Page Views: 6878

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ: કમિટીએ મુખ્યમંત્રીને ફાઈનલ રિપોર્ટ સોંપ્યો

યુનિફોર્મ સિવિલ કોડમાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત

ગાંધીનગર- વર્તમાન ન્યૂઝ.કોમ 

ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) અમલમાં લાવવાની દિશામાં રાજ્ય સરકાર હવે નિર્ણાયક તબક્કે પહોંચી છે. UCCના ડ્રાફ્ટ અને ભલામણો તૈયાર કરવા માટે રચાયેલી ખાસ કમિટીએ પોતાનો વિસ્તૃત અને અંતિમ રિપોર્ટ આજે (17મી માર્ચ) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કર્યો છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં કમિટીના સભ્યોએ રિપોર્ટ રજૂ કરતા હવે કાયદો બનવાની પ્રક્રિયા તેજ બની છે. રાજ્ય સરકાર દ્વારા આ કમિટીની રચના ચોથી ફેબ્રુઆરી, 2025ના રોજ કરવામાં આવી હતી. આ કમિટીએ છેલ્લા એક વર્ષ દરમિયાન વિવિધ ધર્મ, જ્ઞાતિના અગ્રણીઓ, કાયદાકીય નિષ્ણાતો અને સામાન્ય જનતાના અભિપ્રાયો મેળવ્યા હતા. ત્યારે 17મી માર્ચે  કામકાજ સલાહકાર કમિટીની બેઠકમાં આ અંગે ચર્ચા થશે અને સરકાર દ્વારા કુલ 4 વિધેયકો લાવવાની તૈયારી છે. યુનિફોર્મ સિવિલ કોડમાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત કરવામાં આવી છે. વિવિધ ધર્મના આધારે હાલના વિવિધ કાયદાઓ એક રીતે બિનઅસરકારક બની જાય છે. જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ કાયદાનો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે, જે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે. બંધારણની કલમ 44 હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ આવે છે. જે જણાવે છે કે રાજ્ય સમગ્ર ભારતમાં નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. આ કલમ હેઠળ દેશમાં આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. આ પાછળનો તર્ક વસ્તીને નિયંત્રિત કરવાનો છે. યુનિફોર્મ સિવિલ કોડ અનુસાર બધા ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક અને મિલકતમાં બધા માટે એક જ નિયમ લાગુ કરવો. તેમજ પરસ્પર સંબંધો અને પરિવારના સભ્યોના અધિકારોમાં સમાનતા આપવી. આ ઉપરાંત વ્યક્તિની જાતિ, ધર્મ કે પરંપરાના આધારે નિયમોમાં કોઈ છૂટછાટ આપવી   નહીં. તેમજ કોઈ ચોક્કસ ધર્મ માટે કોઈ અલગ નિયમ નહીં.