Page Views: 4628

ભાવનગર લઠ્ઠાકાંડનો સુરતમાં ભોગ:ઝેરી દારૂ પીને આવેલા સંજયસિંહનું મગજ ડેમેજ થતાં 'બ્રેઇન ડેડ' જાહેર કરાયો

તબીબી તપાસમાં સામે આવ્યું હતું કે સંજયસિંહના મગજ સુધી પૂરતો ઓક્સિજન પહોંચી રહ્યો નથી

સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ 

 ભાવનગરના નકલી લઠ્ઠાકાંડની ગંભીર અસર હવે સુરતમાં પણ જોવામળી રહી છે. ભાવનગરમાં ઝેરી દારૂ પીધા બાદ સુરત આવેલા મૂળ ભાવનગરના સંજયસિંહ નામના યુવકની તબિયત અત્યંત નાજુક બનતાં તેમને સુરતની ખટોદરા સ્થિત આઇએનએસ (INS) હોસ્પિટલમાં બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી આઇસીયુમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા યુવકને હાલ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે અને આ અંગે પરિવારજનોને પણ જાણ કરી દેવાઈ છે.  સંજયસિંહ 16 તારીખે રાત્રે ભાવનગરમાં દારૂ પીને 17 તારીખે સવારે સુરત પહોંચ્યા હતા. સુરત આવતાની સાથે જ તેમની આંખો બંધ થઈ ગઈ હતી અને તબિયત એકાએક લથડી હતી. શરૂઆતમાં તેમને વરાછાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં રિપોર્ટ દરમિયાન તેમને સિરિયસ હાર્ટ એટેક આવી જતાં હૃદય બંધ પડી ગયું હતું. તબીબોએ સીપીઆર (CPR) આપીને હૃદય ધબકતું કર્યું હતું, પરંતુ ત્યારબાદથી તેઓ સતત બેભાન અવસ્થામાં સરી પડ્યા હતા. તબીબી તપાસમાં સામે આવ્યું હતું કે સંજયસિંહના મગજ સુધી પૂરતો ઓક્સિજન પહોંચી રહ્યો નહોતો. વધુમાં, નશાની તપાસ માટે કરાવેલા ખાસ રિપોર્ટમાં ઇથેનોલ અને મિથેનોલ પોઇઝનિંગની ગંભીર ઝેરી અસર હોવાનું સ્પષ્ટ થયું હતું. ઝેરી દારૂ પીધાના માત્ર 8થી 10 કલાકમાં જ ઝેર આખા શરીરમાં ફેલાઈ જતાં તેમની ન્યુરોલોજીકલ સ્થિતિ કથળી ગઈ હતી, જેથી તેમને તાત્કાલિક સુરતની જાણીતી ન્યુરો હોસ્પિટલ આઇએનએસમાં શિફ્ટ કરાયા હતા.

અન્ય ઓર્ગન્સ ચાલુ રાખવા દવાઓનો સહારો, પરિવારમાં ભારે આક્રંદ આઇએનએસ હોસ્પિટલના ન્યુરો એક્સપર્ટ્સ દ્વારા સઘન સારવાર આપવા છતાં મગજ નિષ્ક્રિય થઈ જતાં તેમને આખરે બ્રેઇન ડેડ ઘોષિત કરાયા છે. હાલ શરીરના અન્ય મહત્ત્વના અંગો કાર્યરત રહે તે માટે તબીબો દ્વારા જરૂરી દવાઓ આપવામાં આવી રહી છે. ભાવનગરના લઠ્ઠાકાંડના કારણે યુવાન પુત્ર જિંદગી અને મોત વચ્ચે લટકતાં પરિવારજનોમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો છે.