Page Views: 6558

ગાંધીનગર સચિવાલયમાં વટવાના રહેવાસીનો આત્મહત્યાનો પ્રયાસ

વટવા વિસ્તારના રહેવાસી મકસૂદ ગુલઝાર નામની વ્યક્તિએ સચિવાલયમાં ગળાના ભાગે બ્લેડથી ઈજા પહોંચાડી

ગાંધીનગર- વર્તમાન ન્યૂઝ.કોમ

ગાંધીનગરમાં આવેલા સચિવાલય સંકુલમાં આજે એક ચોંકાવનારી ઘટના બની છે, જેમાં એક 40 વર્ષીય વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. અમદાવાદના વટવા વિસ્તારના રહેવાસી મકસૂદ ગુલઝાર નામની વ્યક્તિએ સચિવાલયમાં ગળાના ભાગે બ્લેડથી ઈજા પહોંચાડી હતી. આ ઘટનાને પગલે સચિવાલયમાં હોબાળો મચી ગયો હતો. મળતી માહિતી અનુસાર, ગાંધીનગરમાં સચિવાલયના સ્વર્ણિમ સંકુલ–1 ખાતે મંત્રીની ઓફિસમાં રજૂઆત કરવા આવેલા વટવાના એક અરજદારે કોઈ કારણોસર મંત્રીની ઓફિસ બહાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ લોહીલુહાણ હાલતમાં મકસૂદને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેની હાલત ગંભીર હોવાનું જણાય રહ્યું છે. આ વ્યક્તિએ કયા કારણોસર સચિવાલય જેવા હાઈ-સિક્યોરિટી ઝોનમાં જઈને આ પગલું ભર્યું, તે અંગે પોલીસે તપાસ તેજ કરી છે.