સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, કતારગામ સ્થિત સુપ્રસિદ્ધ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ (SRK) કંપનીના મેનેજર કનુ માલવિયાએ સાંસદના પુત્ર શ્રેયાંશ ધોળકિયા વતી રાંદેરના શિલ્પી સોસાયટીમાં રહેતા રામકૃષ્ણ કિરીટકુમાર મેવાવાલા અને તેમની પત્ની સલોની મેવાવાલા સામે ફરિયાદ નોંધાવી છે. શ્રેયાંશ ધોળકિયાને પલસાણા વિસ્તારમાં ખરીદેલી જમીનના દસ્તાવેજ માટે 76,44,900ના ઈ-સ્ટેમ્પની જરૂરિયાત હતી. કંપની તેમના વકીલ મહર્ષિ લાયવાલા મારફતે વર્ષ 2020થી આ જ વેન્ડર પાસેથી સ્ટેમ્પ પેપર ખરીદતી હોવાથી તેમના પર પૂર્ણ વિશ્વાસ મૂકવામાં આવ્યો હતો.

RTGS મારફતે 76.44 લાખ ટ્રાન્સફર કર્યા જમીનના ઈ-સ્ટેમ્પ મેળવવા માટે શ્રેયાંશ ધોળકિયાએ ડિસેમ્બર 2025માં આરોપી મેવાવાલા દંપતીએ આપેલા બેંક ખાતામાં RTGS મારફતે પૂરેપૂરી 76.44 લાખની રકમ ટ્રાન્સફર કરી આપી હતી. નાણાં મેળવી લીધા બાદ આરોપીઓએ સમયસર સ્ટેમ્પ પેપર આપ્યા નહોતા. દસ્તાવેજ કરવામાં સતત વિલંબ થતાં જ્યારે શ્રેયાંશ ધોળકિયાએ સ્ટેમ્પ આપવા અથવા જમા કરાવેલી પૂરી રકમ રિફંડ આપવાની માગ કરી, ત્યારે આરોપી દંપતીએ અલગ-અલગ બહાના બતાવી વાયદાઓ કરીને લાંબો સમય પસાર કરી નાખ્યો હતો.

અન્ય લોકોને સ્ટેમ્પ આપી નાણાં અંગત વપરાશમાં લીધા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતાં ભાંડો ફૂટ્યો હતો કે આરોપીઓએ સાંસદના પુત્ર પાસેથી મેળવેલા નાણાંમાંથી બીજા જ લોકોને સ્ટેમ્પ ઈસ્યુ કરી દીધા હતા અને તેમાંથી મળેલી રકમ પોતાના અંગત મોજશોખ અને અંગત વપરાશમાં વાપરી નાખી હતી. સતત ઉઘરાણી બાદ આરોપીઓએ પોતાનો બચાવ કરવા શ્રેયાંશ ધોળકિયાને 76.44 લાખનો બેંક ચેક આપ્યો હતો. જોકે, આ ચેક પણ બેંકમાં જમા કરાવતાં ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાને કારણે બાઉન્સ થઈ ગયો હતો, જેથી વિશ્વાસઘાત થયાની ખાતરી થઈ ગઈ હતી.

પોલીસ કમિશનરની મંજૂરી બાદ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો દાખલ ચેક બાઉન્સ થયા બાદ અને સ્પષ્ટપણે છેતરપિંડીનો ઇરાદો જણાતાં આ સમગ્ર પ્રકરણ સુરત પોલીસ કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરની મંજૂરી મળતાં જ ડીસીબી ક્રાઈમ બ્રાન્ચે અધિકૃત ગવર્નમેન્ટ સ્ટેમ્પ વેન્ડર રામકૃષ્ણ મેવાવાલા અને તેમની પત્ની સલોની મેવાવાલા સામે આઈપીસી/બીએનએસની વિવિધ કલમો હેઠળ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી દંપતીની ધરપકડ કરવા માટે કાયદેસરની તપાસ તેજ કરી દીધી છે.