સુરતઃ - વર્તમાન ન્યૂઝ.કોમ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૧૩થી ૧૬ માર્ચ, ર૦ર૬ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી આયોજિત સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્ષ્પોનું સોમવારે જબરજસ્ત પ્રતિસાદની સાથે સફળતાપૂર્વક સમાપન થયું હતું. ચાર દિવસ સુધી ચાલેલા આ ઓટો એક્ષ્પોને સુરત શહેર તથા આસપાસના વિસ્તારોના લોકો તરફથી અત્યંત ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ઓટો એક્ષ્પોમાં ખાસ કરીને કાર સેગમેન્ટને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. વિવિધ કાર ઉત્પાદક કંપનીઓના એકિઝબિટર્સને મોટી સંખ્યામાં જેન્યુન ઇન્કવાયરી પ્રાપ્ત થઈ હતી. અનેક મુલાકાતીઓએ નવી કાર ખરીદવા માટે રસ દાખવી વિગતવાર માહિતી મેળવી હતી, જેના કારણે એકિઝબિટર્સમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. ટુ વ્હીલર સેગમેન્ટમાં પણ જબરજસ્ત પ્રતિસાદ જોવા મળ્યો હતો. કેટલીક કંપનીઓના સ્ટોલ પર ડિસપ્લે માટે મૂકવામાં આવેલા ટુ વ્હીલર વાહનો પણ સ્થળ પર જ વેચાઈ ગયા હતા. ઘણા મુલાકાતીઓએ પોતાની પસંદગીના વાહનો માટે એડવાન્સ ચેક આપી સ્પોર્ટ પર બુકિંગ પણ કરાવ્યું હતું, જે એક્ષ્પોની લોકપ્રિયતાનો પુરાવો આપે છે. ઓટો એક્ષ્પોને મળેલા જબરજસ્ત પ્રતિસાદને પગલે ડીલરો અને સ્ટોલ હોલ્ડરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એકિઝબિટર્સના જણાવ્યા મુજબ સામાન્ય રીતે છ મહિનામાં જેટલી ઇન્કવાયરી અને બિઝનેસ જનરેટ થાય છે એટલો બિઝનેસ તેઓને માત્ર ચાર દિવસના ઓટો એક્ષ્પોમાં જ મળી ગયો હતો. મોટી સંખ્યામાં આવેલા મુલાકાતીઓના કારણે ઘણી કંપનીઓને નોંધપાત્ર ઇન્કવાયરી અને બુકિંગ પ્રાપ્ત થયા હતા. આ ઉપરાંત એક દિવસમાં સૌથી વધુ મુલાકાતીઓએ જીપના પ્રુવીંગ ગ્રાઉન્ડ પર સાહસિક ડ્રાઇવિંગનો અનુભવ લીધો હતો, જે સમગ્ર ભારતમાં સૌથી વધુ હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે ૭,૮૮૦ મુલાકાતીઓએ એક્ષ્પોમાં વિવિધ બ્રાન્ડની કાર અને બાઇક નિહાળી હતી. શનિવારે બીજા દિવસે ૧૪,૭૪૦ લોકોએ ઓટો એક્ષ્પોની મુલાકાત લીધી હતી. રવિવારે તો રેકોર્ડ બ્રેક ભીડ એક્ષ્પોમાં જામી હતી અને એકજ દિવસમાં પ૦ હજારથી વધુ લોકો એક્ષ્પોમાં ઉમટી પડયા હતા. સોમવારે ચોથા દિવસે પણ ૧પ હજારથી વધુ લોકોએ એક્ષ્પોની મુલાકાત લેતા ચાર દિવસમાં કુલ ૮૭ હજારથી વધુ લોકોએ એક્ષ્પોની મુલાકાત લીધી હતી. ઓટો એક્ષ્પો દરમિયાન મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણરૂપ બાઇક સ્ટંટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. કુશળ રાઇડર્સ દ્વારા રજૂ કરવામાં આવેલા રોમાંચક બાઇક સ્ટંટને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રાઇડર્સે વિવિધ અદ્દભુત સ્ટંટ રજૂ કર્યા હતા, જેને જોઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર વાતાવરણ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠયું હતું. તદુપરાંત, એક્ષ્પોમાં બનાવવામાં આવેલા પ્રુવીંગ ગ્રાઉન્ડ પર મુલાકાતીઓને ખાસ રોમાંચક અનુભવ મેળવવાની તક મળી હતી. અહીં લોકોએ જીપમાં બેસીને ઉબડખાબડ રસ્તાઓ, ઊંચા–નીચા ઢોળાવ અને ખાડાઓમાંથી પસાર થવાનો અનુભવ માણી શકયા હતા. ઘણા મુલાકાતીઓએ પોતે પણ જીપ ડ્રાઇવ કરીને આ પ્રુવીંગ ટ્રેક પર સાહસિક ડ્રાઇવિંગનો અનોખો આનંદ લીધો હતો, જે એક્ષ્પોની ખાસ યાદગાર આકર્ષણોમાંનું એક બની રહ્યું હતું. ઓટો એક્ષ્પોમાં વિન્ટેજ કાર સેગમેન્ટ પણ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વિવિધ સમયકાળની આકર્ષક અને ઐતિહાસિક મહત્વ ધરાવતી વિન્ટેજ કારોને જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કારોના અનોખા ડિઝાઇન, શૈલી અને જાળવણીને જોઈને કારપ્રેમીઓએ તેની ખૂબ પ્રશંસા કરી હતી અને ઘણા લોકોએ વિન્ટેજ કારોના ફોટોગ્રાફસ પણ લીધા હતા. ચેમ્બર ઓફ કોમર્સના આ ઓટો એક્ષ્પોએ સુરત શહેરમાં ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડયું હતું અને ઉદ્યોગકારો તથા ગ્રાહકો વચ્ચે સીધું જોડાણ સ્થાપિત કરવામાં સફળતા મેળવી હતી.
• Share •