મુંબઈ: નિતેશ તિવારીના દિગ્દર્શનમાં બની રહેલી બહુચર્ચિત ફિલ્મ ‘રામાયણ’ના ખાસ પ્રમોશનલ મીડિયા અને ફેન શોકેસમાં વિશ્વપ્રસિદ્ધ YouTuber MrBeast એટલે કે જિમી ડોનાલ્ડસનની હાજરીથી ઇવેન્ટ ખાસ ચર્ચામાં રહ્યું હતું. મુંબઈમાં  યોજાયેલા આ કાર્યક્રમમાં ફિલ્મના મુખ્ય કલાકારો રણબીર કપૂર, સાઈ પલ્લવી અને રવિ દુબે ઉપરાંત દિગ્દર્શક નિતેશ તિવારી તથા નિર્માતા નમિત મલ્હોત્રા પણ હાજર રહ્યા હતા.

MrBeast અને ‘રામાયણ’ વચ્ચેનું કનેક્શન માત્ર પ્રમોશન પૂરતું નથી. ઇવેન્ટ દરમિયાન નમિત મલ્હોત્રાએ જણાવ્યું હતું કે તેઓ અને MrBeast ‘The Angry Birds Movie 3’માં પણ સાથે કામ કરી રહ્યા છે અને MrBeast તેમાં voice actor તરીકે જોડાયેલા છે. આ વાત સાંભળીને MrBeastએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

પરંપરાગત સ્વાગત બાદ MrBeastનું ફિલ્મ સાથે જોડાણ

મુંબઈમાં યોજાયેલા આ ખાસ ઇવેન્ટમાં MrBeastનું પરંપરાગત ભારતીય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે ફિલ્મની ટીમ અને ઉપસ્થિત લોકો સાથે વાતચીત કરી હતી. MrBeastએ કાર્યક્રમમાં પોતાના અનુભવ અંગે ખુશી વ્યક્ત કરી અને ફિલ્મના કેટલાક ભાગો જોવાનો અનુભવ પણ શેર કર્યો હતો. તેમણે ફિલ્મના દૃશ્યોને વખાણતાં તે અદ્ભુત લાગ્યા હોવાનું જણાવ્યું હતું.

MrBeastની હાજરીને ફિલ્મના વિશાળ આંતરરાષ્ટ્રીય પ્રમોશનલ અભિગમ સાથે પણ જોવામાં આવી રહી છે. ‘રામાયણ’ને ભારતીય દર્શકો ઉપરાંત વિશ્વભરના દર્શકો સુધી પહોંચાડવાની યોજના સાથે તૈયાર કરવામાં આવી રહી છે. ફિલ્મના આંતરરાષ્ટ્રીય વિતરણ માટે Sony Pictures સાથે ભાગીદારી જાહેર કરવામાં આવી છે, જ્યારે ઉત્તર ભારતના હિન્દીભાષી બજાર માટે Dharma Productions વિતરણ સાથે જોડાયું છે.

રણબીરે MrBeastને સમજાવ્યું શ્રીરામનું પાત્ર

ઇવેન્ટ દરમિયાન રણબીર કપૂરે MrBeastને ‘રામાયણ’ અને ભગવાન શ્રીરામના પાત્ર વિશે સમજાવ્યું હતું. રણબીરે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં રામાયણ અને શ્રીરામનું સ્થાન બાળપણથી જ લોકોના જીવન સાથે જોડાયેલું છે. તેમણે શ્રીરામને ‘મર્યાદા પુરુષોત્તમ’ તરીકે સમજાવતા તેમના જીવનમાં કર્તવ્ય, ધર્મ અને પિતાના વચન માટે કરેલા ત્યાગનો ઉલ્લેખ કર્યો હતો.

