Page Views: 12354

ઉપ પ્રમુખ પદના દાવેદારોને માજી પ્રમુખોએ કઇ રીતે છાણ ચોપડીને બળદ બનાવ્યા ?

માજી પ્રમુખો મહાભારતના ધૃતરાષ્ટ્રની જેમ મારા એટલા જ સારાની નીતિ અપનાવીને ચેમ્બરને કઇ દિશામાં લઇ જવા માંગે છે એ પણ એક સવાલ છે ?

સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ

ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વહીવટ ઉપર ફણીધર નાગની જેમ ફેણ માંડીને બેસવા માટે મથતા માજી પ્રમુખોનો સમગ્ર ખેલ ઉપ પ્રમુખ પદના દાવેદાર મિતિષ મોદીના મામલે ખુલ્લો પડી ગયો છે. હવે ચેમ્બરના મેમ્બરોના મતાધિકાર ઉપર તરાપ મારવાના આ પ્રયાસને મહાજનો પણ હળવાશથી લેવા માંગતા નથી. તેમજ ચૂંટણી ટાળવાની વાતો કરીને પોતાના જ માનીતાઓને ગોઠવી દેવાનો ખેલ હવે ખુલ્લો પડી ગયો છે. માજી પ્રમુખો દ્વારા ધૃતરાષ્ટ્રની જેમ  મારા એટલા જ સારા અને બાકીના બધા નઠારા એ નીતિ કેટલે અંશે યોગ્ય છે એ પણ એક સવાલ છે. ટૂંકમાં માજી પ્રમુખોનું આ ટોળુ જે પ્રકારે ઉપ પ્રમુખ પદના દાવેદારોને છાણ ચોપડીને બળદ બનાવવા માટે મેદાનમાં ઉતર્યા હતા તેના કારણે ચેમ્બરની પ્રતિભા ખરડાઇ છે. સાથો સાથ જે ઉમેદવારો મેદાનમાં રહ્યા છે એ લોકોને સમજાવીને ચૂંટણી ટાળવામાં પણ નિષ્ફળ સાબિત થયા છે.

(છાણ ચોપડીને બળદ બનાવવો એ કહેવતનો અર્થ એવો થાય છે કે, ગાયનો વાછરડો જે ખેતી કામ માટે લાયક ન હોવા છતાં પણ તેના ઉપર છાણ ચોપડી અને ખુબ મહેનતુ અને ખેતી કામમાં ઉપયોગી બળદ હોવાનું સાબિત કરવાનો પ્રયાસ)