સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા શનિવાર, તા. 12 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 10:00થી સાંજે 04:30 કલાક દરમિયાન સરસાણા સ્થિત 'સંહતિ' પરિસરમાં 'સાયબર સિક્યુરિટી બોર્ડરૂમ રિસ્ક લેબ' વિષય પર એક દિવસીય વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં NPCI (નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા)ના પૂર્વ સંસ્થાપક તેમજ ડિસ્કવર ફાઇનાન્સિયલ સર્વિસિસના ચીફ રિસ્ક એન્ડ રેગ્યુલેટરી ઓફિસર શ્રી ભરત પંચાલે ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર જોખમો, ડેટા સુરક્ષા અને બિઝનેસ પર સાયબર એટેકની ઘાતક અસરો અંગે ઉદ્યોગકારો અને બેન્કિંગ અગ્રણીઓને માર્ગદર્શન આપ્યું હતું.

સુરક્ષા એ ખર્ચ નથી, શ્રેષ્ઠ રોકાણ છે: અશોક જીરાવાલા
કાર્યક્રમના પ્રારંભે ચેમ્બર પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, “આજના ડિજિટલ યુગમાં જે ઉદ્યોગ સમયની સાથે પોતાની સુરક્ષા વ્યવસ્થાને અપગ્રેડ કરે છે, તે જ હરીફાઈમાં ટકીને સફળતાના શિખરો સર કરે છે. સાયબર સુરક્ષા એ કોઈ વધારાનો નાણાકીય બોજ કે બિનજરૂરી ખર્ચ નથી, પરંતુ વર્ષોની અથાક મહેનતથી ઊભા કરેલા સામ્રાજ્ય અને બિઝનેસના સપનાઓને અડીખમ રાખવા માટેનું સૌથી અનિવાર્ય અને સુરક્ષિત મૂડીરોકાણ છે.”

ક્રાઇસિસ સિમ્યુલેશન દ્વારા કટોકટીમાં ઝડપી નિર્ણય પ્રક્રિયા અને રિસ્ક મેનેજમેન્ટની વ્યવહારુ તાલીમ અપાઈ.

બોર્ડરૂમ રિસ્ક અને ઈન્ડસ્ટ્રી 4.0

મુખ્ય વક્તા શ્રી ભરત પંચાલે જણાવ્યું હતું કે, સાયબર સિક્યુરિટી હવે કેવળ IT વિભાગ પૂરતો મર્યાદિત વિષય રહ્યો નથી, પરંતુ તે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે સર્વોચ્ચ વ્યૂહાત્મક એજન્ડા બની ગયો છે. વર્ષોની પ્રતિષ્ઠા અને કસ્ટમર ટ્રસ્ટ એક ગંભીર સાયબર હુમલાથી ગણતરીની મિનિટોમાં નષ્ટ થઈ શકે છે.


​તેમણે ઉમેર્યું કે, “ઈન્ડસ્ટ્રી 4.0 એ સમુદ્રમંથન જેવું છે, જેમાં નવી તકો સાથે ઓનલાઈન ફ્રોડ અને પેમેન્ટ ક્રાઇમનું જોખમ પણ વધ્યું છે.” વર્કશોપ દરમિયાન ‘પ્રગતિ બેંક’ નામથી એક લાઇવ સાયબર એટેક ક્રાઇસિસ સિમ્યુલેશન યોજાયું હતું. જેમાં ઉપસ્થિતોને MD & CEO, CFO, CISO જેવી જવાબદારીઓ સોંપી કટોકટી વખતે ડેટા આકારણી, ઝડપી નિર્ણય અને પબ્લિક કોમ્યુનિકેશનની વ્યવહારુ કવાયત કરાવાઈ હતી. ઉપરાંત 90 દિવસનો સાયબર એક્શન પ્લાન અને 10 પેજનો બોર્ડ-લેવલ મેટ્રિક રિપોર્ટ તૈયાર કરવાની તાલીમ અપાઈ હતી.


​ચેમ્બરની સાયબર સિક્યુરિટી કમિટીના ચેરમેન શ્રી નીરવ ગોટીએ થર્ડ-પાર્ટી વેન્ડર્સ, આઉટસોર્સિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગ સાથે વધતા સાયબર જોખમો અંગે વિશ્લેષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કંપનીઓએ માત્ર હુમલો થયા પછી જાગવાને બદલે અગાઉથી રિસ્ક એસેસમેન્ટ, સાયબર રેઝિલિયન્સ અને ક્રાઇસિસ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.


​કાર્યક્રમમાં ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠીયા, માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલ સહિત ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રૂપ ચેરમેન શ્રી ગણપત ધામેલિયાએ વર્કશોપની રૂપરેખા આપી હતી અને કમિટીના કો-ચેરમેન શ્રી ધર્મેશ રાઠોડે વક્તાનો પરિચય કરાવ્યો હતો.

  • સાયબર સિક્યુરિટી હવે માત્ર IT વિભાગ પૂરતી સીમિત નથી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે વ્યૂહાત્મક પ્રાથમિકતા.
  • સુરક્ષા એ કોઈ બિનજરૂરી ખર્ચ નથી, મહેનત અને સપનાઓને સલામત રાખતું શ્રેષ્ઠ રોકાણ છે.
  • વર્ષોની બ્રાન્ડ વેલ્યુ અને ગ્રાહકોનો ભરોસો એક જ સાયબર હુમલામાં ધ્વસ્ત થઈ શકે છે.