રણબીરે સમજાવ્યું કે શ્રીરામ રાજકુમાર હોવા છતાં પોતાની ઇચ્છા કરતાં કર્તવ્યને મહત્વ આપે છે અને પિતાના વચનને નિભાવવા માટે રાજગાદીનો ત્યાગ કરે છે. રણબીરના જણાવ્યા મુજબ, ફિલ્મ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસની આ કથાનો વિશ્વના દર્શકોને પરિચય કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

MrBeastએ બોલ્યો ‘જય શ્રી રામ’

કાર્યક્રમ દરમિયાન હાજર લોકો તરફથી ‘જય શ્રી રામ’ના નારા લગાવવામાં આવ્યા હતા. MrBeastને આ શબ્દોનો અર્થ અને ઉચ્ચાર સમજવામાં ક્ષણિક મુશ્કેલી થતાં રણબીર કપૂરે તેમને સાથે બોલવામાં મદદ કરી હતી. ત્યારબાદ MrBeastએ ‘જય શ્રી રામ’નો નારો લગાવ્યો હતો, જેને હાજર લોકોએ ઉત્સાહભેર વધાવ્યો હતો. આ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં આવ્યો હતો.

ધનુષ સાથેનો પ્રસંગ પણ બન્યો ચર્ચાનો વિષય

ઇવેન્ટ દરમિયાન રામાયણની કથાના જાણીતા પ્રસંગને દર્શાવતો ધનુષ પણ રજૂ કરવામાં આવ્યો હતો. નમિત મલ્હોત્રા અને રવિ દુબે સાથેના પ્રસંગ બાદ રણબીર કપૂરે પણ ધનુષ હાથમાં લીધું હતું. આ ક્ષણના વીડિયો અને તસવીરો સામે આવ્યા બાદ તે પણ કાર્યક્રમની ચર્ચિત બાબતોમાં સામેલ થઈ હતી. નમિત મલ્હોત્રાએ સીતાના સ્વયંવર અને શ્રીરામ સાથે જોડાયેલા ધનુષ પ્રસંગ અંગે MrBeastને સમજાવ્યું હતું. તેમણે આ પ્રસંગની તુલના ‘The Odyssey’માં જોવા મળતા સમાન ધનુષ-તીર પ્રસંગ સાથે પણ કરી હતી.

MrBeast સાથે ફિલ્મની ટીમે પડાવ્યા ફોટોગ્રાફ

કાર્યક્રમ બાદ રણબીર કપૂર, સાઈ પલ્લવી, રવિ દુબે, નિતેશ તિવારી, નમિત મલ્હોત્રા અને MrBeast એકસાથે જોવા મળ્યા હતા. ટીમના ફોટોગ્રાફ અને કાર્યક્રમના વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા.

બે ભાગમાં બનતી ‘રામાયણ’

નિતેશ તિવારી દિગ્દર્શિત ‘રામાયણ’ બે ભાગમાં રજૂ થનારી ફિલ્મ શ્રેણી છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામની ભૂમિકામાં, સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકામાં, રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં, યશ રાવણની ભૂમિકામાં અને સની દેઓલ હનુમાનની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું નિર્માણ નમિત મલ્હોત્રાની આગેવાની હેઠળ Prime Focus Studios દ્વારા DNEG અને Monster Mind Creations સાથે કરવામાં આવી રહ્યું છે.

‘રામાયણ: પાર્ટ વન’ને 2026માં વૈશ્વિક સ્તરે રજૂ કરવાની યોજના છે અને તાજા અહેવાલો મુજબ તેની થિયેટર રિલીઝ 6 નવેમ્બર 2026 માટે નિર્ધારિત છે. બીજા ભાગની રજૂઆત 2027માં થવાની યોજના છે.

ભારતીય કથાને વૈશ્વિક દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયાસ

‘રામાયણ’ના નિર્માતાઓ ફિલ્મને માત્ર ભારતીય બજાર પૂરતી મર્યાદિત રાખવાને બદલે આંતરરાષ્ટ્રીય દર્શકો સુધી પહોંચાડવાના અભિગમ સાથે આગળ વધી રહ્યા છે. ફિલ્મનું સત્તાવાર ટ્રેલર પણ પાંચ ભારતીય ભાષાઓમાં વૈશ્વિક સ્તરે રજૂ કરવામાં આવ્યું હતું અને આંતરરાષ્ટ્રીય બજારો માટે Sony Pictures સાથે વિતરણ ભાગીદારી કરવામાં આવી છે. આ સંદર્ભમાં વિશ્વના સૌથી મોટા ડિજિટલ ક્રિએટર્સમાંના એક MrBeastની ખાસ ઇવેન્ટમાં હાજરીએ ફિલ્મના વૈશ્વિક પ્રમોશનલ અભિગમને વધુ ચર્ચામાં લાવ્યો છે.