સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ 

સુરતની સંગીની હબ-2 ટેક્સટાઇલ માર્કેટના પહેલા માળે અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં સમગ્ર સંકુલમાં અફરાતફરી મચી ગઈ છે. ચાલુ માર્કેટ દરમિયાન લાગેલી આગને કારણે વેપારીઓ, ખરીદારો અને શ્રમિકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. આ ઘટનાની જાણ થતાં જ સુરતના અલગ-અલગ ફાયર સ્ટેશનો પરથી 10થી વધુ ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી છે. હાલ પાણીનો ભારે મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સુરતના મેર માયાબેન માવાણી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સંગીની હબ-2 ટેક્સટાઇલ માર્કેટમાં સામાન્ય દિવસની જેમ ધમધમાટ ચાલી રહ્યો હતો ત્યારે માર્કેટના પહેલા માળે આવેલી દુકાનમાંથી અચાનક ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા ચારેતરફ ફેલાઈ ગયા હતા. ધુમાડો સમગ્ર બિલ્ડિંગમાં પ્રસરી જતાં શ્વાસ લેવામાં પણ તકલીફ ઊભી થઈ હતી, જેને પગલે માર્કેટમાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર કંટ્રોલ રૂમ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી 15થી વધુ ફાયર ટેન્ડરો તાબડતોબ ઘટનાસ્થળે રવાના કરાયા હતા. ફાયર જવાનોએ તાત્કાલિક માર્કેટ ખાલી કરાવીને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. કાપડનો મોટો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી આગળ વધી રહી છે, જેને રોકવા માટે ફાયર વિભાગ દ્વારા ચારેય તરફથી પાણીનો સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે. જોકે, હજુ સુધી આગ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી શકી નથી અને તેને કાબૂમાં લેવાના સઘન પ્રયાસો ચાલુ છે.  દિવાળી તહેવાર પહેલા માર્કેટમાં કરોડો રૂપિયાના કાપડનો સ્ટોક હોવાથી આગ અન્ય દુકાનોમાં ફેલાય નહીં તે માટે વેપારીઓમાં ભારે ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે ફાયરના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પોલીસનો કાફલો પણ પહોંચી ગયો છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ જ નુકસાનીનો સાચો આંકડો જાણી શકાશે. કાપડના જથ્થાના કારણે આગ ઝડપથી ફેલાવવાની શક્યતા રહેતી હોવાથી આ ઘટનાથી આસપાસની અન્ય દુકાનો અને સમગ્ર માર્કેટના વેપારીઓમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર વિભાગની સમયસરની કાર્યવાહીને પગલે મોટી દુર્ઘટના અને સંભવિત જાનહાનિ ટળી ગઈ હતી, જેથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જ્યારે દુકાનમાં રહેલા કાપડના માલસામાનને કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.