ગાંધીનગર:ગુજરાતમાં આગામી મહાનગરપાલિકાની સામાન્ય, મધ્યસત્ર અને પેટાચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી આયોગે ઉમેદવારોના ચૂંટણી ખર્ચના નાણાકીય વ્યવહારો અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. 15 સપ્ટેમ્બર 2026ના આદેશ મુજબ દરેક ઉમેદવારે ચૂંટણી ખર્ચ માટે અલગ બેંક ખાતું ખોલાવવું પડશે અને ચૂંટણી સંબંધિત તમામ નાણાકીય વ્યવહાર આ ખાતા મારફતે જ કરવાનો રહેશે.
ચૂંટણી ખર્ચ માટે અલગ ખાતું ફરજિયાત રહેશે. ₹10 હજારથી વધુની ચુકવણી ડિજિટલ માધ્યમથી કરવી પડશે,જ્યારે ₹3.10 લાખથી વધુની રકમ રોકડમાં સ્વીકારી શકાશે નહીં.
ઉમેદવારી પહેલાં જ ખાતું ખોલાવવું પડશે
ઉમેદવારે ઉમેદવારીપત્ર રજૂ કરવાના દિવસથી ઓછામાં ઓછા એક દિવસ પહેલાં અલગ બેંક ખાતું ખોલાવવાનું રહેશે. ખાતું ઉમેદવારના પોતાના નામે અથવા ઉમેદવાર અને તેના દ્વારા નિયુક્ત ચૂંટણી એજન્ટના સંયુક્ત નામે ખોલી શકાશે. પરિવારના સભ્ય કે અન્ય વ્યક્તિ સાથે સંયુક્ત ખાતું ખોલી શકાશે નહીં.
ચૂંટણીની આવક-જાવક એક જ ખાતામાં
ઉમેદવારની પોતાની રકમ ઉપરાંત રાજકીય પક્ષ, વ્યક્તિ કે સંસ્થા પાસેથી ચૂંટણી ખર્ચ માટે મળતી રકમ પણ આ જ ખાતામાં જમા કરવાની રહેશે. ચૂંટણી સંબંધિત તમામ ચુકવણી પણ આ ખાતામાંથી કરવાની રહેશે.
₹3.10 લાખથી વધુ રકમ રોકડમાં નહીં
કોઈ એક વ્યક્તિ કે સંસ્થા પાસેથી ₹3.10 લાખથી વધુનું દાન કે લોન રોકડમાં સ્વીકારી શકાશે નહીં. આવી રકમ ચેક, RTGS, NEFT અથવા અન્ય માન્ય ડિજિટલ માધ્યમથી જ સ્વીકારવાની રહેશે. રકમ આપનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ-સરનામું સહિતની વિગતો જાળવવી પડશે.
₹10 હજારથી વધુનો ખર્ચ ડિજિટલ રીતે
ચૂંટણી ખર્ચ માટે ખોલવામાં આવેલા ખાતામાંથી ₹10 હજારથી વધુની કોઈપણ ચુકવણી ક્રોસ્ડ એકાઉન્ટ પેયી ચેક, RTGS, NEFT અથવા ખાતા સાથે જોડાયેલા અન્ય ઇલેક્ટ્રોનિક માધ્યમથી કરવાની રહેશે. ₹10 હજાર સુધીની એકલ ચુકવણી માટે નિયમ મુજબ રોકડ ઉપાડીને ખર્ચ કરવાની જોગવાઈ રહેશે.
જૂના વ્યક્તિગત ખાતાનો ઉપયોગ નહીં ચાલે
ઉમેદવાર પોતાના અગાઉથી ચાલતા બચત કે ચાલુ ખાતામાંથી ચૂંટણી ખર્ચ કરી શકશે નહીં. ચૂંટણી માટે અલગ ખોલવામાં આવેલા ખાતાનો જ ઉપયોગ કરવાનો રહેશે. આ ખાતું ગુજરાતમાં આવેલી બેંકની શાખા ઉપરાંત લાગુ નિયમો મુજબ સહકારી બેંક અથવા પોસ્ટ ઓફિસમાં પણ ખોલી શકાશે.
ઉમેદવારીપત્ર સાથે ખાતાની વિગતો આપવી પડશે
ઉમેદવારીપત્ર રજૂ કરતી વખતે ઉમેદવારે ચૂંટણી ખર્ચના ખાતાનો નંબર તથા જરૂરી બેંક વિગતો ચૂંટણી અધિકારીને આપવાની રહેશે. ખાતામાં ફેરફાર થાય તો તેની જાણ પણ સંબંધિત અધિકારીને કરવી પડશે.
બેંક સ્ટેટમેન્ટ પણ રજૂ કરવાનું રહેશે
ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ કરતી વખતે આયોગ દ્વારા નક્કી કરાયેલા સમય અને પદ્ધતિ મુજબ સંબંધિત સમયગાળાનું પ્રમાણિત બેંક સ્ટેટમેન્ટ પણ રજૂ કરવું પડશે. ચૂંટણી પરિણામ બાદ અંતિમ ખર્ચ હિસાબની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત બેંક રેકોર્ડ જાળવવાના રહેશે.
નિયમ ભંગ બદલ કાર્યવાહી શક્ય
પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે માત્ર અલગ બેંક ખાતું ન ખોલવાના કારણે ઉમેદવારીપત્ર આપોઆપ અમાન્ય ઠરશે તે જરૂરી નથી. જોકે, ચૂંટણી ખર્ચની તપાસ દરમિયાન નિયમોના ઉલ્લંઘન અંગે લાગુ કાયદા અને આયોગના હુકમ મુજબ કાર્યવાહી થઈ શકે છે. ખર્ચના હિસાબમાં ગેરરીતિ જણાય તો સંબંધિત સત્તાધિકારી ઉમેદવારને નોટિસ આપી નિયમ મુજબ પાલન કરાવી શકશે.