શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી તા.૧૪.૦૫.૨૦૨૬, ગુરુવારે યોજાયેલ ૧૫૯ માં વિચારોના વાવેતર કાર્યક્રમમાં કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું, કે માણસને જીવનના મુખ્ય ત્રણ હેતુ હોય છે. (૧) વધુ લાંબુ જીવવું તે માટે તંદુરસ્તી જોઈએ. (૨) સુવિધાઓ મેળવી સુખ અનુભવવું. તે માટે સંપતિ જોઈએ. અને (૩) જીવનમાં શાંતિથી જીવવું. તે માટે ખુશી જોઈએ એટલે જ લોકોની સુખાકારી માટે દિશા અને વિચાર આપવા હેલ્થ,વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરવામ આવે છે. તેમણે જણાવ્યું હતું કે, શરીરની જરૂરિયાત રોટી, કપડા અને મકાન છે. પરંતુ જીવનની જરૂરિયાતમાં તન-મનની તંદુરસ્તી સાથે ખુશી જરૂરી છે. નવો વિચાર આપતા જણાવ્યું હતું કે, તંદુરસ્તી, સંપતી અને ખુશી એ જીવનની ખરી જરૂરિયાત છે. તંદુરસ્તી માટે ત્રણ સ્તરને સમજવા પડે તેમ છે. તંદુરસ્તી એટલે નીરોગી શરીર. પરંતુ હવે માત્ર શરીરની તંદુરસ્તી નહી પણ મનની તંદુરસ્તી પણ મહત્વની છે. વર્તમાન સમયે માત્ર તન-મનની તંદુરસ્તી પણ પુરતી નથી. તેની સાથે ખુશી જ જીવનને જીવવા જેવું બનાવે છે. નીરોગી તન-મન સાથે ખુશી હોય તે જીવનની ખરી તંદુરસ્તી છે.
સારા જીવન માટે પૈસા પણ મહત્વના છે. પરંતુ પૈસાનું માનોવિજ્ઞાન પણ સમજવું જરૂરી છે. યાદ રાખજો માત્ર કમાણી કરવી તે સંપતિ નથી. પૈસા એટલે કે આવકથી શ્રીમંત (રીચમેન) કહેવાય છે. પરંતુ તે આવક માંથી બચત કરી તેનું રોકાણ કરે ત્યારે તે સંપતિનું સર્જન થયું કહેવાય . તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કમાણી કરતા બચત મહત્વની છે. તેનું રોકાણ સંપતિનું સર્જન કરે છે. સંપતિ મહત્વની છે, પરંતુ જીવનમાં સંપતિ કરતા ખુશી મહત્વની છે. જે જીવનને શક્તિ આપે છે. આપણે સુવિધામાં ખુશી મેળવવાનો પ્રયાસ કરીએ છીએ. માત્ર સુવિધાએ સુખ આપે છે, પરંતુ ખુશી જીવનને ઉર્જા આપે છે. પૈસા જરૂરિયાતને પ્રોત્સાહન આપે છે. દેખાડો કરાવે છે. અહંમ અને અભિમાન આપે છે. પરંતુ પૈસાનો સિધ્ધાંત સમજાવતા જણાવ્યું હતું કે પૈસા હંમેશા ક્રિએટીવ લોકો પાસે જ ઢગલા થાય છે.
જીવન પંચામૃત:
૧. જીવનનું મહત્વ ક્યારેય ન ભૂલવું.
૨. જીવન સાર્થક બનાવવા પ્રયાસ કરવો.
૩. લાંબુ-તંદુરસ્ત જીવવું.
૪. ખુશીના ભોગે કંઈપણ ન કરવું.
૫. કૃતજ્ઞતા સ્વભાવમાં પ્રગટાવો.

