સુરતઃ- વર્તમાન ન્યૂઝ.કોમ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરતના જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી (IAS)ને પત્ર પાઠવીને શહેરમાં કાર્યરત મજૂર વર્ગને ઘરગથ્થુ ઉપયોગ માટે એલપીજી ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવતી મુશ્કેલીઓને દૂર કરવા તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, કલેકટરને કરાયેલી રજૂઆત મુજબ સુરત શહેરમાં કાર્યરત કુલ મજૂર વસ્તીમાં અંદાજે ૬૦થી ૮૦ ટકા મજૂરો અન્ય જિલ્લાઓ અને રાજ્યોમાંથી આવેલા માઇગ્રન્ટ મજૂરો છે. એમાંથી મોટા ભાગના પાસે સુરતના સ્થાનિક રેશન કાર્ડ ઉપલબ્ધ નથી, જેના કારણે તેઓને ઘરગથ્થુ એલપીજી ગેસ કનેકશન મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વર્તમાન પરિસ્થિતિમાં ગેસ સિલિન્ડરની અછત અને તેની ઉપલબ્ધતામાં ઉભી થતી અડચણોને કારણે મજૂર વર્ગમાં અસંતોષ ફેલાઈ શકે છે. આવી સ્થિતિમાં રિવર્સ માઇગ્રેશન એટલે કે મજૂરો પોતાના વતન તરફ પાછા જવાની સંભાવના વધી શકે છે, જે સુરતના ટેક્ષ્ટાઇલ, ડાયમંડ તથા અન્ય ઉદ્યોગો માટે ગંભીર પરિસ્થિતિ ઊભી કરી શકે છે. આ સમસ્યાના સમાધાન માટે ચેમ્બરે કલેકટરને વિનંતી કરી છે કે, મજૂરોને રેશન કાર્ડના બદલે આધાર કાર્ડના આધારે એલપીજી ગેસ સિલિન્ડર ફાળવવાની વ્યવસ્થા અમલમાં મુકવામાં આવે. આધાર કાર્ડ આજે સર્વત્ર સ્વીકાર્ય ઓળખ પુરાવો હોવાથી મજૂરોને સરળતાથી ગેસ સુવિધા ઉપલબ્ધ થઈ શકે છે. ચેમ્બરે જિલ્લા કલેકટરને આ મુદ્દે તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરીને મજૂર વર્ગને રાહત આપવાની માંગ કરી છે, જેથી કરીને મજૂર વર્ગને મૂળભૂત સુવિધા પ્રાપ્ત થઇ શકે.
• Share •