Page Views: 4819

ડોનેટ લાઈફ દ્વારા ૫૮માં હૃદય નું દાન સુરતની મૈત્રેય મલ્ટી સુપરસ્પેશ્યલિટી હોસ્પિટલથી કરાવવામાં આવ્યું

હાર્દિક ભરતભાઈ ખુડખુડીયા ઉ.વ ૩૭ બ્રેઈનડેડ થતા ખુડખુડીયા પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી તેના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી

સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ

સુરતમાં  C-૪,૩૦૧, ગોકુલ રેસીડેન્સી, બ્રોડવે સ્કૂલની પાસે, અલથાણ  ખાતે રહેતા અને એમ્બ્રોઇડરી યુનિટમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હાર્દિક ભરતભાઇ નામનો યુવાન તા. ૨૫ માર્ચના રોજ બપોરે ૦૪:૦૦ કલાકે પાંડેસરા BRC ભવનથી મોપેડ પર ઘરે જઈ રહ્યો હતો ત્યારે દક્ષેશ્વર મહાદેવ મંદિર પાસે BRTS બસ સાથે અકસ્માત થતા તેને માથામાં ગંભીર ઈજાઓ થવાથી, ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો. વધુ સારવાર માટે તેને મૈત્રેય મલ્ટી સુપરસ્પેશ્યલિટી હોસ્પિટલમાં ફીઝીશયન ડો. પ્રિયાંક શાહની સારવાર હેઠળ દાખલ કર્યો. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજમાં લોહી નો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતુ. ન્યુરોસર્જન ડૉ. જેનીલ ગુરનાની અને ડો. મેહુલ મોદી એ ક્રેન્યોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો.

તા. ૩૧ માર્ચ ના રોજ ન્યુરોસર્જન ડૉ. જેનીલ ગુરનાની, ફીઝીશયન ડૉ. પ્રિયાંક શાહ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. મિત નાયક અને મેડીકલ એડમિનિસ્ટ્રેટર અને CEO ડૉ. પ્રણવ ઠાકર એ હાર્દિક ને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. ડૉ. પ્રિયાંક શાહે ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી હાર્દિકના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફ ની ટીમે હોસ્પિટલ પહોંચી હાર્દિક ની પત્ની પ્રિયા, પિતા ભરતભાઈ, માતા આશાબેન, ભાઈ મયંકભાઈ, બનેવી કલ્પેશભાઈ અને વૈભવભાઈ, સાળા વત્સલભાઈ, સસરા નિલેશભાઈ, માસા કેતનભાઈ, પિતરાઈ ભાઈ પરેશભાઈ તેમજ ખુડખુડીયા પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. હાર્દિકની પત્ની પ્રિયા અને પિતા ભરતભાઈ એ જણાવ્યું કે, મારા પતિ/પુત્ર બ્રેઈનડેડ છે, અંગો રાખ જ થઈ જવાના છે, ત્યારે મારા પતિ/પુત્ર ના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને અંગ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. હાર્દિક ના પરિવારમાં પત્ની પ્રિયા ઉ.વ. ૩૦ ગૃહિણી છે. પુત્રી ટિવશા ઉ.વ. ૭ નંદુબા ઈગ્લીસ એકેડમીમાં બીજા ધોરણમાં અભ્યાસ કરે છે, પુત્ર સારાંશ ઉ.વ. ૨ છે. પિતા ભરતભાઈ ઉ.વ. ૭૦ નિવૃત જીવન જીવે છે. માતા આશાબેન ઉ.વ. ૬૭, બ્યુટીપાર્લર ચલાવે  છે. 

પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય અને લિવર સુરતની કિરણ હોસ્પિટલ ને, બંને કિડની ની ફાળવણી HLA નો રિપોર્ટ આવ્યા પછી SOTTO દ્વારા કરવામાં આવશે.

દાન માં મેળવવામાં આવેલા હૃદય નું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈ ના રહેવાસી ૩૦ વર્ષીય યુવકમાં ડૉ. નંદકિશોર કાપડિયા, ડૉ. વિશાલ અગ્રવાલ, ડૉ. વિકેશ રેવડીવાલા અને તેમની ટીમ દ્વારા, લિવર નું ટ્રાન્સપ્લાન્ટ નાશિકના રહેવાસી ૫૦ વર્ષીય વ્યક્તિમાં ડૉ. ધર્મેશ ધાનાણી, ડૉ ગૌરવ ગુપ્તા, ડૉ. રુચિત ઝવેરી અને તેમની ટીમ દ્વારા સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામા આવ્યું. બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ SOTTO દ્વારા ફાળવણી કર્યા પછી બે જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે. ચક્ષુઓનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું. ઉલ્લેખનીય છે કે કિરણ હોસ્પિટલમાં સૌ પ્રથમ વખત હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. 

ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાની આ અઠ્ઠાવનમી ઘટના છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા, હાથ અને નાનું આતરડું દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર, અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ, કલકત્તા જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. 

સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા અને નાના આંતરડાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ, રશિયા, બાંગ્લાદેશ અને સુદાન દેશના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

માનવતાના આ મહાયજ્ઞમાં અમુલ્ય અંગોનું દાન આપનાર પુણ્ય નિષ્ઠ સ્વ. હાર્દિક ભરતભાઈ ખુડખુડીયા ઉ.વ ૩૭  ના પરિવારની ડોનેટ લાઈફ ભાવ વંદના કરે છે. તેમના પરિવારજનોને તેમના આ સેવાકીય સંકલ્પ બદલ ઋણ સ્વીકાર કરીએ  છીએ.

અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં હાર્દિકની પત્ની પ્રિયા, પિતા ભરતભાઈ, માતા આશાબેન, ભાઈ મયંકભાઈ, બનેવી કલ્પેશભાઈ અને વૈભવભાઈ, સાળા વત્સલભાઈ, સસરા નિલેશભાઈ, માસા કેતનભાઈ, પિતરાઈ ભાઈ પરેશભાઈ તેમજ ખુડખુડીયા પરિવારના સભ્યો , ન્યુરોસર્જન ડૉ. જેનીલ ગુરનાની, ફિઝીશયન ડૉ. પ્રિયાંક શાહ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. મિત નાયક, CEO ડૉ. પ્રણવ ઠાકર, RMO ડૉ. ભાવિન પટેલ, ડૉ. હેમાલી શાહ, રજીસ્ટાર ડૉ. નેન્સી પટેલ, નર્સિંગ સ્ટાફ ટ્વિંકલ સુરતી, ટ્વિંકલ ચૌહાણ, મૈત્રેય હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, નિહીર પ્રજાપતિ, વિશાલ ચૌહાણ, ભરતભાઈ ત્રિવેદી નો સહકાર સાંપડ્યો હતો. ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૩૮૧ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં ૫૫૪ કિડની, ૨૪૨ લિવર, ૫૮ હૃદય, ૫૬ ફેફસાં, ૯ પેન્ક્રીઆસ, ૧૧ હાથ, ૧ નાનું આતરડું અને ૪૫૦ ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ ૧૨૭૩ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે. અંગદાન… જીવનદાન…

 ડોનેટ લાઈફની વધુ માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ પર ક્લિક કરો:* https://www.donatelife.org.in/