સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી યોજાયેલા ૧૭૪ માં વિચારોના વાવેતર કાર્યક્રમ કાનજીભાઈ ભાલાળાએ પૈસાનું વિજ્ઞાન સમજાવતા જણાવ્યું હતું કે, માણસની નજરે સુખનું સરનામું ધન છે. માણસે પહેલા પૈસા માટેનો રસ્તો સમજવા જેવો છે. પૈસા પહેલા વિચારમાં જન્મે છે. પછી નિર્ણયમાં અને પછી બેંક ખાતામાં આવે છે. તા. ૨૭-૦૮-૨૦૨૬ ગુરૂવારે કેશુભાઈ પટેલ ઓડીટોરીયમ ખાતે યોજાયેલ થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં વધુમાં જણાવ્યું હતું કે, નાણાનું મહત્વ માત્ર ખર્ચ કરવામાં નથી. પૈસાને સાધન બનાવી સંપતિના સર્જન માટે કામે લગાડવા તે આયોજન વધુ મહત્વનું છે. ગરીબી માત્ર ઓછા આવકનું પરિણામ નથી પૈસાદાર બનવાની શરૂઆત પ્રથમ વિચારથી થાય છે. ત્યાર પછી દ્રઢ ઈચ્છા સાથે નાણાકિય આયોજન અને સતત પ્રયાસ માણસને પૈસાદાર બનાવે છે.
પૈસા તાકાતવાન છે. પૈસાથી બધું જ ખરીદી શકાય છે. પરંતુ તંદુરસ્તી ખરીદી શકાતી નથી. જીવનની સંપત્તિના ચાર સ્તંભ છે. (૧) તંદુરસ્તી, (૨) જ્ઞાન-કૌશલ્ય (૩) નાણાકિય સ્વતંત્રતા અને (૪) માનવીય સબંધો... આ માણસની ખરી સંપત્તિ છે નવા વિચાર આપતા જણાવ્યું હતું કે, તંદુરસ્તી અને નાણાકિય આયોજન એ સુખાકારીનો મુખ્ય આધાર છે. વિચાર, દ્રઢ ઈચ્છા અને સતત પ્રયાસ એ પૈસાદાર બનવાની દિશા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નાણાવગર જીવન જીવવું મુશ્કેલ છે અને આયોજ્ન વગર સંપત્તિ સર્જન મુશ્કેલ છે.
નાણાકીય આયોજન માટે પાયાની સમજણ આપતા જણાવ્યું હતું કે, કમાણી કરતા ખર્ચ ઓછો કરવો, બચેલા નાણાનું રોકાણ કરવું અને જરૂરિયાત અને ઈચ્છા વચ્ચેનો ભેદ સમજવો સાથે નાણાકીય જીવનમાં બે શક્તિ-શિસ્ત અને સમય ખુબ મહત્વના છે. નાણાકીય જાગૃતતા, શિસ્ત અને સમય એ સંપતિ સર્જનના પરિબળો છે. પૈસાને જીવનના માલીક નહી પણ સાધન બનાવી કામે લગાડો.
વહેલી તકે બચતની શરૂઆત કરવી એ મૂડી સર્જન માટે જરૂરી છે.- રૂષિત મહેતા
જાણીતા નાણાકીય સલાહકાર અને અર્હમ ગ્રુપ ઓફ કંપનીઝના ડાયરેક્ટર શ્રી ઋષિતભાઈ કનકભાઈ મહેતા એ નાણા જીવન અને આયોજન અંગે પાયાની સમજણ આપી હતી. છેલ્લા ૧૫ વર્ષથી નાણાકીય સેવા ક્ષેત્રે કાર્યરત છે. વેલ્થ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ ઋષિતભાઈ એ જણાવ્યું હતું કે, જીવન સરળ બનાવવા માટે પૈસાની જરૂર પડે છે. પૈસા અને જીવન વચ્ચે સાચો તાલમેલ માટે નાણાકિય આયોજન જરૂરી છે. માર્કેટની તેજી હોય કે મંદી, સમજણ, શાંત મન અને પરિવારનો સહકાર હોય તો પ્રગતિ નિશ્ચિત છે. હાલતી પરિસ્થિતિમાં સમય અને માનસિક શાંતિનો ખુબ જ અભાવ જોવા મળે છે. વહેલી તકે બચતની શરૂઆત કરવી એ મૂડી સર્જન માટે જરૂરી છે. એક્ટીવ ઇન્કમની સાથે પેસીવ ઇન્કમ પણ ખુબ જ જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સમયનું આયોજન અને પોતાની જાતનું યોગ્ય આયોજન એ જ મૂડી સર્જનની સાચી હકીકત છે. આ પ્રસંગે AI નિષ્ણાંત ભૌતિક વઘાસીયા દાતા ટ્રસ્ટી CA કનૈયાલાલ ભાલાળા, ટ્રસ્ટી અશ્વિનભાઈ સુદાણી અને ટ્રસ્ટી દિનેશભાઈ તળાવીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગત ગુરૂવારનો વિચાર હાર્દિકભાઈ ચાંચડએ રજુ કર્યો, જયારે સમગ્ર વ્યવસ્થા યુવાટીમએ સંભાળી હતી. જયારે કાર્યક્રમનું સંકલન ભાવેશભાઈ રફાળીયા તથા રીયલ નેટવર્કના અંકિતભાઈ સુરાણીએ કર્યું હતું.
• Share •