Page Views: 5502

મહિલાઓને આત્મમૂલ્યની ઓળખ અને આત્મવિશ્વાસ વધારવા માર્ગદર્શન, ચેમ્બરની લેડીઝ વિંગ દ્વારા 'સેલ્ફ વર્થ ટુ સેલ્ફ પાવર' વિષે સેશન

ઇન્સ્પિરેશનલ સ્પીકર અને કોર્પોરેટ ટ્રેઇનર સુશ્રી પુનમ લંકાપતિએ મહિલાઓને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે માર્ગદર્શન આપ્યું

સુરતઃ- વર્તમાન ન્યૂઝ.કોમ

 ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વિંગ દ્વારા શુક્રવાર, તા. ર૭ માર્ચ, ર૦ર૬ના રોજ સાંજે ૪:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે 'સેલ્ફ વર્થ ટુ સેલ્ફ પાવર' વિષય પર સેશન યોજાયું હતું, જેમાં ઇન્સ્પિરેશનલ સ્પીકર અને કોર્પોરેટ ટ્રેઇનર સુશ્રી પુનમ લંકાપતિએ મહિલાઓને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે માર્ગદર્શન આપ્યું હતું. ચેમ્બરની લેડીઝ વિંગની ચેરપર્સન શ્રીમતી મયુરીબેન મેવાવાલાએ સ્વાગત સંબોધન કરીને કાર્યક્રમના હેતુ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓમાં આત્મવિશ્વાસ અને આત્મમૂલ્યની ભાવના વિકસાવવી આજના સમયમાં અત્યંત જરૂરી છે. ઇન્સ્પિરેશનલ સ્પીકર અને કોર્પોરેટ ટ્રેઇનર સુશ્રી પુનમ લંકાપતિએ પોતાના સંબોધનમાં મહિલાઓને પોતાનું આત્મમૂલ્ય ઓળખવા, અન્યો સાથેની તુલનામાંથી બહાર આવવા અને ગિલ્ટ ફીલિંગમાંથી મુક્ત થઈને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જીવનમાં સકારાત્મક વિચારધારા અને આત્મવિશ્વાસ દ્વારા વ્યક્તિગત તથા વ્યાવસાયિક વિકાસ શકય બને છે તે અંગે સમજાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિમાં અનોખી ક્ષમતાઓ અને શક્તિઓ રહેલી હોય છે, જેને ઓળખીને તેનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે. પોતાની તુલના અન્ય લોકો સાથે કરવાની બદલે પોતાની જાતને વધુ સારી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જીવનમાં આવતી નિષ્ફળતાઓને શીખવાનો અવસર માની આગળ વધવું એ સફળતાની સાચી ચાવી છે. મહિલાઓએ પોતાની અંદરની શક્તિને ઓળખીને આત્મવિશ્વાસ સાથે નિર્ણયો લેવાના અને જીવનના દરેક ક્ષેત્રમાં નિડરપણે આગળ વધવાના પ્રયત્નો કરવા જોઈએ. લેડીઝ વિંગની વાઇસ ચેરપર્સન શ્રીમતી અલ્પાબેન મદ્રાસીએ વક્તા સુશ્રી પુનમ લંકાપતિનો પરિચય આપી ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. ચેમ્બરની ટ્રાફિક એજ્યુકેશન એન્ડ અવેરનેસ કમિટીની ચેરપર્સન સુશ્રી કામિનીબેન ડુમસવાલાએ સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું. આ સેશનમાં ઉપસ્થિત મહિલાઓએ ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો અને સેશનને પ્રેરણાદાયી તથા માર્ગદર્શક ગણાવ્યો હતો.