જો કોઈ વકીલ કે પક્ષકાર કોર્ટ સમક્ષ હાજર ન રહી શકે, તો તેમની ગેરહાજરીના કારણે કોઈપણ કેસમાં એકતરફી હુકમ, કેસ રદ કરવા કે વોરંટ/સમન્સ ઇશ્યુ કરવા જેવા હુકમો ન કરવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. આ બાબતની સત્તાવાર રજૂઆત સુરત જિલ્લા વકીલ મંડળના હોદ્દેદારો દ્વારા કરવામાં આવી છે અને જે સ્ટેજ પર પક્ષકારો કે વકીલોની સમસ્યાઓ છે તે અંગે આગામી ત્રણ દિવસ સુધી મંડળ દ્વારા સતત ન્યાયિક અસહકાર જાળવી રાખવામાં આવશે. સુરતના વકીલો દ્વારા લેવાયેલા આ આક્રમક પગલાથી ન્યાયિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે અને સરકાર સમક્ષ આ કાયદા સામેનો રોષ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.