સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગ દ્વારા કુલપતિ ડૉ. કિશોરસિંહ એન. ચાવડાના માર્ગદર્શન હેઠળ તારીખ ૧૦-૧૧ માર્ચ, ૨૦૨૬ દરમિયાન “કન્ટેમ્પરરી ટ્રેન્ડ્સ ઇન ઇંગ્લીશ સ્ટડીઝ” વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં દેશ અને વિદેશના વિદ્વાનો તેમજ શિક્ષણવિદોએ ઉત્સાહપૂર્વક સહભાગી થઈને તેની સફળતામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડૉ. મહેશકુમાર ડે દ્વારા ઉષ્માભર્યુ સ્વાગત પ્રવચન અને પરિસંવાદના સમન્વયક ડૉ. સુનીલ શાહ દ્વારા વિષયવસ્તુના પરિચય સાથે થયો હતો. ત્યારબાદ કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ તેમના પ્રેરક ઉદબોધનમાં અંગ્રેજી અધ્યયનમાં ઊભરી રહેલા નવા પ્રવાહોના મહત્વ પર ભાર મૂક્યો હતો અને આ આયોજન માટે પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પરિસંવાદમાં અનેક પ્રતિષ્ઠિત વિદ્વાનોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ડૉ. ડેવિડ પેરોડિને "રિહરેહ્યુમનાઇઝિંગ ઇંગ્લિશ સ્ટડીઝ ઇન ધી એજ ઓફ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ" વિષય પર મુખ્ય પ્રવચન આપ્યું હતું, જ્યારે ડૉ. દિલીપ બારડ, ડૉ. જેમ્સ સિમ્પસન અને ડૉ. આનંદ મહાનદ દ્વારા પ્લીનરી વ્યાખ્યાનો આપવામાં આવ્યા હતા. વધુમાં, એચ. સી. ત્રિવેદી મેમોરિયલ લેક્ચર તરીકે ડૉ. કલ્પના પુરોહિતે "રીટેલિંગ્સ ઓફ મિથ" વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. આ મહાનુભાવોના જ્ઞાનવર્ધક વિચારોએ કાર્યક્રમની બૌદ્ધિક ગરિમામાં વધારો કર્યો હતો. હોંગકોંગ, થાઈલેન્ડ અને ભારતના મધ્યપ્રદેશ, કેરળ તથા ગુજરાત જેવા વિવિધ રાજ્યોના સંશોધકોની ઉપસ્થિતિએ આ શૈક્ષણિક આદાનપ્રદાનમાં વૈવિધ્ય અને સમૃદ્ધિ ઉમેરી હતી, જેનાથી ભારતીય અને વૈશ્વિક સાહિત્યિક પરંપરાઓની ઊંડી સમજ કેળવવામાં સહાય મળી હતી.
બે દિવસના આ પરિસંવાદ દરમિયાન હાજર રહેલ કુલ ૧30 સંશોધનાર્થી પૈકી ૧૦૩ સંશોધનાર્થીઓ દ્વારા સંશોધન પત્રો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં રોજગારલક્ષી અંગ્રેજી, અંગ્રેજી શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડિજિટલ યુગમાં અંગ્રેજી, બહુભાષી સંદર્ભમાં AI અને ભાષા પ્રાપ્તિ, AI અને સાહિત્યિક પ્રકારોનો વિકાસ, તથા સર્જનાત્મક લેખન માટે AI જેવા આધુનિક વિષયોનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત સાહિત્યનું ઉત્તર-સંસ્થાનવાદી પુનઃવાંચન, તુલનાત્મક અને વિશ્વ સાહિત્ય, સાહિત્ય અને સામાજિક ન્યાય, પર્યાવરણીય વિવેચન, અનુવાદ વિજ્ઞાન, આંતરશાખાકીય અભિગમો, વૈશ્વિક અંગ્રેજી સાહિત્ય, ડિજિટલ હ્યુમેનિટીઝ અને દ્વિતીય ભાષા તરીકે અંગ્રેજીનું શિક્ષણ જેવા વિષયો પર ગહન ચર્ચાઓ થઈ હતી.
સમાપન સમારોહમાં ડૉ. મનીષ સિદ્ધપુરિયાએ અધ્યક્ષસ્થાનેથી સાહિત્ય અને ભાષાના અભ્યાસની પ્રસ્તુતતા પર પ્રકાશ પાડ્યો હતો અને સફળ આયોજન બદલ અંગ્રેજી વિભાગની પ્રશંસા કરી હતી. કાર્યક્રમના અંતે ડૉ. સુનીલ શાહ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી, જેમાં તેમણે તમામ વક્તાઓ અને સહભાગીઓનો આભાર માન્યો હતો. પ્રોફેસર સુનીલ શાહના સંકલન હેઠળ, આ સંગોષ્ઠિ સાહિત્ય, સંસ્કૃતિ અને ભાષાના અભ્યાસ માટે એક બૌદ્ધિક મંચ બની ઉભરી હતી. આ સેમિનાર દ્વારા સમગ્રતયા શૈક્ષણિક વિમર્શ અને સંશોધન પ્રદાન દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ શૈક્ષણિક શ્રેષ્ઠતાના ક્ષેત્રમાં વધુ એક સીમાચિહ્ન પ્રસ્થાપિત કર્યું હતું.
• Share •