સુરતઃ વર્તમાન ન્યૂઝ.કોમ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા હેલ્થ સિરીઝ અંતર્ગત રવિવાર, તા. ર૯ માર્ચ, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે, સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે 'માઇન્ડ મેટર્સ, હાર્ટ કનેકટ્સ' વિષય પર જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સત્રમાં મુખ્ય વકતા તરીકે સાઇકિયાટ્રિસ્ટ અને રિલેશનશિપ એક્ષ્પર્ટ ડો. તૃપ્તિ પટેલે 'એબીસી ઓફ રિલેશનશિપ્સ' વિષે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ સંબંધનો આધાર 'એ – એકસેપ્ટન્સ (સ્વીકાર), બી – બાઉન્ડ્રીઝ (મર્યાદા) અને સી – કોમ્યુનિકેશન (સંવાદ)' પર ટકેલો હોય છે. સંબંધોમાં પરસ્પર સમજણ, વિશ્વાસ અને ખુલ્લો સંવાદ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે ઉદાહરણો દ્વારા સમજાવ્યું કે, નાના મતભેદોને યોગ્ય રીતે હેન્ડલ કરવામાં આવે તો સંબંધો વધુ મજબૂત બને છે. તેમણે યુવાનોને સોશિયલ મીડિયા પ્રભાવથી દૂર રહીને વાસ્તવિક સંબંધોને મહત્વ આપવા માટે પણ સૂચન કર્યું હતું.અન્ય મુખ્ય વકતા તરીકે સાઇકિયાટ્રિસ્ટ અને સેકસ થેરાપિસ્ટ ડો. નમિતા ગંજાવાલાએ 'ઓપનીંગ ડોર્સ ટુ સેકસ્યુઅલ અવેરનેસ' અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આપણા સમાજમાં લૈંગિક વિષયો અંગે હજુ પણ સંકોચ અને ગેરસમજ છે, જેને દૂર કરવી જરૂરી છે. યોગ્ય અને વૈજ્ઞાનિક માહિતી દ્વારા જ સ્વસ્થ લૈંગિક જીવન શકય બને છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, લૈંગિક શિક્ષણ માત્ર યુવાનો માટે જ નહીં પરંતુ દંપતિઓ માટે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. તેમણે સુરક્ષા, સંમતિ અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચેના સંબંધને સમજાવતા કહ્યું કે આ મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.
ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી રાકેશ ગાંધીએ સ્વાગત સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આજના ઝડપી જીવનમાં વ્યક્તિગત અને પારિવારિક સંબંધોને મજબૂત રાખવા માટે માનસિક સ્વાસ્થ્ય અને સમજણ અત્યંત જરૂરી છે. આવા વિષયો પર ખુલ્લી ચર્ચા સમાજના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે. ચેમ્બરની પબ્લિક હેલ્થ કમિટીની ચેરપર્સન ડો. પારૂલ વડગામાએ કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આજના યુગમાં સંબંધોમાં આવતી જટિલતાઓ જાગૃતિ અંગેના અભાવને દૂર કરવા માટે આવા સત્રો સમયની માંગ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, યુવાનો અને દંપતિઓને યોગ્ય માર્ગદર્શન મળે તો તેઓ વધુ સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવામાં સફળ થાય છે. ચેમ્બરની પબ્લિક હેલ્થ કમિટીના કો–ચેરમેન ડો. રાજન દેસાઈ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. અંતે તેમણે ઉપસ્થિત મહેમાનો, વક્તાઓ અને સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
• Share •