સુરત :- વર્તમાન ન્યૂઝ.કોમ
દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગતની સર્વોચ્ચ સંસ્થા ‘ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી’ (SGCCI)માં પ્રમુખપદના પરિવર્તનનો ભવ્ય સમારોહ આગામી તા. 6 જૂન 2026ના રોજ સરસાણા સ્થિત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC) ખાતે યોજાવા જઈ રહ્યો છે. વર્ષ 2025-26ના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી પોતાનો 365 દિવસનો રેકોર્ડબ્રેક અને અત્યંત સફળ કાર્યકાળ પૂર્ણ કરીને સંપૂર્ણ સંતોષની લાગણી સાથે હોદ્દો છોડી રહ્યા છે, ત્યારે ચેમ્બરના નવા પ્રમુખ તરીકે વર્ષ 2026-27ની કમાન જાણીતા ઉદ્યોગપતિ શ્રી અશોક જીરાવાલા અને નવા ઉપ પ્રમુખ તરીકે શ્રી રવિ રાજ દેસાઈ સંભાળશે.
વિદાય લેતા પ્રમુખ નિખિલ મદ્રાસીના કાર્યકાળની ઐતિહાસિક સિદ્ધિઓ (વર્ષ 2025-26):
ચેમ્બરના ઇતિહાસમાં વર્ષ 2025-26નો કાર્યકાળ પ્રવૃત્તિઓ અને આર્થિક ગ્રોથની દ્રષ્ટિએ સુવર્ણ અક્ષરે લખાશે. પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ પોતાના વિઝન બોર્ડના 90%થી વધુ લક્ષ્યાંકો સફળતાપૂર્વક પૂર્ણ કરીને નીચે મુજબના ઐતિહાસિક માઈલસ્ટોન સ્થાપિત કર્યા છે:
ખાસ કરીને ચેમ્બરની સમગ્ર વર્ષ દરમ્યાનની રજૂઆતોને પગલે એક ગણતરી મુજબ ઉદ્યોગોને રૂ. 17,105 કરોડનો બમ્પર આર્થિક લાભ આ વર્ષ દરમ્યાન થવા પામ્યો છે.
• ટેક્સ્ટાઈલ મશીનો પરથી QCO (ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર) ના કડક નિયંત્રણો હટાવવામાં આવ્યા,
• પોલિયેસ્ટર યાર્ન પરથી QCO દૂર કરાવવામાં સફળતા મળી.
• સમગ્ર ગુજરાતમાં વીજગ્રાહકો માટે TOU (ટાઇમ ઓફ યુઝ) ડિસ્કાઉન્ટના સમયગાળામાં 2 કલાકનો નોંધપાત્ર વધારો કરાવાયો, જેનાથી ઉદ્યોગોને રૂ. 500 કરોડની મોટી રાહત મળી.
• વિક્રમસર્જક 22 એક્ઝિબિશન્સ: ઉત્પાદકોને સીધું ગ્લોબલ માર્કેટ પૂરું પાડવાના હેતુથી ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક 22 એક્ઝિબિશન યોજવામાં આવ્યા હતા. જેમાં જિતો (JITO) સાથેનો ‘વેલ્થ એક્ષ્પો’, કેમિક્સિલ સાથેનો ‘કેમિકલ એન્ડ ફાર્મા એક્ષ્પો’ અને EPE એક્ષ્પો નવા સીમાચિન્હ સાબિત થયા છે.
• આર્ટ એન્ડ કલ્ચર કમિટી દ્વારા 5 એક્ષ્પો યોજીને કળાને ઇન્ડસ્ટ્રીનો દરજ્જો અપાવવામાં આવ્યો.
• 525થી વધુ મેગા કાર્યક્રમોનો રેકોર્ડ: ચેમ્બરે સમગ્ર વર્ષ દરમિયાન 525થી વધુ વિવિધ બિઝનેસ ઇવેન્ટ્સ યોજી નવો ઇતિહાસ રચ્યો છે, જેમાં 3 વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, 56 ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ્સ, 43 હેલ્થ સિરીઝ અને 411થી વધુ માહિતીસભર સેમિનાર-વર્કશોપ્સ સામેલ છે.
