સુરત, તા.17: સારોલી વિસ્તારમાં કાપડના વેપારી પાસેથી રૂ.22.36 લાખનો માલ મેળવી ચુકવણી ન કરતાં વેપારી સામે ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો છે. સારોલી પોલીસે મહાલક્ષ્મી એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર સહિત બે વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 316(5), 54 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

રૂ.22.36 લાખનો કાપડનો માલ લઈ ચુકવણી ન કરવાનો આક્ષેપ

એક ફર્મના માલની રૂ.8.15 લાખની બાકી રકમ ઉપરાંત બીજી ફર્મનો રૂ.14.21 લાખનો માલ પણ ઉધાર રાખ્યાનો ફરિયાદમાં આક્ષેપ. 

સુરતના સારોલી વિસ્તારમાં કાપડના વેપારની આડમાં વિશ્વાસઘાત અને ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. આરોપી નરેશભાઈ બચુભાઈ કાતરીયા તથા કાપડ દલાલ ભુપતભાઈ બચુભાઈ કથીરીયાએ ફરિયાદી ઘનશ્યામભાઈ કાથરોટીયા સાથે સંપર્ક કરી વેપાર કરવાનો વિશ્વાસ કેળવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, આરોપીઓએ ગત 11 મે અને 13 મે 2026ના રોજ ‘GOPI FABRIC’માંથી અલગ-અલગ બિલ મારફતે કુલ રૂ. 12.20 લાખનો વર્ટિકલ ગ્રે કાપડનો માલ મંગાવ્યો હતો. તે પૈકી રૂ. 4.05 લાખ ચૂકવાયા બાદ બાકીના રૂ. 8.15 લાખની રકમ ચૂકવવામાં આવી નહોતી. આ ઉપરાંત, ગત 8 જૂન 2026ના રોજ ‘SHRIJI FABRIC’માંથી પણ રૂ. 14.21 લાખનો કાપડનો માલ અલગ-અલગ બિલથી લેવામાં આવ્યો હતો, પરંતુ આ માલની એક પણ રકમ ચૂકવાઈ ન હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે.
વેપારી દ્વારા વારંવાર ઉઘરાણી કરવા છતાં આરોપીઓ દ્વારા માત્ર વાયદાઓ અને ઉડાઉ જવાબો આપવામાં આવ્યા હતા. અંતે બંને ફર્મની કુલ રૂ. 22,36,171ની માતબર રકમ બાકી રહી હતી. ત્યારબાદ નરેશભાઈએ સારોલી રોડ સ્થિત પોતાની દુકાન બંધ કરી ઉઠમણું કરી દીધું હતું.
આ સમગ્ર મામલે ગત 16 સપ્ટેમ્બર 2026ના રોજ રાત્રે સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. હાલ સારોલી પોલીસ સ્ટેશનના PSI યુ.બી. મેંદપરા દ્વારા આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.