સુરત :- વર્તમાન ન્યૂઝ.કોમ 
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે સરસાણા સ્થિત SIECC ખાતે તા. 26, 27 અને 28 સપ્ટેમ્બર 2026 દરમિયાન આયોજિત ત્રિ-દિવસીય સુરત ટેક્સ્ટાઈલ મશીનરી એક્સ્પો ‘સીટેક્ષ-2026’ અભૂતપૂર્વ સફળતા સાથે સંપન્ન થયો છે. આ પ્રદર્શનને સુરત સહિત સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી જેન્યુઇન બાયર્સ અને મુલાકાતીઓનો જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે.

ટેક્સ્ટાઈલ સેક્ટરમાં મોટું મૂડીરોકાણ આવશે: અશોક જીરાવાલા
ચેમ્બર પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, “સીટેક્ષ એક્સ્પો-2026 સંપૂર્ણપણે સુપરહિટ રહ્યો હોવાના અત્યંત ઉત્સાહજનક ફીડબેક તમામ એક્ઝિબિટર્સ તરફથી મળ્યા છે. દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા સક્ષમ ખરીદદારો સમક્ષ એક્ઝિબિટર્સે અત્યાધુનિક મશીનરીનું પ્રદર્શન કર્યું હતું અને મોટા પાયે નવા બાયર્સ સાથે જોડાણ સાધ્યું હતું. જેન્યુઇન બાયર્સ સાથેની વન-ટુ-વન બેઠકોમાં ઓન-ધ-સ્પોટ મોટા ઓર્ડર્સ બુક થયા છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “લેટેસ્ટ ટેક્નોલોજીની અદ્યતન મશીનરીઓ તેમજ એન્સિલરી પ્રોડક્ટ્સ માટે જે જેન્યુઇન વ્યાપારી ઇન્ક્વાયરીઝ જનરેટ થઈ છે તેના વિશ્લેષણ મુજબ, આગામી 6 મહિનામાં ટેક્સ્ટાઈલ મશીનરી સેક્ટરમાં આશરે ₹1680 કરોડથી વધુના કેપિટલ ઇન્વેસ્ટમેન્ટની પ્રબળ શક્યતા છે. પ્રદર્શનમાં ભારતમાં નિર્મિત અત્યાધુનિક મશીનરી ઉપરાંત વૈશ્વિક સ્તરની ટેક્નોલોજી રજૂ કરાઈ હોવાથી રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.”

3 દિવસમાં 23,500 મુલાકાતીઓનો વિક્રમ
સીટેક્ષ એક્સ્પોમાં પ્રથમ દિવસે 4,500 બાયર્સ, બીજા દિવસે 12,000 બાયર્સ અને સોમવારે ત્રીજા તથા અંતિમ દિવસે 7,000 વિઝિટર્સ નોંધાયા હતા. આમ, 3 દિવસ દરમિયાન કુલ 23,500 મુલાકાતીઓએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી, જેનો સીધો અને વ્યાપક લાભ એક્ઝિબિટર્સ સહિત સુરતના સમગ્ર ટેક્સ્ટાઈલ ઉદ્યોગને મળ્યો છે.

દેશભરના ઔદ્યોગિક કેન્દ્રોની નોંધપાત્ર ઉપસ્થિતિ:
આ 3 દિવસ દરમિયાન દેશના ખૂણે-ખૂણેથી ટેક્સ્ટાઈલ અગ્રણીઓએ હાજરી આપી હતી. જેમાં અમદાવાદ, મુંબઈ, પૂણે, કોલ્હાપુર, ઇચલકરંજી, નાશિક, માલેગાંવ, ઔરંગાબાદ, સોલાપુર, ભીલવાડા, ઇન્દોર, વારાણસી, ઇટાવા, ગાઝિયાબાદ, નવી દિલ્હી, અંબાલા, બિકાનેર, જોધપુર, ડુંગરપુર, પ્રતાપગઢ, બક્ષદ, કોલકાતા, સિલચર, બક્સર, બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નાઈ, કોઈમ્બતુર, તિરુપુર, ઇરોડ તેમજ ગુજરાતના સુરેન્દ્રનગર, સિદ્ધપુર, ભાવનગર, પાટણ, અમરેલી, ભુજ અને વીરપુર સહિતના સેન્ટરોમાંથી આવેલા પ્રતિનિધિઓએ મશીનરી અપગ્રેડેશન માટે સક્રિય રસ દાખવ્યો હતો.