• 6 આંતરરાષ્ટ્રીય પ્રવાસો અને ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિની ઐતિહાસિક મુલાકાત: તેમના કાર્યકાળ દરમિયાન ચેમ્બરના કુલ 6 આંતરરાષ્ટ્રીય ડેલિગેશન્સ વિદેશ પ્રવાસે ગયા હતા. જેમાં ઇતિહાસમાં પહેલીવાર દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે ચેમ્બરનું પ્રતિનિધિ મંડળ બોત્સ્વાનાની સત્તાવાર મુલાકાતે ગયું હતું. જ્યાં બોત્સ્વાનાના રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરાયેલા પ્રેઝન્ટેશનના આઉટકમરૂપે સુરતના કે. પી. ગ્રુપે (KP Group) રૂ. 36,000 કરોડના ઐતિહાસિક કરાર (MOU) કર્યા હતા. આ ઉપરાંત, ચેમ્બરના સત્તાવાર આમંત્રણ પર પ્રથમવાર કોઈ દેશના વડા એટલે કે ઝિમ્બાબ્વેના માનનીય ઉપરાષ્ટ્રપતિએ સત્તાવાર રીતે સુરતની મુલાકાત લઈ નવો ઇતિહાસ રચ્યો હતો.
• બોત્સવાનામાં રૂ. 36,000 કરોડનો ઐતિહાસિક કરાર: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના નેતૃત્વ હેઠળ ગયેલા ડેલિગેશનમાં સુરતના 18 ઉદ્યોગપતિઓ સામેલ થયા હતા. જ્યાં બોત્સવાનાના રાષ્ટ્રપતિ સમક્ષ ચેમ્બરના સફળ પ્રેઝન્ટેશનના આધારે સુરતના પ્રતિષ્ઠિત સોલાર ઇન્ડસ્ટ્રીના કે. પી. ગ્રુપે (KP Group) રૂ. 36,000 કરોડના અદભુત કરાર (MOU) સાઇન કરીને નવો કીર્તિમાન સ્થાપ્યો છે. આ પ્રોજેક્ટથી આગામી 25 વર્ષમાં પોણા બે લાખ કરોડ રૂપિયા ભારત પરત આવશે. આ ઉપરાંત ઇન્ડોનેશિયા, ચાઇના, વિયેતનામ અને ઘાનાના આંતરરાષ્ટ્રીય પ્રવાસો પણ સફળ રહ્યા હતા.
• એજ્યુકેશન સેન્ટરની બમ્પર કમાણી: SGCCI એજ્યુકેશન એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા ટેક્સટાઇલ, ઇમ્પોર્ટ-એક્ષ્પોર્ટ, AI અને ડિજિટલ માર્કેટિંગના વિવિધ કોર્સિસની 86 બેચ ચલાવીને 1165 વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરાયા. જેનાથી સંસ્થાને રૂ. 1,31,00,000 (1.31 કરોડ)ની ગ્રોસ આવક અને તમામ ખર્ચ બાદ કરતાં રૂ. 80 લાખનો નેટ પ્રોફિટ પ્રાપ્ત થયો છે.
• મેમ્બરશિપ અને લોકજાગૃતિમાં નવો રેકોર્ડ: પ્રવૃત્તિના જીવ ગણાતા શ્રી નિખિલ મદ્રાસીએ તેમના કાર્યકાળમાં ચેમ્બરમાં નવા 830 સભ્યોનો ઉમેરો કરીને સંસ્થાનો વ્યાપ નોંધપાત્ર રીતે વિસ્તાર્યો છે. આ ઉપરાંત, તેમની પબ્લિક હેલ્થ કમિટી અને ઇન્ડસ્ટ્રિયલ વર્કર્સ હેલ્થ કમિટી દ્વારા 1 વર્ષમાં રેકોર્ડબ્રેક 43થી વધુ હેલ્થ સિરીઝના જ્ઞાનવર્ધક કાર્યક્રમો યોજીને લાખો કામદારો અને નાગરિકોના સ્વાસ્થ્યની સંભાળ લેવાનું પ્રશંસનીય સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.
• નવા જમાનાના આયામો: ચેમ્બરે સમય સાથે કદમ મિલાવીને સફળ ઉદ્યોગપતિઓની ગાથા વણાવતા 32 હાઇટેક પોડકાસ્ટ રજૂ કર્યા અને ચેમ્બરની સત્તાવાર મોબાઈલ એપ લોન્ચ કરી છે.
• રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ: પ્રમુખ હોવાના નાતે શ્રી નિખિલ મદ્રાસીએ દેશની 7 સર્વોચ્ચ ટેક્સ કમિટીઓ અને ફોરમ્સ (જેવી કે રિજિયોનલ ડાયરેક્ટ ટેક્સીસ એડવાઇઝરી કમિટી-અમદાવાદ, મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઈલ્સ કમિટી, એસોચેમ, ફિક્કી-નવી દિલ્હી, IMC-મુંબઈ અને GCCI)માં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોના પ્રશ્નોને મજબૂતાઈથી વાચા આપી હતી.
