Page Views: 5781

સુરતમાં ટેક્ષ્ટાઇલ એક્ષ્પોર્ટ ફેસિલિટેશન સેન્ટર અંગે રોડ શો તથા સ્ટેક હોલ્ડર્સ કન્સલ્ટેશન મીટિંગ યોજાઈ

ટેક્ષ્ટાઇલ એક્ષ્પોર્ટને પ્રોત્સાહન આપવા અને એમએસએમઈ એક્ષ્પોર્ટર્સને માર્ગદર્શન આપવા સુરત કેન્દ્ર મહત્વપૂર્ણ સાબિત થશે

સુરતઃ - વર્તમાન ન્યૂઝ.કોમ

ભારત સરકારના ટેક્ષ્ટાઇલ મંત્રાલય હેઠળની ટેક્ષ્ટાઇલ્સ કમિટી દ્વારા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સાથે મળીને સોમવાર, તા. ૧૬ માર્ચ, ર૦ર૬ના રોજ સાંજે ૬:૩૦ કલાકે ઉષાકાંત મારફતિયા હોલ, સુરત ઇન્ટરનેશનલ એકિ્‌ઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ટેક્ષ્ટાઇલ એક્ષ્પોર્ટ ફેસિલિટેશન સેન્ટર (TEFC) અંગે રોડ શો તથા સ્ટેક હોલ્ડર્સ કન્સલ્ટેશન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ટેક્ષ્ટાઇલ્સ કમિટીના ડિરેકટર શ્રી જે.ડી. બર્મને સ્વાગત પ્રવચન આપતાં ઉપસ્થિત મહાનુભાવો અને સહભાગીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સુરત દેશના અગ્રણી ટેક્ષ્ટાઇલ હબ પૈકીનું એક છે, જે ખાસ કરીને મેનમેડ ફાઇબર ટેક્ષ્ટાઇલ્સ, વણાટ, પ્રોસેસિંગ તથા ગાર્મેન્ટ મેન્યુફેકચરિંગ ક્ષેત્રે તેની મજબૂત ઓળખ ધરાવે છે. ઉદ્યોગકારોના ઇનોવેશન, સાહસિકતા અને સતત પ્રયત્નોના કારણે સુરત વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું ટેક્ષ્ટાઇલ ક્લસ્ટર તરીકે વિકસ્યું છે. ટેક્ષ્ટાઇલ્સ કમિટીના સચિવ શ્રી કાર્તિકેય ધંધાએ ટેક્ષ્ટાઇલ એક્ષ્પોર્ટ ફેસિલિટેશન સેન્ટર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ સેન્ટર ટેક્ષ્ટાઇલ એક્ષ્પોર્ટને પ્રોત્સાહન આપવા તથા એક્ષ્પોર્ટરોને માર્ગદર્શન પૂરું પાડવા માટે સ્થાપિત કરવામાં આવ્યું છે. આ સેન્ટર દ્વારા એક્ષ્પોર્ટ પ્રક્રિયા, દસ્તાવેજીકરણ, સર્ટિફિકેશન, નિયમનકારી અનુપાલન તેમજ માર્કેટ ઈન્ટેલિજન્સ જેવી બાબતોમાં માર્ગદર્શન આપવામાં આવશે. ખાસ કરીને માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSMEs) માટે આ સેન્ટર આંતરરાષ્ટ્રીય વેપારના નિયમો સમજવા, એક્ષ્પોર્ટ માટે તૈયારી વધારવા અને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મકતા વધારવામાં મદદરૂપ બનશે. ટેક્ષ્ટાઇલ્સ કમિટીના જોઇન્ટ ડિરેકટર શ્રી આર. ચંદ્રને ટેક્ષ્ટાઇલ એક્ષ્પોર્ટ ફેસિલિટેશન સેન્ટર અંગે વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ સેન્ટર એક્ષ્પોર્ટ સંબંધિત જરૂરીયાતો માટે સિંગલ વિન્ડો માર્ગદર્શન પૂરૂં પાડશે, ઉત્પાદકોને એક્ષ્પોર્ટર બનવામાં મદદ કરશે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગે જાગૃતિ ફેલાવશે તેમજ ઉદ્યોગ આધારિત નીતિ સૂચનો આપવા માટે સરકારને સહાય કરશે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે,  સુરતના એક્ષ્પોર્ટરોને સંસ્થાકીય સહાય વધુ મજબૂત બનાવવાની જરૂર છે અને સુરત ભારતની ટેક્ષ્ટાઇલ અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના ટેક્ષ્ટાઇલ મંત્રાલયના ટેક્ષ્ટાઇલ કમિશનર શ્રીમતી વૃંદા દેસાઈ (IRS)એ જણાવ્યું હતું કે, ભારતના ટેક્ષ્ટાઇલ ઇકોસિસ્ટમમાં સુરતનું મહત્વ છે અને વૈશ્વિક બજારમાં ભારતની સ્પર્ધાત્મકતા વધારવા માટે એક્ષ્પોર્ટ કેન્દ્રિત સહાય વ્યવસ્થાઓને મજબૂત બનાવવી આવશ્યક છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ એક્ષ્પોર્ટ ફેસિલિટેશન સેન્ટર એક્ષ્પોર્ટરોને વૈશ્વિક વેપારના જટિલ પરિસ્થિતિમાં માર્ગદર્શન આપવા માટે મહત્વપૂર્ણ સંસ્થાકીય પ્લેટફોર્મ બનશે. કાર્યક્રમ દરમિયાન અતિથિ વિશેષ તરીકે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ અને ફોગવાના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ આ પહેલનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, આવા ફેસિલિટેશન સેન્ટર ઉત્પાદકો, એક્ષ્પોર્ટરો અને સરકારી સહાય વ્યવસ્થાઓ વચ્ચેના અંતરને ઘટાડવામાં મદદરૂપ બનશે. અતિથિ વિશેષ તરીકે મેનમેડ એન્ડ ટેકનિકલ ટેક્ષ્ટાઇલ્સ એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (MATEXIL)ના ચેરમેન શ્રી શાલીન તોશનીવાલે ભારતના મેનમેડ ફાઇબર અને ટેકનિકલ ટેક્ષ્ટાઇલ્સના એક્ષ્પોર્ટ માટે વધતી તકો અંગે પ્રકાશ પાડયો હતો અને એક્ષ્પોર્ટરો માટે જાગૃતિ તથા ક્ષમતા વિકાસ કાર્યક્રમોની મહત્વતા દર્શાવી હતી. કાર્યક્રમમાં ઉદ્યોગકારો અને એક્ષ્પોર્ટરો સાથે ઇન્ટરેકિટવ કન્સલ્ટેશન સેશન પણ યોજાયું હતું, જેમાં તેમણે ટેક્ષ્ટાઇલ્સ કમિટી અને ટેક્ષ્ટાઇલ મંત્રાલયના અધિકારીઓ સમક્ષ પોતાના અભિપ્રાયો, અપેક્ષાઓ અને સૂચનો રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે ટેક્ષ્ટાઇલ્સ કમિટીના આસિસ્ટન્ટ ડિરેકટર શ્રી બી.કે. શુક્લાએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં ટેક્ષ્ટાઇલ મંત્રાલયના અધિકારીઓ, ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, માનદ્‌ મંત્રી શ્રી બિજલ જરીવાલા, માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદી, ચેમ્બરની એમએસએમઇ કમિટીના ચેરમેન સીએ મનિષ બજરંગ, પૂર્વ પ્રમુખો શ્રી આશીષ ગુજરાતી અને શ્રી હિમાંશુ બોડાવાલા તેમજ શ્રી એસ.પી. વર્મા, એક્ષ્પોર્ટરો, ઉદ્યોગ સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ સ્ટેકહોલ્ડર્સ ઉપસ્થિત રહ્યા હતા.