સુરતઃ - વર્તમાન ન્યૂઝ.કોમ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા જેએમ ફાઇનાન્શિયલ પ્રાઇવેટ વેલ્થના સહયોગથી બુધવાર, તા. ૧૮ માર્ચ, ર૦ર૬ના રોજ સાંજે ૭:૦૦ કલાકે પ્લેટિનમ હોલ, સરસાણા, સુરત ખાતે 'નેવીગેટીંગ માર્કેટ્સ ઇન અ શિફટીંગ ગ્લોબલ લેન્ડસ્કેપ' વિષય પર ઈન્ટરેકિટવ સેશનનું યોજાયું હતું, જેમાં ઉદ્યોગ અગ્રણીઓ અને નિષ્ણાતોએ વૈશ્વિક બજારોની હાલની સ્થિતિ, જીઓપોલિટિકલ પરિસ્થિતિઓના પ્રભાવ, મેક્રો ટ્રેન્ડ્સ તથા તેનાથી રોકાણકારોના પોર્ટફોલિયોમાં થતી અસર અંગે ઉદ્યોગ સાહસિકો અને રોકાણકારોને વિસ્તૃત જાણકારી આપી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ સત્રમાં ઉપસ્થિતોને આવકારી ચેમ્બરની વિવિધ પ્રવૃત્તિઓ વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે, આજના વૈશ્વિક અને ઝડપથી બદલાતા આર્થિક પરિપ્રેક્ષ્યમાં ઉદ્યોગકારો અને રોકાણકારો માટે માહિતી અને યોગ્ય માર્ગદર્શન ખૂબ જ આવશ્યક બની ગયું છે. આવા સેશન દ્વારા સભ્યોને વૈશ્વિક બજારની દિશા, મેક્રો ઈકોનોમિક પરિબળો અને રોકાણ માટેની નવી તકો અંગે સમજણ પ્રાપ્ત થાય છે. મુખ્ય અતિથિ તરીકે લુથરા ગૃપના ચેરમેન શ્રી ગિરીશ લૂથરાએ પોતાના સંબોધનમાં વૈશ્વિક આર્થિક પરિસ્થિતિમાં આવી રહેલા બદલાવ અને તેના ઉદ્યોગો તેમજ રોકાણકારો પર પડતા પ્રભાવ અંગે મહત્વપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજના સમયમાં વૈશ્વિક અર્થતંત્ર ઝડપથી પરિવર્તનશીલ બની રહ્યું છે, જેમાં જીઓપોલિટિકલ પરિસ્થિતિ, ટેકનોલોજીનો વિકાસ અને સપ્લાય ચેઇનના બદલાતા માળખાનો સીધો પ્રભાવ ઉદ્યોગ અને રોકાણ ક્ષેત્ર પર જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, ઉદ્યોગકારો અને રોકાણકારો માટે લાંબા ગાળાની દ્રષ્ટિ સાથે મજબુત મૂળભૂત તત્વો ધરાવતા ક્ષેત્રોમાં રોકાણ કરવું અત્યંત જરૂરી છે. મુખ્ય અતિથિ તરીકે એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સ્થાપક પ્રમોટર અને મેનેજિંગ ડિરેકટર શ્રી અશ્વિન દેસાઈએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારતીય અર્થવ્યવસ્થા વૈશ્વિક પડકારો વચ્ચે પણ મજબૂત સ્થિતિમાં છે અને મેક ઇન ઈન્ડિયા તથા આત્મનિર્ભર ભારત જેવી પહેલો ઉદ્યોગોને નવી દિશા આપી રહી છે. તેમણે કહ્યું હતું કે, કેમિકલ અને મેન્યુફેકચરિંગ સેકટરમાં ભારત માટે વિશાળ તકો ઉપલબ્ધ છે, ખાસ કરીને ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ભારતની ભૂમિકા દિવસેને દિવસે મજબૂત બની રહી છે. અતિથિ વિશેષ તરીકે જૈનમ બ્રોકિંગ લિ.ના મેનેજિંગ ડિરેકટર અને કો–ફાઉન્ડર શ્રી મિલન પરીખે રોકાણકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ટૂંકાગાળાના બજારના ઉતાર–ચઢાવ કરતા લાંબા ગાળાની મૂલ્ય આધારિત રોકાણ પદ્ધતિ અપનાવવી વધુ ફાયદાકારક સાબિત થાય છે. સાથે જ યોગ્ય ડાઇવર્સિફિકેશન અને જોખમ વ્યવસ્થાપન દ્વારા પોર્ટફોલિયોને સ્થિર રાખી શકાય છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ યોગ્ય માહિતી, સંશોધન અને લાંબા ગાળાની દ્રષ્ટિ રાખનાર રોકાણકારો માટે અનેક નવી તકો ઉપલબ્ધ છે.
એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરપર્સન અને જે.આર. ગૃપના ચેરમેન શ્રી કમલવિજય તુલસિયાને પણ પોતાના અનુભવના આધારે રોકાણ ક્ષેત્રમાં ઉભા થતા નવા અવસરો અને પડકારો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય અર્થવ્યવસ્થા સતત વૃદ્ધિ પામી રહી છે અને આવનારા સમયમાં દેશના વિવિધ સેકટર્સમાં નોંધપાત્ર રોકાણ તકો ઊભી થવાની શકયતા છે, જેને સમજદારીપૂર્વક અપનાવીને રોકાણકારો વધુ સારા પરિણામો મેળવી શકે છે. જેએમ ફાઇનાન્શિયલના એકિઝકયુટિવ ડિરેકટર તથા હેડ ઓફ પ્રોડકટસ શ્રી મનીષ ગર્ગ દ્વારા ગ્લોબલ માર્કેટ આઉટલુક વિષે વિસ્તૃત પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. ઇન્વેસ્ટમેન્ટ પીચ અંતર્ગત જેએમ પ્રાઇવેટ વેલ્થ દ્વારા પોતાની સેવાઓ અને વિશેષતાઓ રજૂ કરી હતી, જેમાં હાઈ નેટવર્થ ઈન્ડિવિજુઅલ્સ માટે તૈયાર કરાયેલા ઇન્સ્ટિટયુશનલ લેવલના સોલ્યુશન્સ, રોકાણ ફિલોસોફી અને તેમની કાર્યપદ્ધતિ અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત આદિત્ય બિરલા સન લાઈફ એ.એમ.સી.ની ટીમ દ્વારા ઉપસ્થિત સભ્યોને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં ઉપસ્થિત સભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના નિષ્ણાતોએ સંતોષકારક જવાબો આપ્યા હતા. આ સેશનનું સંચાલન સુશ્રી જ્હાનવી તુલસિયાન દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં સેશનના કન્વીનર જ્હાનવી તુલસિયાએ આભારવિધિ વ્યક્ત કરીને કાર્યક્રમનું સમાપન કર્યું હતું.
• Share •