શ્રી નિખિલ મદ્રાસીએ આ ભવ્ય સફળતા માટે પોતાના સાથી હોદ્દેદારો ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલા, તત્કાલીન નિવૃત્ત પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાવાલા, માનદ્ મંત્રી શ્રી બિજલ જરીવાલા, માનદ્ ખજાનચી સીએ મીતીશ મોદી, ઓલ એક્ઝીબીશન ચેરમેન શ્રી કિરણ ઠુમ્મર અને સમગ્ર સ્ટાફ પરિવાર તેમજ શહેરના તમામ મીડિયા સંગઠનોનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો છે.
6 જૂને નવા પ્રમુખ શ્રી અશોક જીરાવાલા અને નવા ઉપ પ્રમુખ શ્રી રવિ રાજ દેસાઈનો શપથવિધિ સમારોહ:
ચેમ્બરના સ્થાપના કાળ (વર્ષ 1940)થી ચાલી આવતી ભવ્ય પરંપરા મુજબ, શનિવાર, 6 જૂન 2026 ના રોજ યોજાનારા પદગ્રહણ સમારોહમાં વિદાય લેતા પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી નવા પ્રમુખ શ્રી અશોક જીરાવાલા અને નવા ઉપ પ્રમુખ શ્રી રવિ રાજ દેસાઈને સત્તાવાર રીતે ચેમ્બરનું સુકાન સોંપશે. આ ભવ્ય શપથવિધિ સમારોહમાં દક્ષિણ ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિઓ, વિવિધ 150થી વધુ ઔદ્યોગિક એસોસિએશનોના પ્રમુખો અને રાજકીય મહાનુભાવો સાક્ષી બનશે.
શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેનારા દેશ-વિદેશના પ્રમુખ મહાનુભાવો:
તા. 6 જૂનના રોજ યોજાનારા આ ઐતિહાસિક પદગ્રહણ વિધિ સમારોહમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની અનેક નામાંકિત હસ્તીઓ સાક્ષી બનશે, જેમાં મુખ્યત્વે:
• માનવંતા માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ,
• સુપ્રીમ કોર્ટના માનનીય જસ્ટિસ શ્રી જે.કે. મહેશ્વરી,
• મુખ્ય મહેમાન અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી,
• પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સના એમડી અને સ્થાપક ચેરમેન ડૉ. આનંદ દેશપાંડે,
• બાલાજી વેફર્સના ફાઉન્ડર શ્રી ચંદુભાઈ વિરાણી,
• ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી પૂર્ણેશભાઈ મોદી,
• રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી પ્રફૂલ્લભાઈ પાનશેરિયા,
• રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા,
• લોકસભાના વ્હીપ અને વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ,
• સુરતના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ તથા બારડોલીના સાંસદ શ્રી પ્રભુ વસાવા,
• વાધવાણી ફાઉન્ડેશનના શ્રી વિશાલ ચડ્ઢા,
• જેટ્રો (JETRO) અમદાવાદના ડિરેક્ટર જનરલ શ્રી યુ યોશિદા,
• જાણીતા ચિંતક, લેખક અને કવિ આચાર્ય ડૉ. લોકેશ મુનિ,
• સુરતના મેયર શ્રીમતી માયાબેન માવાણી
નવા પ્રમુખ અશોક જીરાવાલાનો ટૂંકો પરિચય:
• ઔદ્યોગિક પૃષ્ઠભૂમિ: ચેમ્બરના નવા વરાયેલા પ્રમુખ શ્રી અશોક જીરાવાલા સુરત અને દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગનું અત્યંત આદરણીય અને મોટું નામ છે. તેઓ કાપડ ઉદ્યોગની બારીકાઈઓ અને તેની આધુનિક ટેક્નોલોજીથી સુપેરે માહિતગાર છે.
• વિવર્સોની સૌથી અગ્રણી સંસ્થા ફોગવા એટલે કે, ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસીએશનના તેઓ પ્રમુખ છે. ફોગવા દ્વારા વર્તમાનમાં વિવર્સો સાથે થતા ફ્રોડ સંદર્ભે પોલીસ વિભાગને વિવિધ તબક્કાઓમાં અલગ-અલગ રજૂઆતો કરીને વિવર્સોની સમસ્યાના સમાધાનમાં તેમણે અગત્યની ભૂમિકા ભજવી છે. ભૂતકાળમાં પણ વીજદર ઉપરાંત અન્ય પ્રશ્નોના નિકાલમાં તેમણે અસાધારણ સફળતા પ્રાપ્ત કરી છે. વિવર્સોને GST ઈનપુટ ક્રેડીટ માટે સફળ રજૂઆતો કરી ક્રેડીટ અપાવવામાં સફળ રહ્યા છે.
• ચેમ્બરમાં પ્રદાન: છેલ્લા ૨૦ વર્ષથી તેમણે ચેમ્બર સાથે જોડાઈને કામ કર્યું છે. વર્ષ 2025-26 દરમિયાન ચેમ્બરના ઉપપ્રમુખ તરીકે તેમણે પ્રશંસનીય સેવાઓ આપી છે. સમગ્ર વર્ષ દરમિયાન ઉદ્યોગોની સ્થાનિક અને રાષ્ટ્રીય કક્ષાની રજૂઆતો સંદર્ભે તેમણે અમદાવાદ, ગાંધીનગર, મુંબઈ અને દિલ્હી ખાતે અવિરત દોડધામ કરીને વ્યાપારીઓના હિતમાં અસાધારણ પરિણામો મેળવ્યા છે.
• રાજકીય ક્ષેત્રે તેઓ ખૂબ પ્રભાવશાળી છે. વર્ષોથી રાજકારણ સાથે સંકળાયેલા હોઈ વ્યાપક રાજકીય સંપર્કો ધરાવે છે.
• અસરકારક વક્તા હોવાને નાતે તેઓની રજૂઆત અત્યંત પ્રભાવશાળી હોય છે. માણસોને પારખવાની તેમની શક્તિની ભારોભાર પ્રશંસા થતી આવી છે.
• મૂળ સૌરાષ્ટ્રના જીરા ગામના વતની એવા અશોકભાઈએ સુરત આવી ટેક્ષ્ટાઈલ જગતમાં ખૂબ પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેઓ વિવિંગ ઉપરાંત, યાર્ન ટ્રેડીંગ, મશીનરી સેલિંગ, ફિનીશ ફેબ્રિકસ ક્ષેત્રે વ્યવસાયિક રીતે સંકળાયેલા છે.
• વિઝન 2026-27: શ્રી અશોક જીરાવાલા દ્રઢપણે માને છે કે કૃષિ પછી દેશમાં સૌથી વધુ 25 કરોડ લોકોને રોજગારી આપતો ટેક્સટાઇલ ઉદ્યોગ ઇનોવેશન અને મજબૂત લીડરશીપ વિના આગળ વધી શકે નહીં. પોતાના આગામી કાર્યકાળમાં તેઓ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ઓટોમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાથે જોડીને વૈશ્વિક સ્તરે અગ્રેસર કરવા તેમજ ડાયમંડ, કેમિકલ અને ફાર્મા જેવા ક્ષેત્રોને નવી ઊંચાઈ આપવા માટે કટિબદ્ધ છે.
નવા ઉપ પ્રમુખ રવિ રાજ દેસાઈનો ટૂંકો પરિચય:
ચેમ્બરના ઇતિહાસમાં સૌથી યુવા વયે ઉપ પ્રમુખ બનનાર શ્રી રવિ રાજ દેસાઈ ITI હિમાચલ પ્રદેશ સરકારના ચીફ પાર્લામેન્ટરી સેક્રેટરી, ઇન્ડસ્ટ્રીઝ, રેવન્યુ, TCP દ્વારા નિયુક્ત થયેલ ડાયરેક્ટર છે. સાઉથ ગુજરાત પ્રોડ્કટીવીટી કાઉન્સિલ તેમજ ઇન્સ્ટીટયુટ ઓફ સિવિલ એન્જીનીયર એન્ડ આર્કિટેકટ એસોસીએશનના મેનેજીંગ કમિટી સભ્ય છે. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન MMCF ના પ્રમુખ તેમજ બાનાલ્ગી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના ડીરેક્ટર છે. શ્રમજીવી ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી એવા શ્રી રવિ રાજ દેસાઈએ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીમાંથી બીઈ સિવિલ એન્જિનીયરીંગની પદવી પ્રાપ્ત કરી છે. NMIMS, મુંબઈથી એમ.બી.એ. ફાયનાન્સ એન્ડ એચ.આર. (કોરસપોન્ડન્સ)ની વિશેષ ડીગ્રી પણ પ્રાપ્ત કરી છે.
• Share •