સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) અને તોરિન વેલ્થ મેનેજમેન્ટના સંયુક્ત ઉપક્રમે ગુરુવાર, તા. 10 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 11:00 કલાકે, સરસાણા સ્થિત એસપીબી હોલ ખાતે ટેક્સટાઇલ ઉદ્યોગકારો અને વેપારીઓ માટે ‘ટ્રેડ ક્રેડિટ ઇન્સ્યોરન્સ’ વિષય પર વિશેષ અવેરનેસ સેશન યોજાયું હતું. જેમાં તોરિન વેલ્થ મેનેજમેન્ટના ચેરમેન શ્રી જિજ્ઞેશ માધવાણી, બિઝનેસ પાર્ટનર શ્રી સતીશ વાનખેડે તેમજ ટાટા AIG ના ટ્રેડ ક્રેડિટ અંડરરાઇટર મિસ ટ્વિન્કલ સંગતરામાણીએ વેપારમાં અટવાતી ઉધારી, નાણાકીય જોખમો અને પેમેન્ટ ડિફોલ્ટ સામે સુરક્ષા મેળવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સમયસર પેમેન્ટ અને ક્રેડિટ રિસ્ક મેનેજમેન્ટ અનિવાર્ય: અશોક જીરાવાલા
ચેમ્બર પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, “સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. વેપારમાં નવો માલ વેચવો કે મોટા ઓર્ડર મેળવવા જેટલું જ નિર્ણાયક ગ્રાહકો પાસેથી નાણાં સમયસર પરત મેળવવાનું છે. બજારમાં લાંબી ઉધારી અટવાઈ જવાને કારણે વર્કિંગ કેપિટલ ખોરવાય છે અને વેપારના વિસ્તરણમાં મોટી રુકાવટ આવે છે. આવા સંજોગોમાં ટ્રેડ ક્રેડિટ ઇન્સ્યોરન્સ ક્રેડિટ રિસ્ક ઘટાડીને વેપારીઓને આત્મવિશ્વાસ સાથે બિઝનેસ આગળ ધપાવવાનું મજબૂત પીઠબળ આપે છે.”
ઓર્ડર મેળવવા જેટલું જ મહત્વનું સમયસર પેમેન્ટ મેળવવું છે; ક્રેડિટ રિસ્ક ઘટશે તો વેપાર વિસ્તરશે: ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા
ગ્રાહકોની ક્રેડિટ લિમિટ અને એસેટ્સ કવરેજ: જિજ્ઞેશ માધવાણી અને સતીશ વાનખેડે
તોરિન વેલ્થ મેનેજમેન્ટના ચેરમેન શ્રી જિજ્ઞેશ માધવાણીએ જણાવ્યું હતું કે, માલ ઉધાર આપતાં પહેલાં ગ્રાહકની ક્રેડિટવર્થિનેસ, પેમેન્ટ હિસ્ટ્રી અને આર્થિક ક્ષમતાનું યોગ્ય મૂલ્યાંકન કરવું જોઈએ અને તેના આધારે જ ક્રેડિટ લિમિટ નક્કી કરવી હિતાવહ છે.
બિઝનેસ પાર્ટનર શ્રી સતીશ વાનખેડેએ ઉમેર્યું હતું કે, વેપારીઓ ફેક્ટરી, મશીનરી અને માલ-સ્ટોકનો વીમો તો લે છે, પરંતુ ગ્રાહકો પાસે લેવાની બાકી નીકળતી રકમનું કવરેજ લેવાનું ચૂકી જાય છે. વેચાણ પછી પેમેન્ટ સુરક્ષિત કરવું એ જ સાચી વ્યાપારી સફળતા છે.
ફેક્ટરી અને સ્ટોકની જેમ ઉધારીનું પણ વીમા કવચ જરૂરી
90% ક્લેમ ઇન્ડેમ્નિટી અને બેંકિંગ લાભ: ટ્વિન્કલ સંગતરામાણી
ટાટા AIGના અંડરરાઇટર મિસ ટ્વિન્કલ સંગતરામાણીએ પ્રેઝન્ટેશન દ્વારા જણાવ્યું હતું કે, આ પોલિસી માર્કેટમાં અનસિક્યોર્ડ સેલ્સ સામે સંપૂર્ણ સુરક્ષા આપે છે. બાયર નાદાર જાહેર થાય કે પેમેન્ટમાં અસાધારણ વિલંબ કરે ત્યારે શરતો અનુસાર પાત્ર નુકસાન સામે 90% સુધીની ક્લેમ ઇન્ડેમ્નિટી (ભરપાઈ) મળે છે. આ પોલિસી બેંકમાં એન્ડોર્સ કરાવવાથી વર્કિંગ કેપિટલ ફંડિંગ સરળ બનશે અને વ્યાજદરમાં પણ રાહત મળી શકે છે.
પેમેન્ટ ડિફોલ્ટ કે નાદારીના કિસ્સામાં 90% સુધીની ક્લેમ ઇન્ડેમ્નિટી મળી શકે છે: ટાટા AIGના અંડરરાઇટર ટ્વિન્કલ સંગતરામાણી
ક્રેડિટ પોલિસી બેંકમાં એન્ડોર્સ કરવાથી વર્કિંગ કેપિટલ અને વ્યાજદરમાં રાહતની તક મળશે
કાર્યક્રમની રૂપરેખા ચેમ્બરના સભ્ય શ્રી તેજસ પટેલે આપી હતી. સમગ્ર સેશનનું સુચારુ સંચાલન અને આભારવિધિ ચેમ્બરના માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલે સંપન્ન કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ટેક્સટાઇલ અગ્રણીઓ અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.