Page Views: 4758

ચેમ્બર દ્વારા અડાજણમાં બે દિવસીય ‘શ્રાવણ બિઝનેસ મેળો 2026’ ખુલ્લો મુકાયો

મોટા વરાછા અને પર્વત પાટિયા બાદ અડાજણમાં આયોજન; સ્થાનિક મહિલા સાહસિકોને સમગ્ર શહેરનો લાભ મળે અને ગ્રાહકોને સુવિધા રહે તે હેતુ: ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા

સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા મહિલા ઉદ્યોગસાહસિકો, નાના વેપારીઓ અને હસ્તકલાના કલાકારોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે અડાજણ સ્થિત અમીધારા વાડી ખાતે બે દિવસીય ‘શ્રાવણ બિઝનેસ મેળો 2026’નો આરંભ થયો છે. સુરતનાં ડેપ્યુટી કલેક્ટર શ્રીમતી મૌસમીબેન પટેલના હસ્તે આ મેળાને જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો હતો. 

વિવિધ વિસ્તારોમાં મેળા યોજવાનો હેતુ: અશોક જીરાવાલા
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ પોતાના સંદેશામાં જણાવ્યું હતું કે, “સ્થાનિક મહિલા ઉદ્યોગસાહસિકોને સમગ્ર શહેરના ગ્રાહકોનો લાભ મળે અને ખરીદદારોને ઘરઆંગણે ખરીદીની ઉત્તમ સુવિધા રહે તે હેતુથી આ વખતે શહેરના વિવિધ વિસ્તારોમાં શ્રાવણ બિઝનેસ મેળા યોજવામાં આવ્યા છે. અગાઉ મોટા વરાછા અને પર્વત પાટિયા બાદ હવે અડાજણમાં બે દિવસીય મેળાનું આયોજન કરાયું છે. મને પૂર્ણ આશા છે કે આ મેળાને પણ અગાઉના મેળા કરતાં પણ વધુ જબરદસ્ત પ્રતિસાદ મળશે.” તેમણે શહેરીજનોને અપીલ કરી કે આવો, આપણે તહેવારોની ખરીદી અહીંથી કરીને વોકલ ફોર લોકલ માટેનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં આહ્વાનને સાર્થક કરીએ. 

મહિલા સશક્તિકરણ એ જ સાચો વિકાસ: મૌસમી પટેલ
ઉદ્‌ઘાટન પ્રસંગે ડેપ્યુટી કલેક્ટર શ્રીમતી મૌસમીબેન પટેલે જણાવ્યું હતું કે, “સરકારી યોજનાઓનો મૂળ ઉદ્દેશ પણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે. જ્યારે મહિલાઓ વેપાર અને માર્કેટમાં પગ મૂકે છે ત્યારે માત્ર તેમનો પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર સમુદાય સશક્ત બને છે. ચેમ્બર દ્વારા મહિલાઓને આ પ્રકારનું વેચાણ અને પ્રદર્શન મંચ પૂરું પાડવું તે પ્રશંસનીય પગલું છે.”
સ્વાગત પ્રવચન કરતાં ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી રવિ રાજ દેસાઈએ જણાવ્યું હતું કે, “ચેમ્બર માત્ર મોટા ઉદ્યોગોની જ સંસ્થા નથી, પરંતુ નાના-નાના ઉદ્યોગકારો અને ખાસ કરીને મહિલા ઉદ્યમીઓને મોટું પ્લેટફોર્મ પૂરું પાડી તેમના વ્યવસાયને સ્કેલેબલ બનાવવાનો અમારો સતત પ્રયાસ છે.”
સુરત મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી નીરવ શાહે જણાવ્યું હતું કે, “ચેમ્બરે હજુ વધુ મોટા હોલમાં આવા પ્રદર્શનો યોજવા જોઈએ. તેમાં શરૂઆતમાં ખોટ જાય તો પણ તેની ચિંતા ન કરવી જોઈએ, કારણ કે આજે જે નાના ઉદ્યમીઓ છે તે જ આવતીકાલે મોટા ઉદ્યોગપતિ બનીને દેશનું નામ રોશન કરશે.” 
શ્રી સુરત-ઓલપાડ-ચોર્યાસી કડવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પટેલે જણાવ્યું હતું કે, “ગયા વર્ષે પણ આ મેળો અહીં જ યોજાયો હતો અને સ્થાનિક લોકોને આ વર્ષે પણ તેની આતુરતાપૂર્વક ઇંતેજારી હતી. નાના સાહસિકોને આત્મનિર્ભર બનાવવાની આ ઉત્તમ પહેલ છે.” 
ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનિષ કાપડિયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે ચેમ્બર દ્વારા આવા પ્રદર્શનો સતત ચાલુ રખાશે અને આગામી દિવસોમાં નવરાત્રિ મેળો, દિવાળી મેળો તેમજ ભવ્ય ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવશે.
શ્રાવણ મેળાનાં ચેરપર્સન રૂપલ શાહે જણાવ્યું હતું કે, આ વર્ષે શ્રાવણ મેળાની આ ત્રીજી આવૃત્તિ છે. અગાઉના અદ્‌ભૂત પ્રતિસાદને કારણે ઘણા સ્ટોલધારકો ત્રીજી વાર જોડાયા છે અને તેમને જોઈને અન્ય ઘણા નવા સાહસિકો પણ આ વખતે સહભાગી બન્યા છે.
આ ઉદ્‌ઘાટન સમારંભમાં સ્થાનિક કોર્પોરેટર શ્રીમતી ઉર્વશી પટેલ, શ્રી ધર્મેશ વાણિયાવાલા અને ઉદ્યોગકારો તેમજ મુલાકાતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી જેનિષ પટેલે કર્યું હતું, જ્યારે અંતમાં આભારવિધિ ચેમ્બર લેડીઝ વિંગનાં ચેરપર્સન શ્રીમતી અલ્પા મદ્રાસી દ્વારા કરવામાં આવી હતી. આ મેળો 30 અને 31 ઓગસ્ટ દરમિયાન સવારે 10:00થી સાંજે 7:00 વાગ્યા સુધી અમીધારા વાડી ખાતે ખુલ્લો રહેશે.

તહેવારલક્ષી તમામ વસ્તુઓ એક છત નીચે
આગામી જન્માષ્ટમી પર્વને ધ્યાનમાં રાખીને મેળામાં ખાસ ઠાકોરજી માટે સુંદર વાઘા, નકશીદાર ઝૂલા, કલાત્મક શ્રુંગાર અને પૂજા સામગ્રી ઉપલબ્ધ કરાવાઈ છે. આ ઉપરાંત ફેસ્ટિવ ફેશન અંતર્ગત ડિઝાઇનર કુર્તીઓ, એથનિક વેર, ટ્રેન્ડી ઇમિટેશન જ્વેલરી, ફેશન એક્સેસરીઝ, ડ્રેસ મટીરિયલ્સ, હેન્ડીક્રાફ્ટ, હોમ ડેકોર આઇટમ્સ, ગિફ્ટ આર્ટિકલ્સ તેમજ હોમમેઇડ સ્નૅક્સ, વિવિધ નાસ્તા, સ્વાદિષ્ટ મીઠાઈ, મુખવાસ અને ગિફ્ટ હેમ્પર્સ સહિતની અવનવી ચીજવસ્તુઓ એક જ છત નીચે મળશે.