સુરત :- વર્તમાન ન્યૂઝ.કોમ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC) ખાતે ત્રિ-દિવસીય ‘સીટેક્ષ – સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સ્પો-2026’નો આજરોજ ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવડિયાના હસ્તે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.

સરસાણા સ્થિત ઉષાકાંત મારફતિયા હોલ ખાતે યોજાયેલા ઉદ્‌ઘાટન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે અશોકા એન્ટરપ્રાઇઝના ડિરેક્ટર શ્રી અશોકભાઈ અડવાણી તેમજ એલાયન્સ એમ્બ્રોઇડરી મશીન પ્રા.લિ.ના ડિરેક્ટર શ્રી સુભાષભાઈ દાવર ઉપસ્થિત રહ્યા હતા.

વિકસિત ભારત માટે સસ્ટેનેબિલિટી અનિવાર્ય: અર્જુનભાઈ મોઢવાડિયા
મુખ્ય અતિથિ પદેથી સંબોધન કરતાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવડિયાએ જણાવ્યું હતું કે, “આપણે જ્યારે પીએમ શ્રી નરેન્દ્ર મોદીનાં વિઝન ‘વિકસિત ભારત’ના નિર્માણ તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે આવનારી નવી પેઢીને આપણે સમૃદ્ધ, સક્ષમ અને સસ્ટેનેબલ નવું ભારત આપવું એ આપણી સામૂહિક નૈતિક જવાબદારી છે. દેશ આંદોલનોથી નહીં, પરંતુ નવી પેઢીને વિકાસના દોરમાં વાળવાથી, તેમને યોગ્ય વિચાર, ગ્લોબલ સ્કિલ અને આધુનિક ટેક્નોલોજી આપવાથી જ આગળ વધશે.”

પર્યાવરણ અને જળ સંરક્ષણ પર વિશેષ ભાર મૂકતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “આપણી ઔદ્યોગિક સંસ્કૃતિનો મૂળ મંત્ર ‘ધરતી પાસેથી જે લઈએ તે ધરતીને પાછું આપીએ’ હોવો જોઈએ. સમગ્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં પાણીનો સૌથી વધુ વપરાશ ટેક્સટાઇલ સેક્ટર કરે છે, તેથી જળ સંચય અને વોટર કન્ઝર્વેશન માટે ઉદ્યોગોએ આગળ આવવું પડશે. સુરત માત્ર કાપડ ઉત્પાદન કે ફેબ્રિક પૂરતું સીમિત ન રહેતાં મશીનરી ઉત્પાદન સહિત સમગ્ર વેલ્યુ ચેઇન વિકસાવે અને સાથે સાથે સસ્ટેનેબિલિટી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે. ઉદ્યોગો પોતાના એકમોમાં પાણીના પુનઃઉપયોગ (Water Re-use) માટે સ્પષ્ટ અને દીર્ઘકાલીન નીતિ બનાવે. વર્ષ 2030 સુધીમાં 70% પાણીનો રિયૂઝ કરવો અનિવાર્ય બનશે, કારણ કે વર્ષ 2050 સુધીમાં રિસાયકલ પાણી સંબંધિત વૈશ્વિક ઉદ્યોગ 2 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચવાનો અંદાજ છે.” તેમણે કહ્યું કે આજના યુગમાં કોઇ વસ્તુ કચરો કે વેસ્ટ નથી. સ્લેગ અને ફાયર એશનાં ઉદાહરણો આપી સમજાવ્યું કે દરેક વેસ્ટ એ અન્ય કોઇ માટે રો મટીરિયલ જ છે. 

તેમણે ઉમેર્યું હતું કે છેલ્લાં 40 વર્ષમાં સુરતે સાધેલો વિકાસ અભૂતપૂર્વ છે. અહીં દરેક રાજ્યના લોકો આવ્યા છે. સુરત પાસે કુદરતી સંસાધનો મર્યાદિત હોવા છતાં તેની ઇકોસિસ્ટમ મજબૂત છે. કોવિડ પછી દેશમાં સ્થપાઈ રહેલા 12 સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ પૈકી 6 ગુજરાતમાં અને તેમાંથી 1 સુરતમાં આકાર લઈ રહ્યો છે તે ગૌરવની બાબત છે.

સ્થાનિક માગને પહોંચી વળવા આ વર્ષે સીટેક્ષની 3 શ્રેણી યોજાશે: અશોક જીરાવાલા
સ્વાગત પ્રવચનમાં ચેમ્બર પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, “સુરત એ વિકાસની ભૂમિ છે, જ્યાં પગ મૂકનાર પ્રત્યેક સાહસિકનો વિકાસ નિશ્ચિત છે. લેબગ્રોન ડાયમંડ ક્ષેત્રે સુરતે ‘મેક ઇન ઇન્ડિયા’નું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજ્ય અને કેન્દ્રની ઉદ્યોગ-મૈત્રીપૂર્ણ નીતિઓને પગલે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ સતત વિસ્તરી રહ્યો છે. સુરતમાં દૈનિક 6.5 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે અને આગામી 5 વર્ષમાં ઉત્પાદન વધીને 10 કરોડ મીટર થશે. ટેક્સટાઇલ ઉદ્યોગની આધુનિક મશીનરીની વધતી માંગને પહોંચી વળવા ચેમ્બર દ્વારા આ વર્ષે પ્રથમવાર સીટેક્ષ એક્ઝિબિશનની 3 શ્રેણીઓનું આયોજન કરવામાં આવશે.”

મશીનરી આયાત ઘટાડી દેશમાં મેન્યુફેક્ચરિંગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય: અગ્રણીઓ
એલાયન્સ એમ્બ્રોઇડરીના ડિરેક્ટર શ્રી સુભાષભાઈ દાવરે જણાવ્યું હતું કે, “અમે 2003થી એમ્બ્રોઇડરી મશીનો આયાત કરીએ છીએ, પરંતુ હવે સમય પાકી ગયો છે કે ભારત અને દક્ષિણ ગુજરાતમાં જ આવી હાઇ-ટેક મશીનરીનું મેન્યુફેક્ચરિંગ થાય તેવું પૂરક વાતાવરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે. ઉદ્યોગોએ હવે AI અને અદ્યતન ટેક્નોલોજીથી અપગ્રેડ થવું પડશે.” અશોકા એન્ટરપ્રાઇઝના ડિરેક્ટર શ્રી અશોકભાઈ અડવાણીએ જણાવ્યું કે, નવી ટેક્નોલોજીને ઝડપથી અપનાવીને કમર્શિયલ ગ્રોથ હાંસલ કરવાની સુરતીઓની ક્ષમતા અજોડ છે.

‘સીટેક્ષ-2027’ ગાઇડનું વિમોચન
સમારોહ દરમિયાન ‘સીટેક્ષ-2027’ એક્ઝિબિશનની સત્તાવાર એક્ઝિબિટર ગાઇડનું વિમોચન અને ઇ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી રવિ રાજ દેસાઈએ આભારવિધિ કરી હતી અને માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠીયાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. જ્યારે ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનિષ કાપડિયાએ પ્રદર્શનની રૂપરેખા આપી હતી. કાર્યક્રમમાં માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલ, પૂર્વ પ્રમુખો સર્વશ્રી આશિષ ગુજરાતી, મહેન્દ્ર કાજીવાલા, પ્રફુલ્લ શાહ તેમજ દેશભરમાંથી આવેલા એક્ઝિબિટર્સ અને ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.