સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ
સુરત શહેરના રિંગરોડ મજુરાગેટ વિસ્તારમાં આવેલી મહિલા ડોક્ટરની આંખની હોસ્પિટલમાં નોકરી કરતી એક પરણીતા પર મહિલા ડોક્ટરના ડ્રાયવરે પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ દિગંત તેવરની દલીલો અને રેકોર્ડ પરના પુરાવાઓને ધ્યાનમાં લઇ કોર્ટે આરોપીને દસ વર્ષની સખ્ખત કેદની સજા ફટકારી હતી.
કેસની વિગતો અનુસાર, વર્ષ 2023માં સુરતમાં જ રહેતી એક પરણીતા રિંગરોડ મજુરા ગેટ વિસ્તારમાં આવેલી મહિલા ડોક્ટરની આંખની હોસ્પિટલમાં રિસેપ્સનિસ્ટ તરીકે નોકરી પર જોડાઇ હતી. મહિલાના પતિ બહુમાળી ભવનમાં સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે નોકરી કરતા હતા. આ મહિલા કર્મચારી નોકરી પર લાગીને પંદર દિવસમાં જ મહિલા ડોક્ટરના ડ્રાયવર સંજય મિશ્રાએ તેની છેડતી કરવાનું શરૂ કર્યું હતું. તેમજ એક બે વખત તેને બાઇક પર ઘરે મુકી જવાનું કહ્યું હતું. જો કે, મહિલા તેની સાથે જવા તૈયાર થઇ ન હતી. બીજા દિવસે સાંજે આ મહિલા હોસ્પિટલમાં એકલી હતી ત્યારે સંજય મિશ્રા ત્યાં આવ્યો હતો અને મહિલા ઉપર બળજબરી કરીને તેના પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. મહિલા આ ઘટનાથી ગભરાઇ ગઇ હતી અને આ રાત્રેજ તેણે પોતાના પતિને હોસ્પિટલમાં બનેલી ઘટના અંગે વાત કરી હતી. જેથી મહિલાના પતિ અને તેના સબંધીઓએ તુરંત ઉમરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં સરકારી વકીલ દિગંત તેવરે ઓન લાઇન દલીલો કરી હતી. તેમજ એવુ પણ જણાવ્યું હતું કે, હત્યામાં તો વ્યક્તિ એક જ વખત મૃત્યુ પામે છે પરંતુ જે મહિલાની ઇજ્જત લુંટાય છે તેને રોજે રોજ મરવાનો વખત આવે છે. રેકોર્ડ પરના પુરાવાઓ અને દલીલોને ધ્યાનમાં રાખીને સુરતના 13માં એડીશનલ સેશન્સ જ તથા સ્પે.જજ (એટ્રેસીટી) એસ.એમ.ગોવાણીએ આરોપી સંજય મિશ્રાને દસ વર્ષની સખ્ખત કેદની સજા ફટકારી હતી.
• Share •