સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આયોજિત સુરત ઈન્ટરનેશનલ ઓટો એક્ષ્પો ર૦ર૬માં રવિવારના રોજ મુલાકાતીઓનો જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. રવિવારે એક જ દિવસે અંદાજે પ૦ હજારથી વધુ લોકોએ ઓટો એક્ષ્પોની મુલાકાત લીધી હતી, જેના કારણે એક્ષ્પોમાં રેકોર્ડ બ્રેક મુલાકાતીઓ નોંધાયા હતા. શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ દરમિયાન મળીને રર હજારથી વધુ લોકોએ ઓટો એક્ષ્પો નિહાળ્યો હતો, જ્યારે રવિવારે મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે ઉમટી પડતા સમગ્ર સ્થળ પર ભારે ભીડ જોવા મળી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, રવિવારની સવારથી જ ઓટો એક્ષ્પોના સમગ્ર પાર્કિંગ વિસ્તારમાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી અને થોડા જ સમયમાં આખું પાર્કિંગ ભરાઈ ગયું હતું. શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો એક્ષ્પો જોવા માટે આવ્યા હતા. મુલાકાતીઓએ વિવિધ અગ્રણી ઓટોમોબાઇલ કંપનીઓના લેટેસ્ટ મોડલ્સ, આધુનિક ટેકનોલોજી તથા ડિઝાઇન વિશે માહિતી મેળવી હતી. ઓટો એક્ષ્પોમાં પ્રદર્શિત કરવામાં આવેલા વાહનોને નજીકથી જોવા તેમજ તેની વિશેષતાઓ સમજવા માટે લોકોમાં ખાસ ઉત્સુકતા જોવા મળી હતી. ઓટો એક્ષ્પોમાં આયોજિત સ્ટંટ બાઇક શો પણ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સ્ટંટ બાઇક રાઇડર્સ દ્વારા કરવામાં આવેલા રોમાંચક સ્ટંટસને દર્શકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યા હતા. આ ઉપરાંત ઓટો એક્ષ્પોમાં બનાવવામાં આવેલું પ્રુવિંગ ગ્રાઉન્ડ પણ લોકોમાં ખાસ લોકપ્રિય બન્યું હતું. પ્રુવિંગ ગ્રાઉન્ડમાં વિવિધ પ્રકારના ઉબડખાબડ અને ખાડાવાળા ટ્રેક તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાંથી વાહનોને પસાર કરીને તેમની ક્ષમતા અને પાવરની ઝલક દર્શાવવામાં આવી હતી. અનેક મુલાકાતીઓએ આ પ્રુવિંગ ગ્રાઉન્ડનો અનુભવ કરીને અનોખો રોમાંચ અનુભવ્યો હતો. સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ. નાગરાજને પણ રવિવારે ઓટો એક્ષ્પોની મુલાકાત લીધી હતી. તેમણે પ્રદર્શિત કરવામાં આવેલા વિવિધ વાહનો નિહાળ્યા હતા તેમજ પ્રુવિંગ ગ્રાઉન્ડમાં જીપમાં બેસીને ઉબડખાબડ ટ્રેક પર સવારી કરીને તેનો રોમાંચક અનુભવ લીધો હતો. તેમણે સમગ્ર આયોજનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ પ્રકારના ઓટો એક્ષ્પો શહેરના ઓટોમોબાઇલ ક્ષેત્ર માટે ઉપયોગી અને પ્રેરણાદાયક સાબિત થાય છે. ઓટો એક્ષ્પો દરમિયાન મોટી સંખ્યામાં શહેરીજનોમાં નવા વાહનો પ્રત્યે ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક મુલાકાતીઓએ પ્રદર્શિત કરવામાં આવેલા વિવિધ કંપનીઓના કાર અને ટુ વ્હીલર મોડલ્સ અંગે માહિતી મેળવીને સ્થળ પર જ સ્પોટ બુકિંગ પણ કરાવ્યું હતું. ખાસ કરીને નવી ટેકનોલોજી, આકર્ષક ડિઝાઇન અને ખાસ ઓફર્સને કારણે વાહનપ્રેમીઓએ વાહનો ખરીદવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો, જેના પરિણામે એક્ષ્પોમાં અનેક વાહનોનું સ્પોટ બુકિંગ નોંધાયું હતું. આ ઉપરાંત, ઓટો એક્ષ્પોમાં પ્રદર્શિત કરવામાં આવેલી વિન્ટેજ કારોએ પણ મુલાકાતીઓમાં વિશેષ આકર્ષણ જગાવ્યું હતું. ખૂબ જ દુર્લભ અને ઐતિહાસિક મહત્વ ધરાવતી વર્ષ ૧૯૩૦ પહેલાની ૧૧ જેટલી વિન્ટેજ કારોને એક્ષ્પોમાં ખૂબ નજીકથી નિહાળવાની તક મળતા મુલાકાતીઓએ વિશેષ રોમાંચકતા અનુભવી હતી. જૂના સમયની આ ભવ્ય કારોની અનોખી ડિઝાઇન, મજબૂત બનાવટ અને ઐતિહાસિક વારસાને નિહાળવા માટે વાહનપ્રેમીઓમાં ખાસ ઉત્સુકતા જોવા મળી હતી. રવિવારે નોંધાયેલી ભારે ભીડ અને મુલાકાતીઓનો ઉત્સાહ ઓટો એક્ષ્પોની સફળતા દર્શાવે છે અને ચેમ્બર ઓફ કોમર્સના આયોજનને વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો.
• Share •