ગાંધીનગર: સરકારી વિભાગો, હોદ્દા અને રાષ્ટ્રીય પ્રતીકોનો ઉપયોગ કરી સરકારી સંસ્થા હોવાનો ભ્રમ ઊભો કરતી ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટ, કંપનીઓ અને NGO સામે હવે કાર્યવાહી થશે. સામાન્ય વહીવટ વિભાગે રાજ્યના તમામ વિભાગો, કચેરીઓ અને સક્ષમ નોંધણી અધિકારીઓને *‘પ્રતીકો અને નામો (અયોગ્ય ઉપયોગ નિવારણ) અધિનિયમ, 1950’*નો કડક અમલ કરવા સૂચના આપી છે.

‘બ્યુરો’, ‘કમિશન’, ‘મંત્રાલય’,‘નેશનલ’ અને ‘ભારતીય’ જેવા શબ્દો પર મંજૂરી જરૂરી 

રજિસ્ટ્રેશન પહેલાં જ સંસ્થાના નામની ચકાસણી થશે; ભ્રામક નામોને મંજૂરીનહીં મળે.

‘સરકારી’ દેખાવ ઊભો કરનાર સંસ્થાઓ પર નજર

સરકારના ધ્યાને આવ્યું છે કે કેટલીક ખાનગી સંસ્થાઓ પોતાના નામ, લેટરહેડ, વિઝિટિંગ કાર્ડ, ઓફિસ બોર્ડ તથા વેબસાઇટ પર સરકારી વિભાગ જેવા નામ અને અશોક સ્તંભ, અશોક ચક્ર કે સરકારી સિક્કાની નકલનો ઉપયોગ કરે છે. આવા ઉપયોગથી નાગરિકોમાં સંસ્થા સરકારી હોવાનો ભ્રમ ઊભો થઈ શકે છે.

‘બ્યુરો’થી ‘ભારતીય’ સુધીના શબ્દો પર નિયંત્રણ

સૂચના મુજબ ખાનગી સંસ્થા, ટ્રસ્ટ કે વ્યાપારી પેઢીના નામમાં ‘બ્યુરો’, ‘કમિશન’, ‘મંત્રાલય’, ‘સેન્ટર’, ‘ઓલ ઈન્ડિયા’, ‘નેશનલ’ અને ‘ભારતીય’ જેવા શબ્દોના ઉપયોગ માટે જરૂરી મંજૂરી લેવી પડશે. મંજૂરી મળ્યા બાદ પણ સંસ્થા ખાનગી હોવાનું અને સરકાર સાથે તેનો કોઈ સંબંધ ન હોવાનું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.

રજિસ્ટ્રેશનના તબક્કે જ ચકાસણી

રજિસ્ટ્રાર ઓફ સોસાયટીઝ, રજિસ્ટ્રાર ઓફ ફર્મ્સ અને સહકારી વિભાગ સહિતની નોંધણી કચેરીઓને અરજીના સ્ક્રીનિંગ તબક્કે જ ભ્રામક નામોની ચકાસણી કરવા સૂચના આપવામાં આવી છે. કાયદાની જોગવાઈ વિરુદ્ધ જણાતી અરજીઓને મંજૂરી નહીં આપવા પણ જણાવાયું છે.

નામ અંગે શંકા કે વિવાદ હોય તો મામલો કેન્દ્ર સરકારના ધ્યાન પર મૂકવાનો રહેશે. રાષ્ટ્રીય પ્રતીકો અને સરકારી નામોના અયોગ્ય ઉપયોગ બદલ સંબંધિત સંસ્થા સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.