Page Views: 5036

ઓડિશાના સૌથી મોટા ટેક્સટાઇલ એક્ઝિબિશન ‘ઓડિશા ડ્રીમ્ઝ’માં ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહ્યા

આગામી દિવસોમાં ઓડિશાના પાટનગર ભુવનેશ્વરમાં 200 સ્ટોલ્સ સાથે ભવ્ય ટેક્સટાઇલ પ્રદર્શન યોજવા અશોક જીરાવાલાનું આહ્વાન

સુરત :- વર્તમાન ન્યૂઝ.કોમ

પ્રવાસી ઓડિયા પરિવાર (સુરત) અને ઓડિશા ડ્રીમ્ઝના સંયુક્ત ઉપક્રમે ઓડિશાના પવિત્ર યાત્રાધામ પુરી સ્થિત હોટેલ એમ્પાયર્સ ખાતે તા. 23 અને 24 ઓગસ્ટ 2026 દરમિયાન રાજ્યના સૌથી મોટા ટેક્સટાઇલ એક્ઝિબિશન ‘ઓડિશા ડ્રીમ્ઝ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત પ્રદર્શનમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના પ્રમુખ શ્રી અશોક જીરાવાલા મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ બીટુબી એક્ઝિબિશનનું વિધિવત્ ઉદ્‌ઘાટન ઓડિશા વિધાનસભાનાં સ્પીકર શ્રીમતી સુરમા પાઢીના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોરડાના ધારાસભ્ય શ્રી નિલામણી બિસોઈ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પ્રવાસી ઓડિયા પરિવાર-સુરતના પ્રમુખ તથા SGCCIના નેશનલ કો-ઓર્ડિનેટર શ્રી મહેન્દ્ર રાઉત, સુરતના જાણીતા ઉદ્યોગપતિ તેમજ સમાજસેવક શ્રી કેશુભાઈ ગોટી અને પુરીના પૂર્વ ધારાસભ્ય શ્રી જયંત સારંગી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

ઓડિશા દેશનું નવું ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ હબ બનવા જઈ રહ્યું છે: અશોક જીરાવાલા 
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, “ઓડિશા રાજ્ય હવે માત્ર ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સુધી સીમિત ન રહેતાં ફાઇબર, યાર્ન, ફેબ્રિક પ્રોસેસિંગ, મેન-મેડ ફાઇબર્સ (MMF), ટેકનિકલ ટેક્સટાઇલ્સ અને રિસાયક્લિંગ સુધીની સંપૂર્ણ 'ફાઇબર ટુ ફેશન' વેલ્યુ ચેઇન ધરાવતી ઇન્ટિગ્રેટેડ ઇકોસિસ્ટમ વિકસાવી રહ્યું છે. ઓડિશામાં હાલ ₹8,800 કરોડથી વધુના ટેક્સટાઇલ પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે. સુરત દેશનું MMF કેપિટલ હોવાથી સુરતના પ્રોસેસર્સ, વિવર્સ અને ટ્રેડર્સ માટે ઓડિશાના ઝડપથી વિકસતા બજાર સાથે જોડાઈને નવા રોકાણ અને બિઝનેસ એક્સપાન્સનની સુવર્ણ તકો રહેલી છે.”

તેમણે બંને રાજ્યોના ટેક્સટાઇલ વેપારને સીધો વેગ આપવા માટે આગામી દિવસોમાં ઓડિશાના પાટનગર ભુવનેશ્વર ખાતે 200 સ્ટોલ્સની ક્ષમતા ધરાવતું વિશાળ રાષ્ટ્રીય સ્તરનું ટેક્સટાઇલ એક્ઝિબિશન યોજવા માટે આયોજકો અને સ્થાનિક ઉદ્યોગકારોને આહ્વાન કર્યું હતું.

બંને રાજ્યોના ઉદ્યોગકારો વચ્ચે મજબૂત નેટવર્કિંગ: ‘ઓડિશા ડ્રીમ્ઝ’ એક્ઝિબિશનમાં ટેક્સટાઇલ, હેન્ડલૂમ, ગારમેન્ટિંગ અને ટ્રેડિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા દેશભરના અગ્રણી ઉદ્યોગકારો, સપ્લાયર્સ અને બાયર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુરત અને ઓડિશાના કાપડ ઉદ્યોગ વચ્ચે ટેકનોલોજીનું આદાન-પ્રદાન કરવા અને લાંબા ગાળાના વ્યાપારી સંબંધો સ્થાપિત કરવામાં આ પ્રદર્શન અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયું હતું.