Page Views: 5803

ન્યાય સૌના માટે : ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની મહત્વપૂર્ણ કામગીરીમાં સુરતના બે અગ્રણીઓ નિખિલ મદ્રાસી અને અજય મહેતાની નિમણૂંક

લોક અદાલત દ્વારા આપવામાં આવતો નિર્ણય સિવિલ કોર્ટના હુકમ જેટલો જ કાનૂની રીતે માન્ય અને બંને પક્ષોને બંધનકર્તા હોય છે

સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ

"ન્યાય સૌના માટે"ના ધ્યેયને સાકાર કરવા માટે ગુજરાત સરકારના કાનૂની વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ (Gujarat State Legal Services Authority – GSLSA) કાર્યરત છે. કાનૂની સેવા સત્તા અધિનિયમ, 1987 હેઠળ સ્થાપિત આ સત્તા મંડળનો મુખ્ય હેતુ સમાજના આર્થિક રીતે નબળા અને વંચિત વર્ગોને નિઃશુલ્ક તથા અસરકારક કાનૂની સહાય પૂરી પાડવાનો છે, જેથી કોઈપણ નાગરિક માત્ર આર્થિક અથવા અન્ય મર્યાદાઓને કારણે ન્યાયથી વંચિત ન રહે. GSLSA દ્વારા કાનૂની જાગૃતિ ફેલાવવાની સાથે સાથે લોક અદાલત, મધ્યસ્થીકરણ (Mediation) અને અન્ય વૈકલ્પિક વિવાદ નિવારણ પદ્ધતિઓ દ્વારા વિવાદોનો ઝડપી, સરળ અને ઓછા ખર્ચે નિકાલ થાય તે માટે સતત પ્રયાસ કરવામાં આવે છે. લોક અદાલત દ્વારા આપવામાં આવતો નિર્ણય સિવિલ કોર્ટના હુકમ જેટલો જ કાનૂની રીતે માન્ય અને બંને પક્ષોને બંધનકર્તા હોય છે. આ સંદર્ભમાં ગૌરવની વાત એ છે કે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી તેમજ સુરતના નામાંકિત એડવોકેટ શ્રી અજય મહેતાની ઉપરોક્ત સમિતિમાં નિમણૂંક કરવામાં આવી છે. આ નવી જવાબદારીના ભાગરૂપે મંગળવાર અને બુધવારના રોજ અમદાવાદ ખાતે યોજાનારી સઘન તાલીમ (Intensive Training Programme)માં તેઓ બંને ભાગ લેશે, જ્યાં તેઓ કાનૂની સેવા, લોક અદાલત, મધ્યસ્થીકરણ અને ન્યાય સુધી સામાન્ય નાગરિકોની પહોંચ સુનિશ્ચિત કરવા સંબંધિત વિવિધ પાસાઓ અંગે વિશેષ તાલીમ મેળવશે. શ્રી નિખિલ મદ્રાસી અને એડવોકેટ અજય મહેતાની આ નિમણૂંક સુરત માટે ગૌરવની બાબત છે અને સમાજમાં "ન્યાય સૌના માટે"ના ઉદ્દેશને વધુ મજબૂત બનાવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે.