નવસારી- વર્તમાન ન્યૂઝ.કોમ
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાંથી એક એવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેણે માનવતાને ફરી એકવાર શરમાવી દીધી છે. એક પાખંડી સાવકા પિતાએ પોતાની જ બે સગીર દીકરીઓ પર વારંવાર દુષ્કર્મ ગુજારી તેમને ગર્ભવતી બનાવી હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. રક્ષક જ ભક્ષક બનતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નરાધમ પિતાના પાપનો ઘડો ત્યારે ફૂટ્યો જ્યારે નાની દીકરીને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. પરિવાર તેને સારવાર માટે કુકેરી પી.એચ.સી. સેન્ટર લઈ ગયા હતા. જ્યાં તબીબોને શંકા જતાં સોનોગ્રાફી કરાવવામાં આવી હતી. રિપોર્ટમાં સામે આવ્યું કે, સગીરાને 5 માસનો ગર્ભ છે. આ જાણીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જ્યારે માતાએ નાની દીકરીની આકરી પૂછપરછ કરી, ત્યારે તેણે રડતા રડતા તેના સાવકા પિતા અનિલ અમૃતભાઈ રાઠોડની કરતૂતો વર્ણવી હતી. આટલું ઓછું હોય તેમ, મોટી દીકરીની તપાસ કરાવતા તે પણ 2 માસની ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. આરોપી પિતા બંને દીકરીઓને જંગલમાં લાકડા લેવા જવાના બહાને અથવા રાત્રે પરિવારના ઊંઘી ગયા બાદ પોતાની હવસનો શિકાર બનાવતો હતો. માસૂમ દીકરીઓ લાંબા સમયથી આ નરક જેવી પીડા સહન કરી રહી હતી કારણ કે પિતા તેમને સતત ધમકાવતો હતો. તે કહેતો હતો કે, "જો તમે આ વાત કોઈને કહેશો, તો હું તમને અને તમારી મમ્મીને જમવાનું આપીશ નહીં અને ભૂખ્યા રાખીશ." જમવાનું નહીં મળે તેવા ડરથી દીકરીઓ આ અત્યાચાર મૂંગા મોઢે સહન કરતી રહી. સગીરાઓની માતાની ફરિયાદના આધારે ચીખલી પોલીસે આરોપી અનિલ રાઠોડ વિરુદ્ધ POCSO એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે જેથી આરોપીને કડકમાં કડક સજા અપાવી શકાય.
• Share •