સુરત: સુરત અને દક્ષિણ ગુજરાતના ટેક્સટાઈલ ઉદ્યોગને અસર કરતા વિવિધ નીતિ અને કરવેરા સંબંધિત પ્રશ્નો અંગે SGCCIના પ્રમુખ અશોક જીરાવાલા સહિતના પ્રતિનિધિમંડળે ભારત સરકારના રેવન્યુ સેક્રેટરી અરવિંદ શ્રીવાસ્તવ સાથે મુલાકાત કરી રજૂઆત કરી હતી. પ્રતિનિધિમંડળે MEG, PTA, Melt અને POYના વધતા ભાવ, MMF વેલ્યુ ચેઇનમાં ઈન્વર્ટેડ GST ડ્યૂટી તથા ઈમિટેશન જરીમાં ITC રિફંડની મર્યાદા જેવા મુદ્દા રજૂ કર્યા હતા.
MEG, PTA અને POY પર BCD રાહતની માંગ
વેસ્ટ એશિયા કટોકટીના સંદર્ભમાં MEG અને PTA પરની BCD મુક્તિ 30 જૂન બાદ 15 જુલાઈ 2026 સુધી લંબાવવામાં આવી હતી. ભારત પોતાની MEG અને PTAની જરૂરિયાતનો નોંધપાત્ર હિસ્સો આયાત કરે છે. દેશમાં પોલિએસ્ટર યાર્નનું ઉત્પાદન માંગના આશરે 75 ટકા અને Meltનું ઉત્પાદન આશરે 60 ટકા જેટલું થાય છે.
Melt અને POYના ભાવમાં વધઘટની સીધી અસર ટેક્સટાઈલની આગળની પ્રક્રિયા સાથે જોડાયેલા ઉદ્યોગો પર પડે છે. 30 જૂન 2026ના રોજ Melt અને POY વચ્ચેનો ભાવ તફાવત રૂ.17.59 પ્રતિ કિલો હતો, જે 22 ઓગસ્ટે વધીને રૂ.29.07 પ્રતિ કિલો થયો હતો. એટલે કે રૂ.11.48 પ્રતિ કિલોનો વધારો થયો હતો.
SGCCIએ MEG, PTA અને POYની આયાત પર ઓછામાં ઓછા એક વર્ષ માટે BCD મુક્તિ આપવાની માંગ કરી છે, જેથી કાચા માલની ઉપલબ્ધતા વધે અને ભાવમાં સ્થિરતા આવે.
Meltનું સ્થાનિક ઉત્પાદન મર્યાદિત મોટા ઉત્પાદકો પાસે કેન્દ્રિત હોવાથી વૈકલ્પિક સોર્સિંગ અને આયાતની સુવિધા જરૂરી હોવાનું SGCCIએ જણાવ્યું હતું. કાચા માલના ભાવ વધારાની અસર વણાટ, નિટિંગ, ડાઈંગ, પ્રિન્ટિંગ, પ્રોસેસિંગ અને ગારમેન્ટિંગ સહિતના ક્ષેત્રોમાં ઉત્પાદન ખર્ચ અને ખાસ કરીને નાના તથા MSME એકમોની કાર્યકારી મૂડી પર પડે છે.
PTA અને MEG પર GST 18%થી 5% કરવાની રજૂઆત
હાલ PTA અને MEG પર 18 ટકા GST છે, જ્યારે POY, DTY, FDY, PSF, યાર્ન, ફેબ્રિક અને ગારમેન્ટ જેવા MMF વેલ્યુ ચેઇનના મોટા ભાગના ઉત્પાદનો પર 5 ટકા GST છે. SGCCIએ આ કારણે ઊભી થતી ઇન્વર્ટેડ ડ્યૂટીની સમસ્યા દૂર કરવા PTA અને MEG પર GST 5 ટકા કરવાની માંગ કરી છે.
સ્પિનર્સ માટે ઇનપુટ GST આશરે રૂ.19.44 પ્રતિ કિલો અને આઉટપુટ GST આશરે રૂ.6 પ્રતિ કિલો રહેતાં આશરે રૂ.13.44 પ્રતિ કિલો ITC રિફંડ/સેટ-ઓફની પ્રક્રિયામાં અટવાય છે. આથી ખાસ કરીને MSME એકમોની કાર્યકારી મૂડી પર દબાણ આવે છે.
SGCCIના જણાવ્યા મુજબ PTA અને MEG પર GST ઘટાડવાથી MMF વેલ્યુ ચેઇનમાં GSTનું માળખું વધુ સુસંગત બનશે અને કાર્યકારી મૂડી પરનો બોજ ઘટાડી શકાશે.
ઈમિટેશન જરીમાં ITC રિફંડની મર્યાદા દૂર કરવાની માંગ
ઓક્ટોબર 2022થી ઈમિટેશન જરી થ્રેડ/યાર્નમાં ઉપયોગમાં લેવાતા પોલિએસ્ટર તથા મેટલાઈઝ્ડ પોલિએસ્ટર ફિલ્મ સંબંધિત સંચિત ITCના ઇન્વર્ટેડ ડ્યૂટી રિફંડ પર ચોક્કસ મર્યાદા લાગુ કરવામાં આવી છે. SGCCIએ આ મર્યાદાની સમીક્ષા કરીને ઈમિટેશન જરી ઉત્પાદકોને સામાન્ય GST ઇનપુટ ક્રેડિટ અને રિફંડની વ્યવસ્થામાં સામેલ કરવાની માંગ કરી છે.
પોલિએસ્ટર ફિલ્મનો ઉપયોગ લેમિનેટેડ પેકેજિંગ સહિતના અન્ય ઔદ્યોગિક ઉપયોગોમાં પણ થાય છે, પરંતુ ઈમિટેશન જરી માટે અલગ મર્યાદા હોવાથી સુરતના નાના અને MSME ઉત્પાદકો પર અસમાન અસર થતી હોવાનું SGCCIએ રજૂ કર્યું હતું.
SGCCI પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું કે સુરતનું સ્પિનિંગથી લઈને યાર્ન, વણાટ, નિટિંગ, ડાઈંગ, પ્રિન્ટિંગ, પ્રોસેસિંગ, એમ્બ્રોઈડરી અને ગારમેન્ટિંગ સુધીનું ટેક્સટાઈલ ક્ષેત્ર એકબીજા સાથે જોડાયેલું છે. કાચા માલના ભાવ, કસ્ટમ્સ ડ્યૂટી, GST અને કાર્યકારી મૂડી સંબંધિત પ્રશ્નો ઉકેલવાથી સમગ્ર ટેક્સટાઈલ વેલ્યુ ચેઇનને લાભ થશે.