સુરત, 11 સપ્ટેમ્બર 2026: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા સરસાણા સ્થિત ‘સંહતિ’ પરિસરમાં નવા અમલમાં આવેલા ‘ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ અને વર્કિંગ કન્ડિશન્સ કોડ એન્ડ રૂલ્સ’ (OSH Code) વિષય પર વિશેષ માસ્ટરક્લાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના નિવૃત્ત ડેપ્યુટી ડિરેક્ટર શ્રી એલ. કે. ડુંગરાણી તથા જાણીતા લેબર મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને એડવોકેટ શ્રી અશોક મહંતે ઉપસ્થિત રહી ઉદ્યોગકારોને કાયદાકીય અનુપાલન અને શ્રમિક સુરક્ષા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કામદારોની સુરક્ષા એ જ ઔદ્યોગિક પ્રગતિનો પાયો: અશોક જીરાવાલા

આ પ્રસંગે ચેમ્બર પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ પોતાના સંદેશામાં  જણાવ્યું હતું કે, “કોઈપણ ઉદ્યોગની સાચી તાકાત અને મૂડી તેના શ્રમિકો છે. નવા અમલમાં આવેલા ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ વર્કિંગ કન્ડિશન્સ કોડ હેઠળ દર્શાવેલા નિયમોનું પાલન કરવું એ ઉદ્યોગો માટે માત્ર કાયદાકીય ઔપચારિકતા નથી, પરંતુ માનવીય અને નૈતિક જવાબદારી છે. સુરક્ષિત કાર્યસ્થળથી કામદારોનો આત્મવિશ્વાસ અને ઉત્પાદકતા બંને વધે છે. સુરત અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો હંમેશા કામદારોની સુખાકારી અને આધુનિક સુરક્ષા માળખાને પ્રાથમિકતા આપવા કટિબદ્ધ રહ્યા છે.”

સેફ્ટી કમ્પ્લાયન્સ અને મેડિકલ ચેકઅપ

ઔદ્યોગિક સલામતી વિભાગના પૂર્વ ડેપ્યુટી ડિરેક્ટર શ્રી એલ. કે. ડુંગરાણીએ જણાવ્યું હતું કે, કારખાનામાં સર્જાતો એક નાનો અકસ્માત પણ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે, જેનાથી કંપનીને મોટું નાણાકીય નુકસાન અને કાયદાકીય વિવાદો વેઠવા પડે છે. તેથી જોખમનું મૂલ્યાંકન, કામદારોની વ્યવહારુ તાલીમ અને સેફ્ટી પ્રોટોકોલનું ચુસ્ત પાલન અનિવાર્ય છે. તેમણે ઉમેર્યું હતું કે, નવા નિયમો અનુસાર 45 વર્ષથી વધુ વયના કામદારોનું માન્ય તબીબ પાસે નિયમિત મેડિકલ ચેકઅપ કરાવી યોગ્ય રેકોર્ડ જાળવવો ઉદ્યોગો માટે ફરજિયાત બનાવાયો છે.

પ્લાન્ટ ડિઝાઇનમાં સેફ્ટી અને યુવા વર્ગને સંદેશ

એડવોકેટ શ્રી અશોક મહંતે પ્લાન્ટ એપ્રૂવલ પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, ઉદ્યોગોએ પ્લાન્ટ ડિઝાઇનની શરૂઆતથી જ નવા સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ અપનાવવા જોઈએ જેથી પાછળથી ટેકનિકલ અડચણો ન આવે. તેમણે ઉમેર્યું હતું કે, “યુવાનોએ સમય સાથે બદલાવ લાવવો પડશે. ગરીબીમાં જન્મ લેવો એ આપણા હાથમાં નથી, પણ ગરીબીમાં જ મૃત્યુ પામવું કલમ 302 જેવું છે. આગળ વધવા માટે નોકરી બદલવી પડે તો બદલવી, પરંતુ સતત નવું શીખીને આગળ વધતા રહેવું જોઈએ.”

કાર્યક્રમના પ્રારંભે ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ માસ્ટરક્લાસમાં માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલ તેમજ મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અને આભારવિધિ ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ સિક્યુરિટી કમિટીના ચેરમેન શ્રી ચેતન ચોડવડિયાએ સંભાળી હતી.