નવી દિલ્હી- વર્તમાન ન્યૂઝ.કોમ
જો તમે મોટા મીઠાઈ, બેકરી, બિસ્કિટ, કન્ફેક્શનરી કે સોફ્ટ ડ્રિંકના વ્યવસાય સાથે જોડાયેલા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તહેવારો પહેલાં ખાંડની સંગ્રહખોરી અને વધતા ભાવ પર અંકુશ લગાવવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે. હવે મોટા પ્રમાણમાં ખાંડનો ઉપયોગ કરતા મોટા વેપારીઓ માટે નક્કી કરેલી સીમાથી વધુ ખાંડનો સ્ટોક રાખવો મુશ્કેલ બની શકે છે. નવા નિયમ હેઠળ નક્કી કરેલી સીમાથી વધુ ખાંડ જમા રાખવા પર કાર્યવાહી થઈ શકે છે.
વાસ્તવમાં, ઓગસ્ટથી નવેમ્બર વચ્ચે ગણેશ ચતુર્થી, દશેરા અને દિવાળી જેવા તહેવારોને કારણે ખાંડની માંગ ખૂબ જ ઝડપથી વધી જાય છે. આ દરમિયાન અવારનવાર ઘણા વેપારીઓ પહેલાથી જ મોટા પ્રમાણમાં ખાંડ ખરીદીને સ્ટોક કરી લે છે. સરકારે આ બાબતને ધ્યાનમાં રાખીને મોટા ખરીદદારો માટે સ્ટોકની અવધિ ઘટાડીને હવે 15 દિવસ કરી દીધી છે. નવા આદેશ મુજબ, આ નિયમ 1 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર 2026 સુધી લાગુ રહેશે. જોકે, આ નિયમ એવા વેપારીઓ કે સંસ્થાઓ પર લાગુ થશે, જેઓનો માસિક ખાંડનો વપરાશ 10 મેટ્રિક ટન એટલે કે 100 ક્વિન્ટલથી વધુ છે. આવા ખરીદદારો તેમની 15 દિવસની જરૂરિયાતથી વધુ ખાંડ સ્ટોકમાં રાખી શકશે નહીં.વાસ્તવમાં, સરકારે આ પહેલા વેપારીઓ માટે ખાંડનો સ્ટોક રાખવાની મર્યાદા 30 દિવસ રાખી હતી. પરંતુ કિંમતોમાં સતત વધારો ચાલુ રહેતા હવે આ મર્યાદા ઘટાડીને 15 દિવસ કરી દેવામાં આવી છે. કારણ કે તહેવારોના સમયગાળામાં ખાંડની માંગ અચાનક વધી જાય છે અને આ દરમિયાન બિસ્કિટ, મીઠાઈ અને કન્ફેક્શનરી બનાવતી કંપનીઓ પહેલાથી જ સ્ટોક તૈયાર કરી લે છે.
સરકાર આ બાબતની ખાતરી કરવા માટે ખરીદદારોની ખાંડની ખરીદી અને વપરાશ સંબંધિત આંકડાઓનું મિલાન કરશે. આ માટે શુગર મિલો દ્વારા મોટા ખરીદદારોને થયેલા વેચાણ અને વેપારીઓના GST રિટર્નમાં નોંધાયેલી માહિતીનો ઉપયોગ કરવામાં આવશે.
• Share •