Page Views: 4758

સુરત ડાયમંડ બુર્સ ખાતે પ્રથમ વખત રૂ. એક હજાર કરોડની રફનું પ્રદર્શન

એસડીબી ખાતે સતત 35 દિવસ સુધી રફ ડાયમંડનું પ્રદર્શન ચાલશે- નાના ઉદ્યોગકારોને લાભ મળશે

સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ 

ભારતના હીરા ઉદ્યોગના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય ઉમેરતા, જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) અને સુરત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર (SIDC) દ્વારા સંયુક્ત રીતે ‘ઇન્ડિયા રફ ડાયમંડ શો’ (IRDS) ના પ્રથમ સંસ્કરણની જાહેરાત કરવામાં આવી છે. જે અંગે વિગતો આપતા જીજેઇપીસીના ગુજરાત રિઝ્યનના ચેરમેન જયંતિ સાવલિયાએ જણાવ્યું હતું કે, આ રફ ડાયમંડનું પ્રદર્શન સતત 35 દિવસ સુધી ચાલવાનું છે અને તેના કારણે નાના હીરા ઉદ્યોગકારોને ઘર આંગણે જ રફ ડાયમંડ જોવા મળશે તેમજ તેઓ અહીંથી ખરીદીનો ઓર્ડર કરી શકશે. આઇડીઆઇના ચેરમેન દિનેશ નાવડિયાએ પણ આ અંગે પ્રાથમિક વિગતો આપી હતી તેમજ હીરા ઉદ્યોગકારોને દુબઇ તેમજ એન્ટવર્પ જેવા દેશોમાં રફ ખરીદવા માટે જવુ નહીં પડે. ઘર આંગણેથી જ તેઓ વેપાર કરી શકશે. આવનારા દિવસોમાં અન્ય કંપનીઓના રફ ડાયમંડનું પ્રદર્શન પણ સુરત ખાતે યોજવામાં આવશે. 

વિશ્વના સૌથી મોટા ઓફિસ સંકુલ એવા ‘સુરત ડાયમંડ બુર્સ’ (SDB) ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને વૈશ્વિક ડાયમંડ ટેન્ડરિંગ હબ તરીકે સ્થાપિત કરવાનો છે. 35 દિવસ સુધી ચાલશે હીરાનો આ મહાકુંભ ચાલશે. આ વિશેષ શો 6 એપ્રિલ થી શરૂ થઈને 10 મે 2026 સુધી એટલે કે સતત 35 દિવસ ચાલશે. આટલા લાંબા સમયગાળાના આયોજન પાછળનો હેતુ એ છે કે, ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ સ્તરના વેપારીઓને પૂરતો સમય મળી રહે અને વેપારમાં સાતત્ય જળવાઈ રહેશે. આ પ્લેટફોર્મ દ્વારા વિદેશી રફ ડાયમંડ સપ્લાય સીધો જ ભારતના મેન્યુફેક્ચરિંગ સેન્ટર સુધી પહોંચાડવામાં આવશે. ખાસ કરીને નાના અને મધ્યમ કદના (MSME) ઉત્પાદકો માટે વિદેશ જઈને હીરા ખરીદવા આર્થિક રીતે પરવડતું નહોતું. ‘ઇન્ડિયા રફ ડાયમંડ શો’ આ અવરોધને દૂર કરશે. અંદાજ મુજબ, દર અઠવાડિયે 250થી વધુ અને સમગ્ર શો દરમિયાન 1,000 થી વધુ MSME એકમો આ ટેન્ડરમાં ભાગ લેશે, જે તેમના વ્યવસાયીક ખર્ચમાં મોટો ઘટાડો કરશે.આ શોમાં વિશ્વવિખ્યાત ડાયમંડ ટ્રેડિંગ અને ઓક્શન ફર્મ્સ જેવી કે ‘સ્ટાર જેમ્સ’ (Star Gems) અને ‘કોઈન ઇન્ટરનેશનલ’ (Koin International)  જેવી કંપનીઓ ભાગ લઇ રહી છે. આ પ્રદર્શન દરમિયાન વિવિધ ટેન્ડર સત્રો દ્વારા આશરે 100 મિલિયન યુએસ ડોલર (આશરે ₹1,000 કરોડ)થી વધુની કિંમતના રફ હીરા પ્રદર્શિત કરવામાં આવશે. નોંધનીય છે કે ભારત વિશ્વના 90% થી વધુ હીરાનું પ્રોસેસિંગ (કટિંગ અને પોલિશિંગ) કરે છે. છતાં, રફ હીરાનું ટ્રેડિંગ અન્ય દેશોમાં થતું હતું. IRDS દ્વારા હવે આ પ્રવૃત્તિનું સ્થાનિકીકરણ થશે, જે ‘બ્રાન્ડ ઇન્ડિયા’ ને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવશે.