સુરતઃ- વર્તમાન ન્યૂઝ.કોમ
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ચીફ એડિશનલ સેક્રેટરી સુશ્રી મમતા વર્મા અને સુરતના જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને રવિવાર, તા. 29 માર્ચ, 2026ના રોજ સવારે એક બેઠક મળી હતી, જેમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલા, માનદ્ ખજાનચી સીએ મિતિશ મોદી અને સેક્રેટરી શ્રી પૌલિક દેસાઈ સહિતના પ્રતિનિધિ મંડળ દ્વારા ગલ્ફ વિસ્તારમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે ઊભી થયેલી ગંભીર સમસ્યાઓ અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી.
ચેમ્બર ઓફ કોમર્સે ખાસ કરીને ટેક્ષ્ટાઇલ, પ્લાસ્ટિક, ડાયમંડ અને કેમિકલ ઉદ્યોગોને અસર કરતી સમસ્યાઓને ઉજાગર કરી તાત્કાલિક રાહત માટે પગલા લેવા અનુરોધ કર્યો હતો.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ગલ્ફ વિસ્તારમાં ચાલી રહેલી પરિસ્થિતિનો સીધો અને ગંભીર પ્રભાવ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો પર પડી રહ્યો છે. ખાસ કરીને ટેક્ષ્ટાઇલ, ડાયમંડ અને કેમિકલ ઉદ્યોગો માટે હાલની સ્થિતિ પડકારજનક છે. જો સમયસર યોગ્ય નીતિ આધાર અને સરકારનો સહયોગ મળે તો ઉદ્યોગો આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકે છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક અને વ્યવહારુ પગલાં લેવાં અત્યંત જરૂરી છે.
ચેમ્બર ઓફ કોમર્સે રાજ્ય સરકારને વિનંતી કરી હતી કે, નીચે મુજબના મુદ્દાઓને ગંભીરતાથી લઈ તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવે, જેથી ઉદ્યોગોને રાહત મળે અને રાજ્યની અર્થવ્યવસ્થા પર પડતી નકારાત્મક અસર ઓછી થાય.
ફોરેકસ અસ્થિરતા અને વધતો ઉત્પાદન ખર્ચઃ રૂપિયાનું અવમૂલ્યન અને વિદેશી ચલણમાં ભારે ઉથલપાથલને કારણે આયાતી કાચા માલના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના પરિણામે ઉદ્યોગોની નફાકારકતા પર અસર પડી રહી છે, આથી ચેમ્બરને રાજ્ય સરકારને વિનિમય દર સ્થિર રાખવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવું સૂચન કર્યું હતું.
કાચા માલની અછત અને ભાવમાં અનિશ્ચિતતાઃ ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ફેરફારને કારણે કાચા માલની ઉપલબ્ધતા અને કિંમતો બંને અનિશ્ચિત બની છે, જેના કારણે ઉદ્યોગોને ઉત્પાદન આયોજનમાં મુશ્કેલી પડી રહી છે, આથી ચેમ્બરે પારદર્શક અને સ્થિર પ્રાઈસિંગ મિકેનિઝમ અમલમાં મુકવામાં આવે તેવી વિનંતી કરી હતી.
ઔદ્યોગિક ગેસ સપ્લાયમાં વિક્ષેપઃ ગેસ સપ્લાયમાં અવરોધોને કારણે ઉત્પાદન પ્રક્રિયામાં વિક્ષેપ આવી રહ્યો છે, આથી વૈકલ્પિક દેશોમાંથી ગેસ સપ્લાય વધારવા અને વિતરણ વ્યવસ્થા સુવ્યવસ્થિત કરવા માટે ચેમ્બરે વિનંતી કરી હતી.
એલપીજીની અછત અને શ્રમિકોનું રિવર્સ માઇગ્રેશનઃ શ્રમિક વસાહતોમાં એલપીજી સિલિન્ડરની અછતને કારણે શ્રમિકોને મુશ્કેલીઓ પડી રહી છે, જેના કારણે તેઓ પોતાના વતન પરત જઈ રહ્યા છે. એવા સંજોગોમાં આધાર કાર્ડ આધારિત એલપીજી સિલિન્ડરની વિતરણ અને સતત સપ્લાય સુનિશ્ચિત કરવા રજૂઆત કરી હતી.
ડાયમંડ ઉદ્યોગ પર યુદ્ધની સીધી અસરઃ દુબઈ અને એન્ટવર્પ જેવા ટ્રેડિંગ હબમાં વિક્ષેપને કારણે ડાયમંડ નિકાસ પર ગંભીર અસર પડી છે અને સ્ટોક અટવાઈ ગયો છે. એવા સંજોગોમાં કસ્ટમ ડયુટી વિના સ્ટોક રિ–ઇમ્પોર્ટ કરવાની મંજૂરી આપવામાં આવે અને ભારતને વૈશ્વિક ટ્રેડિંગ હબ બનાવવા પ્રયત્નો તેજ કરવામાં આવે તેવી રજૂઆત કરાઇ હતી.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીએ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરાયેલી રજૂઆતને ખૂબ જ શાંતિપૂર્વક સાંભળી હતી. ચેમ્બરના હોદ્દેદારો પાસેથી તેઓએ વિવિધ મુદ્દાઓને ગંભીરતાપૂર્વક સમજીને હાલમાં ઉદ્યોગો માટે ઉભી થયેલી મુશ્કેલીને દુર કરવા માટે સરકાર દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવશે તેવી ખાત્રી આપી હતી.
• Share •