ખર્ચ પર નિયંત્રણ કરવા,
ભાવનાઓને અંકુશમાં રાખો. – નિરજ વિરડીયા
બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા અને ખુબ સારા વાચક, લેખક અને વિવેચક શ્રી નીરજભાઈ વિરડીયાએ જણાવ્યું હતું કે, સાચી નિયતિ, નિષ્ઠા અને ધીરજ હોય તો લક્ષ્મી અને સરસ્વતી બંને ને સાથે રાખી શકાય છે. તંદુરસ્તી વિશે જણાવ્યું હતું કે, કોઈપણ બીમારીના મૂળિયા સુધી જઈએ તો ચોક્કસથી તેનું નિરાકરણ મળતું હોય છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પણ તમે પોતે જ તમારી જાતને સન્માન અને ઉચ્ચ દરજ્જો આપશો તો આપોઆપ એ વાસ્તવિકતામાં પરિવર્તન થશે જ જીવનમાં આવક કરતા તેને કઈ રીતે વાપરો છો તે મહત્વનું છે. ખર્ચ પર નિયંત્રણ કરવા ભાવનાઓને અંકુશમાં રાખો. તમારી પાસે પૈસા મિલકત અને પરિવાર હશે તો પણ ખુશ થવા માટે તો તમારે જાતે જ સમજણ કેળવવી પડશે માણસની જરૂરિયાત થોડી છે. પરંતુ, ઈચ્છાઓ અનંત છે જીવનમાં સારું જીવવા માટે હેલ્થ વેલ્થ અને હેપીનેસ જ મહત્વની બાબત છે.

તમારા પોતાના દુશ્મન બનવાનું બંધ કરો
નામના પુસ્તકનું વિમોચન કરાયું
બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા પરંતુ વાંચન અને લેખનનો શોખ ધરાવતા શ્રી જગત કનુભાઈ વિરડીયા લેખિત પુસ્તક “તમારા પોતાના દુશ્મન બનવાનું બંધ કરો” નું વિચારોના વાવેતર કાર્યક્રમમાં વિમોચન કરવામાં આવ્યું હતું. પ્રતિભાવ આપતા લેખક જગત વિરડીયાએ જણાવ્યું હતું કે, જયારે જીવનમાં કંઈક ખૂટતુ અનુભવાય ત્યારે પોતાની સાથે જ વિચારીએ એટલે દરેક પ્રશ્નનો જવાબ મળી જતો હોય છે. કંઈક નવું મેળવવા માટે સર્વપ્રથમ પોતાની જાતને તૈયાર કરવી પડે.

સ્વ. અરજણભાઈ રામાણી
સ્મૃતિમાં એક ઓરડાનું દાન
મૂળ ધારગામના વતની અને સુરતમાં સ્થાયી થયેલા રામાણી પરિવાર તરફથી ૧ ઓરડાના દાનનો સંકલ્પ થયો છે. સ્વ. અરજણભાઈ રામાણીની સ્મૃતિમાં રામદેવ ગ્રુપના શૈલેશભાઈ રામાણી અને જયસુખભાઈ રામાણી તરફથી એક ઓરડા માટે દાન જાહેર થતા તેનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

સમાજ અગ્રણી ડો. કનુભાઈ માવાણીને
સૌરાષ્ટ્ર પટેલ સમાજની ભાવાંજલિ
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પૂર્વ ઉપ્રમુખ તથા મેયર, ધારાસભ્ય અને કુલપતિ તરીકે નિષ્ઠાભરી સેવા કરનાર ડો. કનુભાઈ માવાણીને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. સમાજના ટ્રસ્ટીઓ, મહિલાટીમ તથા યુવાટીમના સભ્યોએ કનુભાઈ માવાણીને મૌનપાળી શ્રધાંજલિ પાઠવી હતી.
ગત ગુરૂવારનો વિચાર મિત દેસાઈએ રજુ કર્યો હતો. જયારે સમગ્ર કાર્યક્રમનું સંકલન હાર્દિક ચાંચડ અને અંકિત સુરાણીએ કર્યું હતું.
• Share •