Page Views: 4480

નેપાળના વિનાશક પૂરમાં 300 ભારતીયો ગુમ, કૈલાશ માનસરોવર રૂટ પર જ સૌથી વધુ તબાહી

પ્રાથમિક આંકલન મુજબ માત્ર ગણતરીના કલાકોમાં જ એક પછી એક આખા શહેરો તબાહ થઈ ગયા

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

નેપાળના રસુવા ક્ષેત્રમાં અચાનક આવેલા વિનાશક પૂરે હિમાલયન ક્ષેત્રમાં ભયાનક તબાહી મચાવી છે. આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં 175થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને સેંકડો લોકો હજુ પણ ગુમ છે. આ ગંભીર સંકટ વચ્ચે સૌથી ચિંતાજનક બાબત એ સામે આવી છે કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં આશરે 300 ભારતીય નાગરિકો સહિત 500થી વધુ વિદેશીઓ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે સ્થિતિની ગંભીરતા સ્પષ્ટ કરતાં જણાવ્યું કે પ્રાથમિક આંકલન મુજબ માત્ર ગણતરીના કલાકોમાં જ એક પછી એક આખા શહેરો તબાહ થઈ ગયા છે અને સેંકડો પરિવારોએ પોતાના આશિયાના ગુમાવી દીધા છે. નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે કહ્યું કે, જે વિસ્તારમાં આ પૂરનું તાંડવ જોવા મળ્યું છે, તે કૈલાશ માનસરોવર યાત્રાનો મુખ્ય પારંપરિક માર્ગ છે. મોટાભાગના વિદેશી અને ભારતીય શ્રદ્ધાળુઓ આ જ રૂટ પરથી યાત્રા આગળ વધારતા હોય છે. પૂરના કારણે સંદેશાવ્યવહાર વ્યવસ્થા ખોરવાઈ જતાં હાલ આશરે 300 ભારતીયો સાથે સંપર્ક થઈ શકતો નથી. નેપાળ સરકાર વિદેશી દૂતાવાસો સાથે સંકલન કરીને આ તમામ નાગરિકોને શોધવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા સક્રિય બની છે. કોઈમ્બતુર સ્થિત સંસ્થાના 77 સભ્યો જે ઇમિગ્રેશન સેન્ટર પર હાજર હતા તેઓ લાપતા છે. સંસ્થાના સ્થાપક સદ્ગુરુએ જણાવ્યું કે, ઇમિગ્રેશન ઓફિસમાં ઉપસ્થિત લોકો પૈકી કોઈના વિશે પણ હજુ સુધી સત્તાવાર માહિતી મળી શકી નથી. જોકે, અન્ય 495 લોકો સુરક્ષિત રીતે પરત આવી ગયા છે. બાદમાં નેપાળ સરકારે પુષ્ટિ કરી હતી કે સંબંધિત ઇમિગ્રેશન સેન્ટરના કર્મચારીઓ સાથે પણ સંપર્ક થઈ શકતો નથી.