સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના પૂર્વ પ્રમુખ, સેવાભાવી અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતિ સ્વ. શ્રી મહેન્દ્રભાઈ કતારગામવાળાના નિધન પર શોક વ્યક્ત કરવા ચેમ્બર દ્વારા સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ, SIECC કેમ્પસ ખાતે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. આ શોકસભામાં શહેરના ઉદ્યોગજગતના અગ્રણીઓ, ચેમ્બરના હોદ્દેદારો અને પૂર્વ પ્રમુખોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દિવંગત આત્માને વિનમ્ર અંજલિ અર્પણ કરી હતી.

ચેમ્બર પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ અત્યંત ભાવુક હૃદયે શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, “હજી તો થોડા મહિનાઓ અગાઉ આપણા પૂર્વ પ્રમુખ સ્વ. ભરત ગાંધીના નિધનની કળ વળી નથી, ત્યાં ચેમ્બરને વધુ એક વજ્રાઘાત સહન કરવો પડ્યો છે. સ્વ. મહેન્દ્રભાઈ કતારગામવાળાનું જવું એ માત્ર ચેમ્બર પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર સુરત અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગજગત તેમજ સમાજ માટે ક્યારેય ન પુરાય તેવી મોટી ખોટ છે. તેમનું માર્ગદર્શન, ચેમ્બરના વિકાસમાં યોગદાન અને સેવાભાવ હંમેશાં આપણને પ્રેરણા આપતા રહેશે.”

પ્રાર્થના સભા દરમિયાન ઉપસ્થિત સૌ અગ્રણીઓએ મૌન પાળી પરમકૃપાળુ પરમાત્મા દિવંગત આત્માને શાશ્વત શાંતિ પ્રદાન કરે અને પરિવારજનોને આ અસહ્ય આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે દિવંગતના સુપુત્ર શ્રી મનીષ કતારગામવાળાએ ભાવપૂર્ણ પ્રતિભાવ આપતાં પિતાના પ્રેરણાદાયી જીવનમૂલ્યો, શિસ્ત તેમજ પરિવાર અને સમાજ પ્રત્યેના તેમના સમર્પણને યાદ કર્યા હતા અને દુઃખની આ ઘડીમાં સહભાગી થવા બદલ સમગ્ર ચેમ્બર પરિવારનો આભાર માન્યો હતો.

આ પ્રાર્થના સભામાં ચેમ્બર પ્રમુખ શ્રી અશોક જીરાવાલા, ઉપપ્રમુખ શ્રી રવિ રાજ દેસાઈ, તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયા, માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલ તેમજ ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનિષ કાપડિયા સહિતના હોદ્દેદારો તેમજ પૂર્વ પ્રમુખશ્રીઓ અને અગ્રણીઓ સર્વશ્રી કમલેશ યાજ્ઞિક, રૂપિન પચ્ચીગર, બી.એસ. અગ્રવાલ, અમિત મારફતિયા, ડૉ. મહેન્દ્ર ચૌહાણ, પ્રદ્યુમનસિંહ જાડેજા, હેમંત દેસાઈ, શરદ બારોટ, યોગેશ પરીખ, કનુભાઈ શાહ તેમજ શ્રીમતી જયનાબેન ભક્તા સહિત વેપાર-ઉદ્યોગ જગતના પ્રતિષ્ઠિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.