નવી દિલ્હી: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ તથા વિવેક જોશીની ઉપસ્થિતિમાં શનિવારે ચૂંટણી પંચની પૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR), Form-6 અંગેની સ્પષ્ટતા, મતદાર યાદીમાં નામ ઉમેરવાની પ્રક્રિયા, ECINET સિસ્ટમ તેમજ ચૂંટણી અધિકારીઓની કામગીરી સહિતના મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવ્યો હતો. પંચે જણાવ્યું કે SIR અને Form-6 સાથે જોડાયેલા મહત્વના નિર્ણયો પૂર્ણ પંચની સર્વસંમતિથી લેવાયા હતા અને સંબંધિત વ્યવસ્થાઓને સુપ્રીમ કોર્ટના આદેશનું સમર્થન મળ્યું છે.
SIRની નોટિસ મેળવનારને હવે ઘરેથી દસ્તાવેજ આપવાની સુવિધા
SIR દરમિયાન ‘unmapped’ રેકોર્ડ અથવા ‘logical discrepancy’ના આધારે નોટિસ મેળવનાર મતદારોને સામાન્ય રીતે ERO અથવા AEROની કચેરીમાં વ્યક્તિગત હાજરી આપવાની જરૂર રહેશે નહીં. આવા મતદારોના ઘરે બૂથ લેવલ ઓફિસર (BLO) જઈ જરૂરી દસ્તાવેજો એકત્ર કરશે અને તેને ECINET પર અપલોડ કરશે. ત્યારબાદ સંબંધિત ERO દસ્તાવેજોના આધારે નિર્ણય કરશે.
સુનાવણી માત્ર અપવાદરૂપ કિસ્સામાં
સામાન્ય રીતે નોટિસ મેળવનાર મતદારને વ્યક્તિગત સુનાવણી માટે બોલાવવામાં આવશે નહીં. જો EROને જરૂરી લાગે તો જ અપવાદરૂપ કિસ્સામાં સુનાવણી યોજાશે અને તેને શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન રાખવામાં આવશે. મતદારની મંજૂરીથી પરિવારનો કોઈ પુખ્ત સભ્ય પણ આવી સુનાવણીમાં હાજર રહી શકશે.
ગરીબ અને બેઘર લોકો માટે હેલ્પ ડેસ્ક તથા વિશેષ કેમ્પ
જિલ્લા ચૂંટણી અધિકારીઓ (DEO)ને સ્થાનિક જરૂરિયાત મુજબ હેલ્પ ડેસ્ક ઊભા કરવા અને વિશેષ કેમ્પ યોજવા સૂચના આપવામાં આવી છે. રેન બસેરામાં રહેતા લોકો, મજૂરો, ગરીબો અને બેઘર લોકો સહિત મતદાર યાદી સુધારણાની પ્રક્રિયામાં મુશ્કેલી અનુભવી શકે તેવા વર્ગોને આ સુવિધાનો લાભ મળશે.
Form-6 અંગે પંચની સ્પષ્ટતા
Form-6 સાથે જોડાયેલા SIRના ડિક્લેરેશન અંગે ચૂંટણી પંચે જણાવ્યું કે આ વ્યવસ્થાને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી છે. સાથે જ પંચે સ્પષ્ટ કર્યું કે SIR સિવાયના સમયગાળામાં Registration of Electors Rules, 1960 હેઠળ નિર્ધારિત ફોર્મનો ઉપયોગ ચાલુ રહેશે.
20 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR પૂર્ણ
ચૂંટણી પંચના જણાવ્યા મુજબ બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. SIR દરમિયાન અથવા ત્યારબાદ મતદાર યાદીમાં નામ રહી ગયેલા પાત્ર નાગરિકો, જેમાં યુવા અને પ્રથમ વખત મતદાર બનવા ઇચ્છતા લોકોનો પણ સમાવેશ થાય છે, સતત અપડેશન પ્રક્રિયા હેઠળ સંબંધિત ERO સમક્ષ નામ ઉમેરવા માટે અરજી કરી શકશે.
આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEOs)ને સૂચના આપવામાં આવી છે. CEOs, DEOs અને EROsને આવા પાત્ર મતદારોની નોંધણી માટે વિશેષ અભિયાન તાત્કાલિક શરૂ કરવા પણ જણાવાયું છે.
દિલ્હી-મહારાષ્ટ્રમાં દાવા-વાંધાની મુદત લંબાવાઈ
ચૂંટણી પંચે દિલ્હી અને મહારાષ્ટ્રમાં SIR સંબંધિત દાવા-વાંધા રજૂ કરવાની સમયમર્યાદા લંબાવી છે. દિલ્હીમાં હવે 30 ઓક્ટોબર, 2026 સુધી અને મહારાષ્ટ્રમાં 12 ઓક્ટોબર, 2026 સુધી દાવા-વાંધા રજૂ કરી શકાશે. દિલ્હીમાં નોટિસ તથા દાવા-વાંધાના નિકાલ માટે 30 નવેમ્બર અને મહારાષ્ટ્રમાં 10 નવેમ્બર સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. બંને રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓની વિનંતી બાદ આ મુદત લંબાવવામાં આવી છે.
ECINETની સ્વતંત્ર નિષ્ણાતોની સમિતિ સમીક્ષા કરશે
ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી ECINET સિસ્ટમની સમીક્ષા માટે સિનિયર ડેપ્યુટી ચૂંટણી કમિશનરની અધ્યક્ષતામાં સમિતિ બનાવવામાં આવશે. તેમાં IIT અથવા IIITના એક સ્વતંત્ર નિષ્ણાતનો પણ સમાવેશ થશે. સમિતિ ECINET સિસ્ટમ સંબંધિત કાયદા અને નિયમો સાથે સુસંગત છે કે નહીં તેની તપાસ કરીને પંચને અહેવાલ આપશે.
પંચે જણાવ્યું કે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓ પાસેથી મળેલા સૂચનોના આધારે ECINETમાં અગાઉથી અનેક સુધારા કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં IT મોડ્યુલ અને પોર્ટલ સંબંધિત નવી પહેલોને પંચ સમક્ષ મંજૂરી માટે મૂકતા પહેલાં Committee of Officersમાં ચર્ચા કરવામાં આવશે.
અધિકારીઓ માટે APAR અને વિદેશ પ્રવાસ અંગે પણ નિર્ણય
ચૂંટણી પંચે તમામ અધિકારીઓના Annual Performance Appraisal Reports (APAR) નિર્ધારિત સમયમર્યાદામાં એટલે કે દર વર્ષે 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા સૂચના આપી છે. અધિકારીઓની વિદેશ યાત્રા માટે પંચની મંજૂરી લેવી પણ ફરજિયાત રહેશે.
આ ઉપરાંત પંચની બેઠકોના એજન્ડા અગાઉથી સભ્યોને મોકલવા અને બેઠકોની કાર્યવાહી નોંધ તૈયાર કરવા અંગે પણ નિર્ણય લેવાયો છે. ચૂંટણી કમિશનરો દ્વારા અધિકારીઓને આપવામાં આવતા તમામ નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવા પણ સૂચના આપવામાં આવી છે.