સુરત: સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં આધુનિક મશીનરી, ઓટોમેશન અને ટેક્નોલોજી અપગ્રેડેશન માટેનું મહત્વનું પ્લેટફોર્મ બની રહેલા ‘સીટેક્ષ-2026’ને દેશભરમાંથી વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) અને સધર્ન ગુજરાત ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ત્રિ-દિવસીય એક્સ્પોમાં બે દિવસમાં 16,500થી વધુ અધિકૃત બાયર્સ અને મુલાકાતીઓ પહોંચ્યા છે.

પ્રથમ દિવસે 4,500 મુલાકાતીઓ નોંધાયા હતા, જ્યારે બીજા દિવસે આ સંખ્યા વધીને 12,000 જેટલી થઈ હતી. ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે એક્સ્પોમાં ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટેની ગ્લોબલ ટેક્નોલોજી, હાઇ-સ્પીડ લૂમ્સ અને ઓટોમેટેડ સાધનો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

પ્રથમ દિવસે 4,500 અને બીજા દિવસે 12,000 જેટલા બાયર્સ-વિઝિટર્સની હાજરી નોંધાઈ હતી. આમ, બે દિવસમાં મુલાકાતીઓનો કુલ આંકડો 16,500ને પાર પહોંચ્યો છે.

જીરાવાલાએ જણાવ્યું હતું કે મુલાકાતીઓનો વધતો પ્રવાહ દર્શાવે છે કે સ્થાનિક તેમજ રાષ્ટ્રીય સ્તરના ઉદ્યોગકારો પરંપરાગત ટેક્સટાઇલ એકમોને હાઇ-ટેક ઓટોમેશન તરફ લઈ જવા માટે ઉત્સુક છે. હાઇ-સ્પીડ મશીનરી, ઓટોમેશન અને નવી ટેક્નોલોજીથી સુરતના સમગ્ર ટેક્સટાઇલ ક્ષેત્રને નવી ગતિ મળવાની શક્યતા છે.

દેશના વિવિધ ટેક્સટાઇલ હબમાંથી બાયર્સની હાજરી

સીટેક્ષ-2026માં સુરત અને ગુજરાત ઉપરાંત દેશના વિવિધ ટેક્સટાઇલ તથા ગારમેન્ટિંગ હબમાંથી ઉદ્યોગકારો અને વેપારી પ્રતિનિધિમંડળો પહોંચ્યા હતા. આંદામાન-નિકોબારના બામ્બુફ્લેટ અને ગ્રેનચર્મા જેવા વિસ્તારો ઉપરાંત લુધિયાણા, અમૃતસર, પાણીપત, ભીલવાડા, જોધપુર, વારાણસી, ઇટાવા, પટના, મધુપુર, કોલકાતા, પશ્ચિમ બંગાળ, મુંબઈ, પુણે, ઇચલકરંજી, માલેગાંવ, કોલ્હાપુર, સોલાપુર, છત્રપતિ સંભાજીનગર, નાશિક, હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ, તિરુપુર, કોઈમ્બતૂર, ઇરોડ, સેલવાસ, દાદરા નગર હવેલી, ઇન્દોર અને નવી દિલ્હી સહિતના ઔદ્યોગિક કેન્દ્રોમાંથી બાયર્સ એક્સ્પોની મુલાકાતે આવ્યા હતા.
આંદામાન-નિકોબારથી લઈને લુધિયાણા, પાણીપત, તિરુપુર, વારાણસી, ભીલવાડા, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ અને બેંગ્લોર જેવા દેશના વિવિધ ટેક્સટાઇલ હબમાંથી ઉદ્યોગકારો અને બાયર્સ સુરત પહોંચ્યા હતા.

દેશના વિવિધ ભાગોમાંથી આવેલા ઉદ્યોગકારો માટે એક જ સ્થળે વિશ્વસ્તરીય મશીનરી અને નવી ટેક્નોલોજી તથા ઇનોવેશન્સને પ્રત્યક્ષ જોવાની તક મળી રહી છે. બાયર્સે મશીનરીની ખરીદી અંગે ગંભીર પૂછપરછ પણ હાથ ધરી હતી.

એક્ઝિબિટર્સને સીધા બાયર્સ મળતાં બિઝનેસની તકો

દેશના વિવિધ ભાગોમાંથી આવેલા અગ્રણી બાયર્સ સાથે સીધો સંપર્ક થતાં એક્ઝિબિટર્સને સંભવિત મોટા બિઝનેસ સોદા અને ઓર્ડર્સ અંગે પૂછપરછ મળી રહી છે. આ ઉપરાંત લાંબા ગાળાના વ્યાવસાયિક જોડાણો સ્થાપિત કરવાની તકો પણ ઊભી થઈ રહી છે.
ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલાના જણાવ્યા મુજબ, બાયર્સ અને એક્ઝિબિટર્સ વચ્ચેના સીધા સંપર્કનો વ્યાપક લાભ સુરતના સમગ્ર ટેક્સટાઇલ ઇકોસિસ્ટમને મળી શકે છે.

જીરાવાલાએ વધુમાં જણાવ્યું હતું કે સીટેક્ષ-2026ના પ્રતિસાદથી ટેક્સટાઇલ મશીનરી અને ઓટોમેશન ક્ષેત્રે સુરતની ભૂમિકા વધુ મજબૂત થઈ છે. એક્સ્પોમાં રજૂ થયેલી નવી ટેક્નોલોજી અને ઇનોવેશન્સ ટેક્સટાઇલ ઉદ્યોગના આધુનિકીકરણ માટે મહત્વપૂર્ણ બની રહ્યા છે.