Page Views: 4572

ચેમ્બરના ‘યાર્ન એક્સ્પો-2026’ને જબરદસ્ત પ્રતિસાદ બે દિવસમાં 15,000થી વધુ બાયર્સ અને વિઝિટર્સે મુલાકાત લીધી

પરંપરાગત પરિધાનથી માંડીને ટેકનિકલ ટેક્સટાઇલ સુધીના અદ્યતન યાર્નનું એક જ છત નીચે ભવ્ય પ્રદર્શન: ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા

સુરત :- વર્તમાન ન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) તથા ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર (GFRRC)ના સંયુક્ત ઉપક્રમે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC) ખાતે આયોજિત ત્રિ-દિવસીય ‘યાર્ન એક્સ્પો-2026’ ને સ્થાનિક, આંતરરાજ્ય તેમજ આંતરરાષ્ટ્રીય બાયર્સ તરફથી જબરજસ્ત પ્રતિસાદ સાંપડી રહ્યો છે. શુક્રવારથી શરૂ થયેલા આ એક્સ્પોમાં પ્રથમ બે દિવસ દરમિયાન જ કુલ 15,000થી વધુ પ્રોસ્પેક્ટિવ બાયર્સ અને વિઝિટર્સે મુલાકાત લઈ નવા વેપારી સંબંધો સ્થાપિત કર્યા છે.શુક્રવારે પ્રથમ દિવસે 5,500 અને શનિવારે બીજા દિવસે 9,500 મળીને બે દિવસમાં 15,000થી વધુ ઉદ્યોગકારો અને ડેલિગેટ્સે એક્સ્પો નિહાળ્યો હતો.

યાર્નની અદ્‌ભૂત અને આધુનિક વિવિધતાઓ: અશોક જીરાવાલા 
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, “યાર્ન એટલે વણાટ સૂતર. આજે આ સૂતરે ટેકનોલોજીના સહારે કેટલી મોટી પ્રગતિ કરી છે તેનો વાસ્તવિક અંદાજ આ પ્રદર્શનમાંથી મળે છે. રેશમનો પર્યાય બની ગયેલા વિસ્કોસ યાર્નમાં પણ આજે અદભુત વિવિધતાઓ જોવા મળી રહી છે. પરંપરાગત પરિધાનથી લઈને હાઇ-ટેક ટેકનિકલ ટેક્સટાઇલ સુધીનું મૂળભૂત ઘટક યાર્ન છે, અને આ તમામ ઇનોવેટિવ પ્રોડક્ટ્સ આજે સુરતમાં એક જ છત નીચે ઉપલબ્ધ બની છે.”

વેલ્યુ-એડેડ અને સ્પેશ્યાલિટી યાર્ન બન્યા આકર્ષણનું કેન્દ્ર: ગિરધરગોપાલ મુંદડા યાર્ન એક્સ્પોના ચેરમેન શ્રી ગિરધરગોપાલ મુંદડાએ પ્રદર્શનમાં રજૂ થયેલી નવીનતમ પ્રોડક્ટ્સ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે:

મિકેનિકલ સ્ટ્રેચ યાર્ન: આ પોલિએસ્ટર યાર્નમાં સ્પેન્ડેક્સ કે ઇલાસ્ટેનનો ઉપયોગ કર્યા વગર ક્રિમ્પિંગ, ખાસ ટેક્સચર અને વિશિષ્ટ સ્ટ્રક્ચર દ્વારા સ્ટ્રેચ તથા રિકવરી ઇફેક્ટ આપવામાં આવે છે. ડેનિમ, સ્પોર્ટ્સવેર, લેડીઝ ગારમેન્ટ્સ અને કેઝ્યુઅલ વેરમાં વપરાતું આ એક મહત્વપૂર્ણ વેલ્યુ-એડેડ યાર્ન છે.

BSY (Bi-Shrinkage Yarn): બે અલગ-અલગ શ્રિંકેજ ધરાવતા પોલિએસ્ટર ફિલામેન્ટ્સ (POY અને FDY)ને કમ્બાઇન તથા ઇન્ટરમિંગલ કરીને આ યાર્ન તૈયાર થાય છે. તેમાંથી બનતા ફેબ્રિકમાં સોફ્ટ ટચ, પીચ-સ્કિન ઇફેક્ટ અને બલ્ક પ્રાપ્ત થાય છે. તેનો ઉપયોગ બુરખા, અબાયા, સ્કાર્ફ, ટ્રાઉઝર્સ, લેડીઝ ટોપ્સ, વન-પીસ તથા સર્ક્યુલર નિટિંગમાં મોટા પાયે થાય છે.

કોટન લાઇક યાર્ન: સ્પેશિયલ ક્રોસ-સેક્શન, ફાઇન ફિલામેન્ટ્સ અને ટેક્સચરિંગ પ્રોસેસ દ્વારા આ પોલિએસ્ટર યાર્નને કોટન જેવો સોફ્ટ ફીલ, મેટ લુક અને મોઇશ્ચર મેનેજમેન્ટ અપાય છે. જેથી પોલિએસ્ટરની મજબૂતી સાથે કોટન જેવું કમ્ફર્ટ અને લુક એકસાથે મળે છે.

આજે એક્સ્પોનો અંતિમ દિવસ: આ ત્રિ-દિવસીય ‘યાર્ન એક્સ્પો-2026’ આવતીકાલે રવિવાર, તા. 23 ઓગસ્ટ 2026 ના રોજ સવારે 10:00 થી સાંજે 07:00 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે. ટેક્સટાઇલ અને ગાર્મેન્ટિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ ઉદ્યોગકારોને આ પ્રદર્શનની મુલાકાત લેવા ચેમ્બર દ્વારા અનુરોધ કરાયો છે.