અમદાવાદ- વર્તમાન ન્યૂઝ.કોમ
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે સિવિલ હોસ્પિટલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના નામે ટેન્ડર અપાવવાની લાલચ આપી 9.60 લાખની સાયબર ઠગાઈ કરનાર ત્રણ સભ્યોની ધરપકડ કરી છે. સેટેલાઇટ વિસ્તારમાં આવેલી એક કંપનીના સંચાલકની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. આરોપીઓએ વેપારીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 2,000 ડિસ્પોઝેબલ બેગ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ અપાવવાનું કહી વિશ્વાસમાં લીધો હતો. આ માટે તેમણે સિવિલ હોસ્પિટલના નામે બનાવટી એમ્પ્લોયી આઈડી કાર્ડ, ટેન્ડર ફોર્મ, પર્ચેઝ ઓર્ડર અને અન્ય દસ્તાવેજો મોકલી વિશ્વાસ જીત્યો હતો.
આરોપીઓએ ZED સર્ટિફિકેટ, CPCP સર્ટિફિકેટ, GEM પોર્ટલ પર OEM સર્ટિફિકેટ અને NSIC સર્ટિફિકેટ સહિત વિવિધ પ્રક્રિયાના નામે વેપારી પાસે થી 9.60 લાખ પડાવ્યા હતા. ત્યારબાદ લાંબા સમય સુધી ઓર્ડર નહી મળતા વેપારીને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું સમજમાં આવ્યું હતું માટે તેણે આ બાબતે સાયબર કા ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદ ના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં રાહુલ ગીરીરાજ શર્મા (કુબેરનગર અમદાવાદ. મૂળ રાજસ્થાન)
વિપુલસિંહ તોમર(નરોડા અમદાવાદ મૂળ ઉત્તર પ્રદેશ) તથા અમન કુશવાહા(કુબેરનગર અમદાવાદ મૂળ મધ્ય પ્રદેશ) તપાસમાં સામે આવ્યું છે કે રાહુલ શર્મા સમગ્ર કાવતરાનો માસ્ટર માઈન્ડ છે. તેણે સિમકાર્ડ, બેંક ખાતાં અને સમગ્ર ફ્રોડનું આયોજન કર્યું હતું. સિવિલ હોસ્પિટલના પર્ચેઝ વિભાગના અધિકારી "રાજેશ રાવલ" તરીકે ફરિયાદી સાથે વાતચીત કરી હતી. એટલું જ નહીં, AIની મદદથી સિવિલ હોસ્પિટલના લેટરપેડ, સહી-સિક્કાવાળા બનાવટી દસ્તાવેજો અને નકલી ઈ-મેઈલ આઈડી તૈયાર કરીને Google Meet મારફતે પણ વાતચીત કરી હતી. રાહુલ વેપારીની ઓફિસે સિવિલ હોસ્પિટલના કર્મચારી તરીકે રૂબરૂ પણ ગયો હોવાનું બહાર આવ્યું છે. વિપુલસિંહ તોમરે પોતાના બેંક ખાતાનો ઉપયોગ ફ્રોડની રકમ મેળવવા માટે કર્યો હતો, જ્યારે અમન કુશવાહાએ AMCના અધિકારી "શૈલેષ સિંહ" તરીકે ઓળખ આપી ફરિયાદી સાથે સંપર્ક સાધી વિવિધ સર્ટિફિકેટ બનાવવાના બહાને પૈસા પડાવવામાં મદદ કરી હતી.
સાયબર ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આરોપીઓના બેંક ખાતાં અને મોબાઇલ નંબરના આધારે અન્ય ઠગાઈના બનાવો પણ સામે આવ્યા છે. ચાંગોદર વિસ્તારમાં એક વ્યક્તિ સાથે 18.31 લાખની છેતરપીંડી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે, જે અંગે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને તે કેસમાં પણ આરોપીઓની ધરપકડ બાકી છે.
પોલીસને પ્રાથમિક તપાસમાં અન્ય અનેક લોકો સાથે પણ લાખો રૂપિયાની છેતરપીંડી કરવામાં આવી હોવાની વિગતો મળી છે. સમગ્ર ગેંગે કેટલા લોકોને નિશાન બનાવ્યા, કુલ કેટલી રકમની ઠગાઈ આચરી અને તેમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે દિશામાં અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
• Share •