સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસે એક મકાનમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતા 5 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. રહેણાંક મકાનમાં લાગેલી આ આગને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાયો છે. આજે સવારે 11 કલાકની આસપાસ લિંબાયત ખાતે આવેલ મીઠીખાડીમાં બેઠી કોલોની વિસ્તારમાં ગ્રાઉન્ડ સહિત બે માળનાં મકાનમાં આગ ફાટી નીકળી હતી. અચાનક આગ પ્રસરીને પાસે જ મુકેલા સાડીના જથ્થા અને જવલનશીલ કેમિકલ પર પ્રસરતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘરમાંથી ધુમાડાનાં ગોટે ગોટા બહાર નીકળતાં આસપાસનાં લોકો પણ ભયભીત થઈ ગયા હતા અને ત્વરિત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને માન દરવાજા અને ડુંભાલ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘટના સ્થળે પહોંચ્યા બાદ લશ્કરો દ્વારા આગ પર કાબુ મેળવવાની સાથે મકાનમાંથી એક જ પરિવારનાં પાંચ સભ્યોને બેશુદ્ધ હાલતમાં નિહાળીને અવાક રહી ગયા હતા. તાત્કાલિક તમામને સહારા દરવાજા ખાતે આવેલ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, પ્રાથમિક સારવાર મળે તે પહેલાં જ તમામનાં મોત નિપજ્યાં હતાં. ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતાં ફાયર વિભાગનાં ઉચ્ચાધિકારીઓ પણ ઘટના સ્થળે ઘસી ગયા હતા. મૃતકોમાં 65 વર્ષીય શેહનાઝ બેગમ અબ્દુલ કલામ અંસારી, 18 વર્ષીય હુસના બેગમ અબ્દુલ કલામ અંસારી અને 28 વર્ષીય શબીના રમઝાન અલી અંસારી તથા 19 વર્ષીય ખુશનુમા અબ્દુલ અંસારી સહિત માત્ર ચાર વર્ષીય માસુમ સુભાન રમઝાન અલી અંસારીનો સમાવેશ થાય છે. ઘટનાને પગલે આસપાસનાં લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઘસી આવ્યા હતા અને એક જ પરિવારનાં પાંચ સભ્યોનાં મોતને પગલે સમગ્ર વિસ્તારમાં પણ અરેરાટી પ્રસરી જવા પામી હતી. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.
• Share •